પ્રતિબંધ દૂર થતાં વધુ એક પાક કલાકારની એન્ટ્રી. સજલ અગાઉ મોમ ફિલ્મમાં શ્રીદેવીની દીકરીની ભૂમિકામાં જોવા મળી હતી.
પ્રભાસની આગામી ફિલ્મમાં પાકિસ્તાનની સજલ અલી હિરોઈન બનશે તેવી ચર્ચા છે. સજલ અલી અગાઉ શ્રીદેવીની ‘મોમ’ ફિલ્મમા તેની દીકરીની ભૂમિકામાં જોવા મળી હતી. સાઉથના ડાયરેક્ટર હનુ રાઘવપુડી એક પિરિયડ રોમાન્ટિક ડ્રામા પ્લાન કરી રહ્યા છે. તેના મુખ્ય હિરો તરીકે પ્રભાસ નક્કી છે. તેની હિરોઈન તરીકે સજલ અલીને ફાઈનલ કરી લેવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આ વિશે કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી.
ઉરી એટેક બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ, થોડા મહિનાઓ પહેલાં બોમ્બે હાઈકોર્ટે આવા કોઈ પણ પ્રકારના પ્રતિબંધને ફગાવી દીધો હતો. તે પછી પાકિસ્તાની કલાકારોનો ભારતીય પ્રોજેક્ટસમાં કામ કરવાનો માર્ગ મોકળો થયો છે. થોડા સમય પહેલાં અહેવાલો હતા કે પાકિસ્તાની હીરો ફવાદ ખાન કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’માં એક કેમિયો કરવાનો છે. આ ઉપરાંત ફવાદ ખાનને વાણી કપૂર સાથે પણ એક ફિલ્મ મળી છે.