પિતા સુનિલ શેટ્ટીની ફરી ફિલ્મ શરુ કરાવવા દોડધામ અહાન પોતે સુપરસ્ટાર હોય તેમ મોટો રસાલો લઈ સેટ પર આવતો હતો, બેફામ ખર્ચાથી બજેટ વધ્યુ.
સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીનાં નખરાં તથા બેફામ ખર્ચાઓથી વાજ આવી જઈને પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ‘સનકી’ ફિલ્મનું શૂટિંગ જ અટકાવી દીધું હોવાનું કહેવાય છે. હવે સુનિલ શેટ્ટી આ ફિલ્મ ફરી શરુ થાય તે માટે દોડધામ કરી રહ્યો છે. અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ અગાઉ સદંતર ફલોપ ગઈ હતી. તેમ છતાં અહાન પોતાને સુપરસ્ટાર માનતો હોય તેમ ફિલ્મના સેટ પર હેર સ્ટાઈલિસ્ટ મેક અપ મેન, શેફ, જીમ ટ્રેઈનર, ડ્રાઈવર, સ્પોટ બોયઝ એમ મોટો કાફલો લઈને આવતો હતો. આ બધાનું બિલ તે પ્રોડયૂસરના ખાતે ઉધારતો હતો. તેના માટે એકથી વધુ વેનિટી વાનની જરુર પડતી હતી. બોલીવૂડમાં હાલ મોટા મોટા સ્ટાર્સની ફિલ્મ પણ ફલોપ થઈ રહી છે. અહાન શેટ્ટી એવો કોઈ કલાકાર નથી કે જેના દમ પર ફિલ્મ ચાલી જાય. તેમ છતાં પણ તેનાં નખરાં એવાં હતાં કે જાણે પોતે આ ફિલ્મ સ્વીકારીને નિર્માતા પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય. સાજિદ નડિયાદવાલા અને સુનિલ શેટ્ટી વચ્ચે વર્ષોથી સારા સંબંધ છે. તેની શરમે જ સાજિદ નડિયાદવાલા અત્યાર સુધી સમસીને બેસી રહ્યો હતો. પરંતુ, અહાનના ખર્ચાઓએ હદ વટાવી દેતાં આખરે તેણે ફિલ્મનું શૂટિંગ જ બંધ કરાવી દીધું છે. કદાચ આ ફિલ્મ કાયમ માટે મુલત્વી રહે તો પણ નવાઈ નહીં લાગે. જોકે, સુનિલ શેટ્ટીએ દીકરાની કેરિયર બચાવવા દરમિયાનગીરી કરી છે અને તે કોઈ રસ્તો નીકળે તે માટે દોડધામ કરી રહ્યો છે.