ઈલેક્ટ્રિક વાહનો અને ઉર્જા સંગ્રહ પ્રણાલી જેવી અત્યાધુનિક ટેકનોલોજી માટે ભારતને મુખ્ય ઉત્પાદન હબ બનાવવાની બિડમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારામને લિથિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટ સહિત ૨૫ મુખ્ય ખનિજો પરની કસ્ટમ ડયુટી દૂર કરવાની જાહેરાત કરી હતી. પરંતું ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર માટે બજેટ તાત્કાલિક રાહત આપવામાં નિષ્ફળ રહ્યું છે.ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગના સૂત્રો માને છે કે આયાતની પરિસ્થિતિઓમાં છૂટછાટ અને સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને વેગ આપશે, પણ તેના ફાયદા લાંબા ગાળે મળશે. તેમનું એમ પણ કહેવું છે કે બજેટ ઉદ્યોગને તાત્કાલિક રાહત આપવામાં નિષ્ફળ રહ્યું છે. સરકારના આ પગલાથી લાંબા ગાળે વાહનોની કિંમતમાં ઘટાડો થવાની ધારણા છે.
આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ટૂંકા ગાળામાં તેની ન્યૂનતમ અસર થશે. ટૂંકા ગાળામાં, ઉદ્યોગ બેટરીની આયાત કરી રહ્યો છે અને સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગ વિના, માત્ર કાચા માલ પરની ડયુટી દૂર કરવાથી ક્ષેત્રને ફાયદો થશે નહીં. સરકારની પહેલનો લાભ લેવા માટે, ઉદ્યોગે ક્રિટિકલ મિનરલ ડ્રાઇવ હેઠળ મુખ્ય ખનિજ પ્રક્રિયા અને શુદ્ધિકરણ ક્ષમતા વિકસાવવી પડશે. ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગને બજેટમાં FAME ૩ નીતિની જાહેરાત અને EV ક્ષેત્ર માટે વિશેષ પ્રોત્સાહનોની અપેક્ષા હતી. પરંતુ તેનો બજેટમાં સમાવેશ કરાયો નથી. અમે આશા રાખીએ છીએ કે વર્તમાન યોજના આ મહિને સમાપ્ત થાય તે પહેલાં સરકાર દૂરના વિસ્તારોમાં સેવાઓ પૂરી પાડવા પર ટેક્સ ઘટાડવા અથવા દૂર કરવા અંગે સ્પષ્ટતા આપશે.