પેરિસમાં તારીખ 26મી જુલાઈથી શરૂ થઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના કુલ મળીને 117ખેલાડીઓ જુદી- જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ભારતીય ઓલિમ્પિક સંઘે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા 110 ખેલાડીઓ અને સાત રિઝર્વ ખેલાડીઓ એમ કુલ મળીને 117 ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે.
ભારતીય દળમાં કુલ 257 સભ્યો
ભારતે એથ્લેટિક્સ, હોકી અને ટેબલ ટેનિસમાં રિઝર્વ ખેલાડીઓને પણ પેરિસ મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભારતની ઓલિમ્પિકની સત્તાવાર ટીમમાં 140 કોચીસ, સપોર્ટ સ્ટાફ અને ઓફિશિઅલ્સનો પણ સમાવેશ થશે. આમ, પેરિસ ઓલિમ્પિકમાં જનારા ભારતીય દળમાં કુલ 257 સભ્યો હશે.
આભા ખાતુનનુ નામ ગાયબ
ભારત મહિલા ગોળા ફેક ખેલાડી આભા ખાતુને વર્લ્ડ રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હતુ. જોકે તેને ભારતીય ઓલિમ્પિક સંઘે જાહેર કરેલી ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત વર્લ્ડ એથ્લેટિક્સે પેરિસ ગેમ્સમાં ક્વોલિફાય થયેલા ખેલાડીઓની આખરી સુધારેલી યાદી જાહેર કરી, તેમાં પણ આભાનું નામ નથી.
ગોળાફેંકમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતી અને રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય થયેલી આભા ખાતુનને ભારતીય ઓલિમ્પિક સમિતિએ જાહેર કરેલી પેરિસ ગેમ્સન ખેલાડીઓમાં સામેલ કરવામાં ન આવતા વિવાદ સર્જાયો છે. ભારતીય ઓલિમ્પિક સંઘે તેની ગેરહાજરી અંગે કોઈ સ્પષ્ટતા પણ ન કરતાં રહસ્ય વધુ ઘેરું બન્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સે પણ મહિલા ગોળા ફેંકમાં ક્વોલિફાય થયેલા ખેલાડીઓની યાદીમાં તેને સામેલ કરી નથી.
ભારતના ચીફ ડીમિશન તરીકે ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર ગગન નારંગને પસંદ કરવામાં આવ્યો છે. અગાઉ આ માટે ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર મેરી કોમની પસંદગી થઈ હતી, પણ તેણે સામે ચાલીને આ પદ છોડી દીધું હતુ.
ભારતીય ખેલાડીઓની સંખ્યા ઘટી
ગત ઓલિમ્પિક કરતાં આ વખતના ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 2020ના ટોકિયો ઓલિમ્પિક કોરોનાના કારણે એક વર્ષ વિલંબથી યોજાયા હતા, જેમાં ભારતના 122 ખેલાડીઓએ 18 સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યારે આ વખતે આઈઓએ દ્વારા જાહેર કરવામાં આવેલા 117 ખેલાડીઓની યાદીમાંથી સાત તો રિઝર્વ છે એટલે ભારતના માત્ર 110 ખેલાડીઓ જ ઓલિમ્પિક ટીમમાં સામેલ છે. જે 16 સ્પર્ધામાં ભાગ લેશે.
શરથ કમલ અને સિંધુ ધ્વજવાહક
ભારતીય ઓલિમ્પિક સંઘે પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભમાં ભારતના ધ્વજવાહક તરીકે ટેબલ ટેનિસના ખેલાડી અંચત શરથ કમલ અને બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુને પસંદ કરી છે. સિંધુ બે વખત ઓલિમ્પિકમાં વિજેતા રહી ચૂકી છે. જ્યારે ટેનિસ શરથ કમલને ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યો તેની ટીકા પણ થઈ હતી.
નીરજ ચોપરાને ધ્વજવાહક બનાવવા માગ
ભારતને ગત ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ઐતિહાસિક ગોલ્ડમેડલ અપાવનારા નીરજ ચોપરાને ધ્વજવાહક બનાવવા માગ થઈ હતી, જોકે નીરજની ભાલા ફેંકની સ્પર્ધા ઓલિમ્પિકના ઉત્તરાર્ધમાં છે, જેના કારણે તે ઉદ્ઘાટન સમારંભ બાદ ત્યાં પહોંચવાનો છે. જેના કારણે શરથ કમલને ધ્વજવાહક બનાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો
સપોર્ટ સ્ટાફમાંથી 67 સભ્યો ઓલિમ્પિક વિલેજમાં અને 72ને સરકારી ખર્ચે હોટલમાં ઉતરશે
પેરિસ ઓલિમ્પિકના નિયમ અનુસાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના 11 સભ્યો સહિત સપોર્ટ સ્ટાફના 67 સભ્યોને ઓલિમ્પિક વિલેજમાં રહેવા મળશે. આ સિવાય સપોર્ટ સ્ટાફમાં સામેલ કોચીસ, તેમજ અન્ય સપોર્ટ સ્ટાફના 72 જેટલા સભ્યને સરકારના ખર્ચે ઓલિમ્પિક વિલેજની બહાર હોટલ કે અન્ય સ્થાનમાં ઉતારો આપવામાં આવશે.
ઓલિમ્પિક ટીમમાં ક્યા રાજ્યના કેટલા ખેલાડી ?
રાજ્ય (ખેલાડી): હરિયાણા (23), પંજાબ (18), તમિલનાડુ (13), ઉત્તરપ્રદેશ (9), કર્ણાટક (7), કેરળ-મહારાષ્ટ્ર-દિલ્હી(5-5), ઉત્તરાખંડ- પશ્ચિમબંગાળ મણીપુર-ચંદિગઢ-રાજસ્થાન(2-2), સિક્કીમ-ઝારખંડ-ગોવા-આસામ- બિહાર (1-1). * ખેલાડીના જન્મસ્થળને આધારે
એથ્લીટ્સને મદદ કરવાના તમામ પ્રયાસો છતાં ટીકા થાય છે: ઉષા
ભારતીય ઓલિમ્પિક સંઘના વડા અને એકસમયના દિગ્ગજ એથ્લીટ પી.ટી. ઉપાએ કહ્યું છે કે, ખેલાડીઓની તમામ માગને પહોંચી વળવાની સાથે સાથે તેમને પેરિસ ઓલિમ્પિકમાં તમામ સગવડો મળી રહે તે માટે અમારી ટીમ સખત મહેનત કરી રહી છે. ખેલ મંત્રાલયથી લઈને વિવિધ રમતોના ફેડરેશનો તેમજ અન્ય સંબંધિત સત્તાધીશો સાથે અમે કામ કરી રહ્યા છીએ, આમ છતાં અમારી ટીકા થાય છે. જેના કારણે દુઃખ અનુભવાય છે.