ગુજરાતના 16 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 23 પોઝિટિવ કેસ છે. બુધવારે દિવસ દરમિયાન ચાંદીપુરાના 17 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેની સાથે જ ચાંદીપુરાના હાલ 117 શંકાસ્પદ કેસ છે. આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ 3ની સાથે કુલ મરણાંક વધીને 41 થયો છે.
ચાંદીપુરાનાના કુલ 118 કેસ
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 118 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 10, ગાંધીનગર ગ્રામ્ય – અરવલ્લી – ખેડા – જામનગર – વડોદરા ગ્રામ્યમાં 6, છોટા ઉદેપુર – દાહોદ – નર્મદા – વડોદરા કોર્પોરેશન – સુરત કોર્પોરેશન – ભરૂચ -મહીસાગરમાં 2, મહેસાણામાં 7, રાજકોટ – મોરબી – બનાસકાંઠામાં 5, રાજકોટ કોર્પોરેશન – સુરેન્દ્રનગરમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 11, પંચમહાલમાં 15, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, અમદાવાદ – જામનગર – ભાવનગર – દેવભૂમિ દ્વારકા – કચ્છમાં 1 કેસનો સમાવેશ થાય છે.
ચાંદીપુરાથી કુલ 41ના મૃત્યુ થયા
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના 54 દર્દી દાખલ છે જ્યારે 23ને રજા અપાઈ છે. અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે. જેમાં એક દર્દી બનાસકાંઠાનો જ્યારે એક દહેગામનો છે. અત્યારસુધી 9 સેમ્પલને સિવિલથી પુના મોકલવામાં આવ્યા છે. 9 દર્દીમાંથી 2ના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે જ્યારે 1 દર્દી સાજો થતાં ઘરે પરત ફર્યો છે. શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ 41ના મૃત્યુ થયા છે. જેમાં પંચમહાલમાં સૌથી વધુ 5 અમદાવાદ કોર્પોરેશનમાં 4ના મોત થયા છે. ચાંદીપુરાની સ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્યની ટીમ હાલ સાબરકાંઠામાં છે.