કોર્પોરેટ કંપનીઓ દ્વારા એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં વધારો થતા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૯.૫૪ ટકા વધીને રૂ. ૫.૭૪ લાખ કરોડથી વધુ થયું છે. ૧૫ જૂને ચૂકવવાપાત્ર એડવાન્સ ટેક્સનો પ્રથમ હપ્તો ૨૭.૩૪ ટકા વધીને રૂ. ૧.૪૮ લાખ કરોડ થયો છે, જેમાંથી રૂ. ૧.૧૪ લાખ કરોડનો કોર્પોરટ ઈન્કમ ટેક્સ અને રૂ. ૩૪,૪૭૦ કરોડનો પર્સનલ ઈન્કમ ટેક્સ સામેલ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ૧૩ જુલાઈ, શનિવારના રોજ જાહેર કરાયેલા ડેટા અનુસાર ૧૧ જુલાઈ, ૨૦૨૪ સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૫,૭૪,૩૫૭ કરોડ હતું, તેમાં રૂ. ૨,૧૦,૨૭૪ કરોડનો કોર્પોરેટ ટેક્સ અને રૂ. ૩,૪૬,૦૩૬ કરોડનો પર્સનલ ઈન્કમ ટેક્સ સામેલ છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં રૂ. ૧૬,૬૩૪ કરોડનું યોગદાન આપ્યું છે. ગત વર્ષે સમાન સમયગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૪,૮૦,૪૫૮ કરોડ હતું.ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૧ જુલાઈ સુધી રૂ. ૭૦,૯૦૨ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતા ૬૪.૪ ટકા વધુ છે. ૧ એપ્રિલ, ૨૦૨૪થી ૧૧ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં પ્રત્યક્ષ કર (રિફંડ એડજસ્ટમેન્ટ પહેલાં)નું ગ્રોસ કલેકશન વાર્ષિક ધોરણે ૨૩.૨૪ ટકા વધીને રૂ. ૬.૪૫ લાખ કરોડ થયું છે.
એક વર્ષ અગાઉ આંકડો રૂ. ૫.૨૩ લાખ કરોડ હતો. વચગાળાના બજેટમાં સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો અંદાજ ૨૧.૯૯ લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે.વર્ષ ૨૦૨૩-૨૪માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે ૧૭.૭ ટકા વધીને રૂ. ૧૯.૫૮ લાખ કરોડ થયું હતુ, જે બજેટ અંદાજ કરતાં રૂ. ૧.૩૫ લાખ કરોડ (૭.૪૦ ટકા) અને સુધારેલા અંદાજ કરતાં રૂ. ૧૩,૦૦૦ કરોડ વધારે હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ રૂ. ૩.૭૯ લાખ કરોડ રિફંડ જારી કરવામાં આવ્યા હતા.