લોકાભિમુખ માર્ગદર્શન – એચ.એસ. પટેલ IAS (નિ.)
ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એક્ટમાં જીલ્લા કલેક્ટરની પુર્વ મંજુરી સિવાય પોલીસ સીધેસીધા ફરીયાદ દાખલ કરી શકતા નથી.
ગત લેખમાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રતિબંધ કાયદાનો મુખ્ય ઉદ્દેશ અને જમીન / મિલ્કત પચાવી પાડવા માટે કયા પ્રકારના આચરણ થાય છે અને જમીન પચાવી પાડવી અને જમીન પચાવી પાડનાર અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવેલા પ્રવર્તમાન સમયમાં જે પ્રકારે દરેક ક્ષેત્રમાં નૈતિકતા / નિતીમતાનો (Ethics) હાસ થતો જોવા મળે છે અને તેના ભાગરૂપે જમીન / મિલ્કત આર્થિક વ્યવહારો માટેનું અગત્યનું સાધન હોવાથી ખોટા આચરણો અનુસરીને જમીન / મિલ્કત પચાવી પાડવાના કિસ્સાઓ વધતા જાય છે અને વિદ્યમાન કાયદાઓને નિષ્ફળ બનાવવાના કિસ્સાઓનું અનુસરણ કરવામાં આવે છે.
જેથી ખાસ કાયદાઓ (Specific) ઘડવામાં આવે છે. પરંતું તેના અમલીકરણનો મોટો પ્રશ્નાર્થ છે. આ કાયદા અંતર્ગત સરકારે નિયમો બનાવી કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમિતિ બનાવવામાં આવી છે જેમાં જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ અધિકારી (પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) અને અધિક કલેક્ટર (RAC) સભ્ય સચિવ છે. આ કાયદા હેઠળ જેની મિલ્કત / જમીન પચાવી પાડવાનો બનાવ બન્યો હોય તે વ્યક્તિએ નિયત નમુનામાં જીલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરવાની છે અને આ અરજીની તપાસ સબંધિત વિસ્તારના પ્રાન્ત અધિકારી મારફત સમય મર્યાદામાં કરવાની છે. આ અંગે વિશેષ તપાસની જરૂર જણાય તો સમિતિ કોઈપણ અધિકારી પોલીસ વિભાગ સહિતને તપાસ સુપ્રત કરી શકે છે. એક તબક્કે એવી પણ જોગવાઈ છે કે જીલ્લા કલેક્ટર કોઈપણ અરજી ઉપર ધ્યાન ન આપે તો પક્ષકાર સીધેસીધા સબંધિત સ્પેશ્યલ કોર્ટ સમક્ષ પણ રજુઆત કરી શકે છે અને કોર્ટ સમય મર્યાદામાં તે અંગે (Suo Moto) તપાસ કરાવી પગલાં લઈ શકે છે.
પ્રવર્તમાન સમયમાં જે આચરણ થઈ રહ્યું છે તેમાં મોટાભાગે બોગસ દસ્તાવેજો / બનાવટી બાનાખત / બનાવટી પાવર ઓફ એટર્ની, હિત ધરાવતા પક્ષકારોની ખોટી સહી કરવી / મહેસુલી રેકર્ડમાંથી નામ કમી કરવું, જાહેર ટ્રસ્ટોમાંથી તેઓએ ધારણ કરેલ જમીનમાં ટ્રસ્ટીઓ તરીકે દાખલ થઈ જમીનો કબજે કરી લેવી એટલેકે પરોક્ષ રીતે ટ્રસ્ટોનું વેચાણ / તબદીલી, સરકારી / ખાનગી જમીન ઉપર ખોટી રીતે ભાડાપટ્ટે આપી ભાડા ઉઘરાવવા, આ ઉપરાંત સરકારી / ગૌચર / સ્થાનિક સતા મંડળો / ગ્રામ પંચાયત / નગરપાલીકા / મહાનગરપાલીકા / જાહેર ટ્રસ્ટો / ધાર્મિક સ્થાનો વિગેરેએ ધારણ કરેલ જમીનો પચાવી પાડવા અને તેના ઉપર દબાણ કરવાના કિસ્સાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજકાલ પચાવી પાડેલ જમીનના વેચાણ માટે તેનું બ્ર્રોશર(Brochure) બતાવી, જમીનનું વેચાણ કરે અથવા ફાળવણી કરે અથવા તેવી જમીનનું વેચાણ અથવા ફાળવણી કરવા માટેની તૈયારી બતાવે અથવા જાહેરાત કરે અથવા વેચાણ અને ફાળવણી કરવાના હેતુ માટે કબજો ધરાવે તો પણ જમીન પચાવી પાડવાની પરિભાષામાં આવે છે. આ ઉપરાંત પણ જુદા જુદા આચરણો થાય છે. જેમાં ઘણીવાર માથાભારે વ્યક્તિઓ દ્વારા કોઈ વ્યક્તિને ઉત્તેજન અથવા ઉશ્કેરણી કરી મદદગારી કરે અને તે દ્વારા ચોક્કસ હેતુઓ માટે ઉપયોગ કરાવે અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપે તે ઉપરાંત જમીન ઉપરના કોઈ માળખા (Structure) અથવા મકાન બાંધકામ માટેનો કરાર કરે. આમ ઉપર જણાવ્યા પ્રમાણેના આચરણ કર્યાનું દોષિત ઠરે તો દસ વર્ષ કરતાં ઓછી નહિ પણ ચૌદ વર્ષની મુદત સુધીની કેદની અને મિલ્કતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા કરવાની જોગવાઈઓ છે.
