નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ૨૩ જુલાઈના રોજ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫માં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડીવેરામાં વધારો કરવાની જાહેરાત કરતા રોકાણકારોને ઝાટકો વાગ્યો છે. આ સિવાય રિટેલ રોકાણકારોને દૂર રાખવા એસટીટી ટેક્સમાં પણ વધારો સરકારની તિજોરી ભલે ભરે પરંતુ બજારના માનસ પર ખરાબ અસર કરશે.લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વર્તમાન ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પણ વર્તમાન ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાનો પ્રસ્તાવ મુકતા શેરબજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. એલટીસીજી પર મુક્તિ રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૧.૨૫ લાખ પ્રતિ વર્ષ કરવાની દરખાસ્ત બાદમાં નજરે ચઢતા દિવસના અંતે બજારમાં રિકવરી જોવા મળી છે પરંતુ ટૂંકાગાળાથી લઈને લાંબાગાળા સુધી આ નિર્ણય બજારની તેજીમાં અવરોધરૂપ બનશે તેવો બજાર નિષ્ણાંતોનો મત છે. બજારમાં છેલ્લા બે વર્ષથી અવિરત તેજી જોવા મળી રહી છે. આગામી સમયમાં સેન્સેકસને ૧ લાખનું લેવલ ક્રોસ કરવા માટે કોન્સોલિડેટ થવું પડશે.
સેન્સેક્સ ૭૯,૨૨૪ અને નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૪,૦૭૪નું તળિયું બતાવીને દિવસના અંતે અનુક્રમે ૮૦,૪૨૯ અને ૨૪,૪૭૯ પર બંધ આવ્યા હતા. બજાર નિષ્ણાંતોના મતે ટૂંકાગાળામાં સેન્સેક્સ ૭૮,૪૦૦થી ૭૮,૫૦૦ના સ્તર સુધી ઘટી શકે છે. હાલના તબક્કે ૭૯,૫૦૦ના સ્તરે સપોર્ટ છે. સૌથી ખરાબ પરિસ્થિતિમાં સેન્સેકસ ૭૫,૮૦૦ સુધી ગગડી શકે છે, જે ૪ જૂનની લોકસભા ચૂંટણીના પરિણામ-દિવસના નીચા સ્તરથી ૫૦ ટકા રિટ્રેસમેન્ટ લેવલ છે. આ વર્ષે સેન્સેક્સ ૭૫,૮૭૫ – ૮૧,૭૫૫ ઝોનમાં ફરી શકે છે.નિફટીમાં પણ ૨૪,૨૦૦નું લેવલ તૂટતા ૨૩,૭૦૦નો અને વધુમાં નીચે ૨૩,૫૦૦નો સપોર્ટ મળશે.જોકે અત્યારે અપસાઇડ ૨૪,૮૦૦ના લેવલની આસપાસ મર્યાદિત લાગે છે. ટેક્નિકલ પેરામીટર જોઈએ તો ડાઉનસાઇડ પર, ૨૪,૧૦૦ બ્રેક થતા ૫૦ ડીએમએ ૨૩,૪૬૦ અથવા ૧૦૦-ડીએમએ ૨૨,૮૮૦નું લેવલ જોવા મળી શકે છે.