ફાઈટર, વોર ટૂ, આલ્ફામાં સરખી ભૂમિકાઓ. અનિલ કપૂર ઘણી વિવિધતાસભર ભૂમિકા કરી શકે છે, ચાહકોએ અફસોસ વ્યક્ત કર્યો.
આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ઈન્ટેલિજન્સ ઓપરેશનની કથા ધરાવતી ફિલ્મ ‘આલ્ફા’માં અનિલ કપૂર તેમના મેન્ટરની ભૂમિકા ભજવશે તે જાહેર થયું છે. આ જાહેરાત બાદ અનિલ કપૂર આ પ્રકારની જાસૂસી કે લશ્કરી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મોમાં મેન્ટરના એકસરખા રોલમાં ટાઈપકાસ્ટ થઈ રહ્યો હોવાનો અફસોસ તેના ચાહકોએ વ્યક્ત કર્યો છે. દીપિકા અને હૃતિકની ફિલ્મ ‘ફાઈટર’ માં અનિલ કપૂર તેમનો મેન્ટર હતો. હૃતિકની જ ‘વોર ટૂ’ ફિલ્મમાં પણ અનિલ કપૂરની તેવી જ ભૂમિકા હશે. આલિયા અને શર્વરીની ફિલ્મ ‘આલ્ફા’માં પણ તે ફરી ભારતીય જાસૂસી સંસ્થાના વડાની ભૂમિકામાં જ દેખાશે. અનિલ કપૂરે તેની કારકિર્દીની શરુઆતમાં અને પછી પીક સમયમાં પણ અનેક વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી છે. ‘એનિમલ’ સુપરહિટ થયા પછી અનિલ કપૂર પણ જુદી જુદી નવી ભૂમિકાઓમાં જોવા મળશે તેવી આશા જાગી હતી. પરંતુ હવે તેને એકસરખા રોલમાં જોઈને ચાહકો કંટાળવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક ચાહકોએ આ અંગે ટીકા ટિપ્પણ કરી હતી.