રાજકોટ મહાપાલિકાની આચારસંહિતાના કારણે સવા ચાર મહિના પછી મળેલી સામાન્ય સભામાં 20 પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તેની ચર્ચા ટાળી દેવા ફરી એકવાર ભાજપના શાસકોએ જોહુકમી અને મનમાની કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ પ્રશ્નોત્તરી દરમિયાન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતા જ તેને બળપ્રયોગથી બોર્ડની બહાર કાઢવામાં આવ્યા હતા તો અગ્નિકાંડના અસરગ્રસ્તો બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં ન આવી જાય તે માટે પ્રથમવાર ગેલરી ખિચોખીચ ભરી દેવાઈ મૂતજ કોંગ્રેસના નેતાઓની અગાઉથી અટકાયત કરીને અગ્નિકાંડનો અવાજ દબાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વિગતો એવી છે કે પૂર્વાનુમાન મૂજબ જ આજે સામાન્ય સભા મેયર નયનાબેન પેઢલીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ તેમાં ભાજપે જે રાજકોટનો હાલ પ્રશ્ન જ નથી તેવો કેટલી સરકારી ગ્રાન્ટ મળી તે પ્રશ્નની ચર્ચા હાથમાં લઈને વિગતોનું વાંચન થયું હતું. વીસેક મિનિટ બાદ કોંગ્રેસના કોર્પોરેટરે પોતાનો પ્રશ્ન ચર્ચામાં લેવા વિનંતિ કરી પરંતુ, તે નકારી કઢાઈ હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ જ્યાં સુધી પોતાનો પ્રશ્ન ચર્ચામાં નહીં લેવાય ત્યાં સુધી ઉભા જ રહેશું તેમ કહ્યું હતું. કમિશનર ડી.પી.દેસાઈ સરકારની ગ્રાન્ટની રકમ આવી તેની વિગત આપતા કોંગ્રેસે તેમાં ભ્રષ્ટાચાર કેટલો થયો તે પણ જણાવો તેમ કહેતા શોરબકોર થયો હતો. અગ્નિકાંડ અંગે પ્રશ્ન પુછતા વશરામભાઈને સ્થાયી સમિતિ ચેરમેન જયમીન ઠાકરે મારી ચેમ્બરમાં આવજો એટલે વિગત આપીશ તેમ કહેતા વિગત જાહેર સભામાં જ આપવા કહ્યું હતું.
અગ્નિકાંડમાં 27 હોમાઈ ગયા છે તેમ કહીને કોંગ્રેસના કોર્પોરેટરે આ જાહેર પ્રશ્ન ચર્ચવા માંગણી કરતા અગ્નિકાંડનું નામ પડતાવેંત ભાજપના હાજર તમામ 66 કોર્પોરેટરો ખુરશી પરથી ઉભા થઈને ભારે દેકારો કરી મુક્યો હતો અને મહિલા મેયરનું અપમાન થાય છે તેમ કહીને અગ્નિકાંડની વાત સાઈડલાઈન કરવા ભારે પ્રયાસ કર્યો હતો. બાદમાં મેયરે માર્શલ્સને આદેશ કરીને કોંગ્રેસના કોર્પોરેટરોને હાથ પકડીને બોર્ડની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.આ વખતે ભાજપ હાય હાય એવા સૂત્રોચ્ચારો કરાયા હતા અને કોંગ્રેસના કોર્પોરેટરોએ અગ્નિકાંડના વિરોધમાં બેનર્સ પ્રદર્શિત કર્યા હતા.
આ ઉપરાંત અગ્નિકાંડના કેટલાક પીડીતો પણ આજે મહાપાલિકામાં બોર્ડ પાસે આવ્યા હતા અને કચેરી પરિસરમાં બેનર્સ પ્રદર્શિત કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ પહેલા બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં અગ્નિકાંડના અસરગ્રસ્તો મોટી સંખ્યામાં આવવાના છે તેવી ભીતિ ભાજપને જણાતા આજે આશ્ચર્યજનક રીતે પ્રેક્ષક ગેલેરી અગાઉથી પેક થઈ ગઈ હતી.એટલું જ નહીં, અસરગ્રસ્તોનો અવાજ બુલંદ કરવા કોંગ્રેસના અન્ય નેતા રોહિતસિંહ રાજપૂતની પણ તેના ઘરે અટક કરી લેવાઈ હતી.
વશરામ સાગટીયાએ જણાવ્યું કે અગ્નિકાંડનો અવાજ બુલંદ થવાનો ભાજપને એટલો બધો ડર લાગ્યો છે કે પોલીસે વહેલી સવારે મારી તદ્દન ગેરકાયદેસર રીતે અટકાયત કરી લીધી હતી અને બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારી સાથે વાત કરીને મને બોર્ડ સુધી મુકી ગયા હતા.