બજેટ પહેલાં શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે મોટુ કરેક્શન જોવા મળ્યું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યાં બાદ કડડભૂસ થયા હતા. રોકાણકારોની મૂડી રૂ. 7.93 લાખ કરોડ ઘટી હતી. સ્મોલકેપ અને મીડકેપ સ્ટોક્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.સેન્સેક્સ 1088.66 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 738.81 પોઈન્ટ ઘટી 80604.65 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 269.95 પોઈન્ટ તૂટી 24530.90 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ઈન્ફોસિસ (1.92 ટકા), આઈટીસી (0.89 ટકા), એશિયન પેઈન્ટ્સ (0.53 ટકા), એચસીએલ ટેક (0.03 ટકા) સિવાય અન્ય તમામ 26 શેર્સમાં 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો.સેક્ટોરલ ઈન્ડેક્સમાં એનર્જી ઈન્ડેક્સ 2.83 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિઝ 1.02 ટકા, હેલ્થકેર 1.60 ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ 2.15 ટકા, ઓટો 2.53 ટકા, કેપિટલ ગુડ્સ 1.85 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.99 ટકા, મેટલ 4.11 ટકા, ઓઈલ એન્ડ ગેસ 2.87 ટકા, પાવર 2.67 ટકા, અને રિયાલ્ટી 2.44 ટકા ઘટ્યા હતા.
માઈક્રોસોફ્ટ ખામીની કોઈ અસર નહીં
માઈક્રોસોફ્ટ મોટી ખામીની ભારતીય સ્ટોક એક્સચેન્જની કામગીરી પર કોઈ અસર થઈ ન હતી. માઈક્રોસોફ્ટમાં ખામીના કારણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં સ્ટોક એક્સચેન્જીસની કામગીરી પણ ખોરવાઈ હતી. જો કે, બીએસઈ અને એનએસઈએ જાણકારી આપી છે કે, માઈક્રોસોફ્ટમાં ખામીની અસર અમારા સ્ટોક એક્સચેન્જીસ પર થઈ નથી.
માર્કેટમાં ઘટાડા પાછળનું કારણ
ભારતીય શેરબજાર ઓવરબોટ થયા છે. છેલ્લા કેટલાક સમયથી તેજી સાથે આગેકૂચ કરી રહ્યા હોવાથી વિરામની જરૂરિયાત નિષ્ણાતોએ દર્શાવી છે. રોકાણકારોએ બજેટ પહેલાં સાવચેતીના ભાગરૂપે પ્રોફિટ બુક કરતાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે.વૈશ્વિક સ્તરે ચીનના નબળા આર્થિક આંકડા તેમજ અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધવાની આશંકા જોવા મળી છે.