ઝહીરના પરિવાર પર સોનાક્ષીના ભાઈના ગંભીર આરોપો. ઝહીરના પરિવારના વ્યવસાય અંગે કેમ કોઈ તપાસ કરતું નથી , રાજકીય મશીનમાં ઉજળા થયેલા ઈડીના આરોપી પિતા સાથે સંબંધો.
સોનાક્ષી સિંહાના લગ્નમાં પરિવારની નારાજગીનો વિવાદ વધુ વકર્યો છે. સોનાક્ષીના ભાઈ લવ સિંહાએ ઝહીરના પરિવારના વ્યવસાયિક સંબંધો વિશે ગંભીર સવાલો ઉઠાવી અને ઝહીરના પિતા દુબઈ કનેક્શન્સ ધરાવતા હોવાના અહેવાલો ટાંકીને પોતે શંકાસ્પદ ગતિવિધિઓ ધરાવતા લોકો સાથે સંકળાવા નહિ માગતો હોવાથી લગ્નમાં ગેરહાજર હતો એમ જણાવ્યું છે. સોનાક્ષી અને ઝહીરે તા. ૨૩મી જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યાં હતાં. તેનાં લગ્નમાં પિતા શત્રુધ્ન સિંહા તથા માતા પૂનમ સિંહા હાજર રહ્યા હતા પરંતુ બંને ભાઈ લવ અને કુશ દેખાયા ન હતા. બાદમાં કુશે સ્પષ્ટતા કરી હતી કે પોતે લગ્નમાં હાજર હતો. અલબત્ત હવે લવે એક મીડિયા અહેવાલને ટાંકીને સ્પષ્ટ કહ્યું છે કે પોતે લગ્નમાં ગેરહાજર રહ્યો હતો અને તેનું કારણ ઝહીરના પરિવારની ગતિવિધિઓ છે. પોતે અમુક શંકાસ્પદ વ્યવસાયો ધરાવતા લોકો સાથે સંકળાવા ઈચ્છતો ન હતો. તેણે ખાસ કરીને ઝહીરના પિતા ઈકબાલ રતનશી માટે ગંભીર આક્ષેપોનો ઉલ્લેખ કર્યો છે.
લવે એક મીડિયા અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ઝહીરના પિતાના સંબંધો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કેસનો સામનો કરી રહેલા એક રાજકારણી સાથે છે. જોકે, આ રાજકારણી હવે રાજકીય વોશિગ મશીનમાં ઉજળા બની ચૂક્યા છે આથી તેમની સામે ઈડીની તપાસ મંદ થઈ ગઈ છે. ઝહીરના પિતાના દુબઈમાં રોકાણ વિશે પણ કોઈ કેમ બોલતું નથી. તેમને ત્યાંથી અચાનક પરત આવી જવું પડયું હતું. શું તેમાં યુએઈમાં ટોચના સ્તરે સંપર્કો ધરાવતા બોલીવૂડના એક ટોચના સુપરસ્ટારની પણ કોઈ ભૂમિકા હતી ? તેવા સવાલનો પણ લવે ઉલ્લેખ કર્યો છે. લવે આ બધી બાબતોના ઉલ્લેખ સાથે જણાવ્યું છે કે પોતે લગ્નમાં શા માટે ગેરહાજર હતો એ સ્વયંસ્પષ્ટ છે.