જાણકારી મુજબ આટલી કડક જોગવાઈઓ કરેલ હોવા છતાં આ કાયદા હેઠળ આવા પ્રકારની શિક્ષા કરવામાં આવી હોય તેવું ધ્યાનમાં નથી, જ્યારે કલેક્ટર સમક્ષ થતી અરજીઓની સંખ્યા અનેક ઘણી છે તેમ છતાં અસરકારકતા નથી ખરેખર તો સરકારી / ગૌચરની જમીનો / મિલ્કતો કે નગરપાલીકા / મહાનગરપાલીકા / ગ્રામ પંચાયતોની જમીનો ઉપર અસંખ્ય દબાણો છે તેવા દબાણકારો સામે આ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવી અને દબાણો દુર કરવાનું અસરકારક માધ્યમ છે. પરંતું જીલ્લાના મહેસુલી અધિકારીઓ, જીલ્લા પંચાયત હસ્તકના અધિકારીઓ મ્યુનિસીપલ કમિશ્નરશ્રીઓ કે નગરપાલીકાના ચીફ ઓફિસરો દ્વારા તદ્દન ઉદાસીનતા સેવવામાં આવી રહી છે.
સંભવતઃ રાજકીય હસ્તક્ષેપને કારણે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું માનવાને કારણ છે. આમ સારા ઉદ્દેશ સાથે ઘડાયેલ કાયદાની અસરકારકતા નથી. પરંતું એક સંશોધનનો વિષય છે કે આ કાયદાથી જમીન / મિલ્કત પચાવી પાડનારાઓ સામે આ કાયદાની જોગવાઈઓથી જે આચરણ થાય છે તે ઓછું થયું છે કે કેમ તેની પણ સમિક્ષાની જરૂર છે.આ કાયદામાં જે ફરીયાદો થાય તેનો છ માસમાં નિકાલ કરવા માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરવાની જોગવાઈ છે અને આ કોર્ટને જીલ્લા સેશન્સ કોર્ટ સમક્ષ સતાઓ આપવામાં આવી છે અને એડીશનલ ડીસ્ટ્રીક્ટ જડ્જ કક્ષાથી ઉતરતા ન્યાયાધીશની નિમણુંક ન કરવાની જોગવાઈ છે અને સ્પેશ્યલ કોર્ટની રચના રાજ્યના મુખ્ય ન્યાયાધીશની સહમતીથી સબંધિત વિસ્તાર, કાર્યક્ષેત્ર નક્કી કરવાની જોગવાઈ છે. આજ રીતે સ્પેશ્યલ કોર્ટના ન્યાયાધીશની નિમણુંક ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સહમતીથી કરવામાં આવે છે. જો કોઈ કોર્ટના કાર્યક્ષેત્રનો (Jurisdiction) પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે રાજ્યસરકારનો નિર્ણય આખરી ગણવાનો છે.
સ્પેશ્યલ કોર્ટમાં નિમણુંક પામેલ ન્યાયધીશની મુદત ત્રણ વર્ષની મુદત માટે નિમણુંક કરવામાં આવે છે. આ કોર્ટોને સીવીલ પ્રોસીજર કોડ ૧૯૦૮ અને ફોજદારી કાર્યરીતી અધિનિયમ (હવે નવી ન્યાયસંહિતા) હેઠળની તમા સત્તાઓ પ્રાપ્ત થાય છે અને વિશેષ કોર્ટનો નિર્ણય આખરી ગણવાનો રહેશે. આ કાયદાની જોગવાઈઓ હોવા છતાં પર્યાપ્ત સંખ્યામાં સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવેલ નથી. આ કાયદાની જે વિશિષ્ઠ જોગવાઈ છે તે પરત્વે સૌ વાંચકો અને હિત ધરાવતા પક્ષકારોનું ધ્યાન દોરવાનં કે આ કાયદામાં પોલીસની સતાઓ નિયંત્રિત કરવામાં આવી છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમમાં કોઈપણ જોગવાઈ હોય તેમ છતાં આ કાયદા હેઠળ જમીન પચાવી પાડવા બાબતની કોઈપણ માહિતી અથવા ગુન્હો સરકાર દ્વારા જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલ સમિતિના સ્પષ્ટ આદેશો સિવાય અથવા પરામર્શ કર્યા સિવાય અને જીલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી વગર પોલીસ અધિકારી દ્વારા ફરીયાદ નોંધી શકાશે નહિં. આમ પોલીસ અધિકારીને સ્વમેળે Suo Moto ફરીયાદ નોંધવાની સતા નથી.
આ ઉપરાંત આ કાયદા હેઠળની ફરીયાદ અંગેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકશ્રી (DySP) ઉતરતા અધિકારી દ્વારા તપાસ હાથ ધરી શકાશે નહિ તે જ રીતે જ્યાં પોલીસ કમિશ્નરની હકુમત છે ત્યાં મદદનીશ પોલીસ અધિકારી (ACP) થી ઉતરતા અધિકારી તપાસ હાથ ધરી શકતા નથી. ટુંકમાં જીલ્લા કલેક્ટરની પૂર્વ મંજુરી સિવાય આ કાયદા હેઠળની તપાસ કે ફરીયાદ પોલીસ સીધેસીધા દાખલ કરી શકતા નથી. આમ આ મહત્વની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.