‘જીવનની લગામ પોતના હાથમાં જ હોવી જોઈએ. તમારે જીવનમાં તમામ તક માટે તૈયાર રહેવું જોઈએ. હું કોઈ પણ રોલ માટે તૈયાર છું, પછી તે હિન્દી, ગુજરાતી, મરાઠી કે બીજી કોઈ પણ ભાષામાં કેમ ન હોય.’
વ ર્સેટાઈલ અભિનેત્રી અને ગાયિકા માનસી પારેખે તાજેતરમાં ફિલ્મ ‘ઝમકુડી’માં આ જ નામના ગીત માટે અવાજ આપ્યો હતો. પ્રાદેશિક સિનેમાના સતત પરિવર્તિત થતા લેન્ડસ્કેપ વિશે મંતવ્ય વ્યક્ત કરતા માનસીએ ભાષાની સરહદોને પાર કરે તેવી ગુણવત્તા ધરાવતા કોન્ટેન્ટની વધતી માગ વિશે જણાવ્યું.એક મુલાકાતમાં આ અભિનેત્રી-ગાયિકાએ પ્રાદેશિક સિનેમા, ખાસ કરીને ગુજરાતી સિનેમાના બદલાતા અભિગમ વિશે મત વ્યક્ત કર્યો. ગુજરાતી ફિલ્મોની વધતી લોકપ્રિયતા તેમજ વૈવિધ્યસભર કથાનક માટે દર્શકોની માગની ખાસ નોંધ લીધી.
માનસીની ફિલ્મ લોકોને ગમી છે અને ટાઇટલ સોંગ વાયરલ થયું છે. વિવિધ પૃષ્ઠભૂમિના શ્રોતાઓએ તેને પસંદ કર્યું છે. માનસી કહે છે: આ ગીત ગુજરાતી સંગીત સાથે સંકળાયેલી પ્રચલિત માન્યતામાંથી છૂટકારો મેળવવા ખાસ રચવામાં આવ્યું હતું.માનસી કહે કરે છે કે ગુજરાતીમાં નવીનતા લાવવાના ઈરાદામાં અમે સ્પષ્ટ હતા, કારણ કે ગુજરાતી સંગીત સાથે લોકો અમુક જ પ્રકારને સાંકળી લેતા હોય છે. આ ગીતમાં અમે સમકાલીન અને હીપ-હોપ સ્ટાઈલ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ નવીનતાભર્યા અભિગમ સફળ થયો છે એ તો લોકો તરફથી મળેલી સ્વીકૃતિ પરથી સ્પષ્ટ થઈ ગયું છે. રમૂજ અને પારિવારીક મનોરંજનને પ્રાથમિક્તા આપતા ગુજરાતી દર્શકોની પસંદગી વિશિષ્ટ હોવાનું કબૂલ કરતા માનસી કહે છે કે ગુજરાતી દર્શકોને રમૂજ સાથે પીરસવામાં આવતું તમામ કન્ટેન્ટ પસંદ આવે છે. કોમેડી અને મનોરંજક ફિલ્મો તેઓ પરિવાર સાથે જોવાનું વધુ પસંદ કરે છે.
હિન્દી, ગુજરાતી અને તમિલ સહિત વિવિધ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે ચર્ચા કરતા માનસીએ પોતાનાં કાર્યો દ્વારા ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ૨૦૧૯માં રજૂ થયેલી વિખ્યાત ફિલ્મ ‘ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી હિન્દી ફિલ્મોમાં સફળતા મળવા છતાં માનસી ગુજરાતીમાં અર્થપૂર્ણ કોન્ટેન્ટ બનાવવા આતુર છે. ‘ઉરી’માં માનસી, વિકી કૌશલની ભાભી બની હતી. હિન્દી ફિલ્મો અને હિન્દી વેબ સિરીઝમાં કામ કરનાર માનસી સ્પષ્ટતા કરે છે કે મેં ભલે ત્યાર પછી તરત ગુજરાતી ફિલ્મો નહોતી કરી, પણ એક ગુજરાતી હોવાને નાતે મને ગુજરાતી કોન્ટેન્ટની ક્ષમતા અને તેની માગ પર વિશ્વાસ છે.માનસીએ પોતાની કારકિર્દી પ્રત્યે અગમચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. તેણે તકની રાહ જોવાને બદલે જાતે તક ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માનસી કહે છે: જીવનની લગામ પોતના હાથમાં જ હોવી જોઈએ. તમારે જીવનમાં તમામ તક માટે તૈયાર રહેવું જોઈએ. હું કોઈપણ રોલ માટે તૈયાર છું, પછી તે હિન્દી, ગુજરાતી, મરાઠી કે બીજી કોઈપણ ભાષામાં કેમ ન હોય. માનસીના આવા પ્રોએક્ટિવ અભિગમે તેને બહુવિધ ફિલ્મ ઉદ્યોગમાં સફળ થવામાં સહાય કરી, જેના કારણે પ્રાદેશિક સિનેમામાં તેની પ્રગતિ થઈ શકી અને કદર પણ થઈ.
માનસી પારેખ અને તેના ગીત-સંગીતકાર પતિ પા્ર્થિવ ગોહિલ વિશ્વભરના ગુજરાતી દર્શકો માટે પરફોર્મ કર્યું છે. ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે પતિ-પત્નીના દિલમાં વિશેષ પ્રીતિ છે. માનસી કહે છે: લોકોને ગુજરાતી સંગીત પસંદ છે અને તેમને ગુજરાતી ફિલ્મો પણ વધુ પ્રમાણમાં જોવી ગમશે.વિશ્વમાંથી મળતી આ કદરે માનસીને ગુજરાતીમાં વધુ રચનાત્મક કોન્ટેન્ટ રચવા માટે ઉત્સાહિત કરી છે. માનસી માને છે કે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિમાં વ્યાપક ઓડિયન્સ સુધી પહોંચવાની પૂરી ક્ષમતા છે.