સરકારે સોમવારે એર કંડિશનર અને એલઈડી લાઇટ જેવી હોમ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ (વ્હાઈટ ગુડ્સ) માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ ૧૫ જુલાઈથી ૯૦ દિવસ માટે ફરી એકવાર એપ્લિકેશન વિન્ડો ખોલવા જઈ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે વ્હાઇટ ગુડ્સ ઉદ્યોગ પીએલઆઈ યોજના હેઠળ વધુ રોકાણ કરવા માંગે છે તેથી અરજી પ્રક્રિયા ૧૫ જુલાઈથી ૧૨ ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. અંતિમ તારીખ પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.કોઈપણ પ્રકારના ભેદભાવને ટાળવા માટે નવા અરજદારો સાથે, યોજનાના વર્તમાન લાભાર્થીઓને પણ તેમના રોકાણમાં વધારો કરીને અરજી કરવા માટે પાત્ર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુઘીમાં રૂ. ૬૯૬૨ કરોડના રોકાણ સાથે ૬૬ અરજદાર કંપનીઓને પીએલઆઈ યોજનાના લાભાર્થીઓ તરીકે પસંદ કરવામાં આવી છે. યોજના ગાઈડલાઈન હેઠળ, અરજદારો માત્ર યોજનાના બાકીના સમયગાળા માટે પ્રોત્સાહનો મેળવવા માટે હકદાર રહેશે.
સૂચિત ત્રીજા રાઉન્ડમાં સ્વીકારવામાં આવેલ અરજદારો મહત્તમ ત્રણ વર્ષ માટે PLI હેઠળ પાત્ર રહેશે. માત્ર નવા અરજદારો અને હાલના લાભાર્થીઓ કે જેઓ માર્ચ ૨૦૨૩ સુધી રોકાણનો સમયગાળો પસંદ કરે છે અને તેમનું રોકાણ વધારવાનો ઇરાદો ધરાવે છે તેઓ જ પાત્ર બનશે.તે જ સમયે, હાલના લાભાર્થીઓ કે જેમણે માર્ચ ૨૦૨૨ સુધી રોકાણનો સમયગાળો પસંદ કર્યો છે અને સૂચિત ત્રીજા રાઉન્ડમાં ઉચ્ચ રોકાણ કેટેગરીમાં જવા માંગે છે, તેઓ મહત્તમ બે વર્ષ માટે પ્રોત્સાહક નાણા મેળવવા માટે પાત્ર હશે.આ સાથે બિઝનેસમાં લિક્વિડિટી જાળવવા, કાર્યકારી મૂડીનું વધુ સારું સંચાલન અને લાભાર્થીઓના સંચાલન ખર્ચમાં સુધારો કરવા માટે પીએલઆઈની ત્રિમાસિક દાવાની પ્રક્રિયાની સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૭ એપ્રિલ, ૨૦૨૧ના રોજ કેન્દ્રીય કેબિનેટે એર કંડિશનર અને એલઇડી લાઇટના ઘટકોના ઉત્પાદન અને એસેમ્બલી માટે વ્હાઇટ ગુડ્સ માટેની પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી હતી. આ યોજના ૨૦૨૧-૨૨થી ૨૦૨૮-૨૯ સુધીના સાત વર્ષના ગાળામાં લાગુ થવાની છે અને તેનો અંદાજિત ખર્ચ ૬૨૩૮ કરોડ રૂપિયા છે.