ભારતના ટોચના ૧૦ મુખ્ય નિકાસ સ્થળો પરની નિકાસ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ૧૬.૫ ટકાના દરે વધી હતી, જ્યારે ભારતની કુલ વેપારી નિકાસ આ સમયગાળા દરમિયાન ૫.૮ ટકાના દરે વધી હતી તેમ વાણિજ્ય મંત્રાલયના ડેટામાં જણાવાયું હતું.આ સમયગાળા દરમિયાન, ભારતના ટોચના ૧૦ નિકાસ કેન્દ્રોમાં, એકલા ચીનમાં નિકાસમાં ૨.૮ ટકાનો ઘટાડો થયો છે. પરંતુ બાકીના ૯ દેશોમાં અમેરિકા (૧૦.૪ ટકા), સંયુક્ત આરબ અમીરાત (૧૭.૬ ટકા), નેધરલેન્ડ (૪૧.૩ ટકા), યુનાઇટેડ કિંગડમ (૨૧.૯ ટકા), સિંગાપોર (૨૬.૫૫ ટકા), સાઉદી અરેબિયા (૪.૯ ટકા), બાંગ્લાદેશ (૧૦.૫ ટકા)નો સમાવેશ થાય છે. જર્મની (૩.૪ ટકા) અને મલેશિયા (૮૧.૮ ટકા)માં સારી હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ હતી.આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કુલ વેપારી નિકાસમાં આ ટોચના ૧૦ દેશોનો હિસ્સો ૫૨ ટકા હતો. ભારત માટે અમેરિકા સૌથી મોટું નિકાસ કેન્દ્ર રહ્યું છે. આ પછી સંયુક્ત આરબ અમીરાત અને નેધરલેન્ડનો નંબર આવે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ત્રણ ટકાના ઘટાડા પછી, ભારતની નિકાસ ચાલુ વર્ષમાં સતત ત્રણ મહિના સુધી સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. જો કે આ વૃદ્ધિ સમાન ન હતી. આ નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલમાં ૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે મે મહિનામાં નિકાસમાં ૧૩ ટકાનો જબરદસ્ત વધારો થયો હતો. જોકે, જૂન દરમિયાન તેમાં માત્ર ૨.૫ ટકાનો વધારો થયો હતો. તેનું કારણ એ હતું કે મંદ માંગ અને લોજિસ્ટિક્સની ચિંતાને કારણે નિકાસકારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
સિંગાપોર, સાઉદી અરેબિયા અને સ્વિટ્ઝર્લેન્ડ સિવાય આયાતના સંદર્ભમાં ભારતના ટોચના ૧૦ દેશોમાં અન્ય દેશોમાંથી આયાત વધી છે. ભારતની કુલ વેપારી આયાતમાં આ ૧૦ દેશોનો હિસ્સો ૬૨ ટકાથી વધુ હતો. આ ૧૦ દેશોમાંથી આયાતમાં ૧૨ ટકાનો વધારો થયો છે જ્યારે કુલ આયાતમાં ૭.૬ ટકાનો વધારો થયો છે.વિદેશમાંથી ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, પેટ્રોલિયમ પેદાશો, નોન-ફેરસ મેટલ્સ અને મશીનરીની વધુ આયાતને કારણે આયાતમાં વધારો થયો છે.ભારત ચીનમાંથી સૌથી વધુ આયાત કરે છે અને ત્યારબાદ રશિયાનો નંબર આવે છે. સોનાની આયાત મુખ્યત્વે સ્વિટ્ઝર્લેન્ડથી થાય છે અને ત્યાંથી આયાત ૧૦.૫ ટકા ઘટીને ૪.૫૬ અબજ ડોલર થઈ છે.