અક્ષયે ઓફર કર્યાનો જેકી ભગનાનીનો દાવો.ટાઈગર શ્રોફ સહિતના કલાકારો તથા અન્ય ક્રૂને હજુ પૈસા નહિ મળ્યાની ચર્ચા.
અક્ષયે પોતે ‘બડે મિયાં છોટે મિયાં’ના અન્ય કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને બાકીના નાણાં મળી જાય તે પછી જ પોતાની ફી લેશે તેવી ઓફર નિર્માતા વાસુ ભગનાનીને આપી હોવાનું વાસુ ભગનાનીના પુત્ર અને એક્ટર જેકી ભગનાનીએ જણાવ્યું છે. જેકીના દાવા અનુસાર કંપનીની સ્થિતિ અંગે અક્ષય સાથે વાતચીત થઈ હતી. તેમાં અક્ષયે ઉદારતાથી કહ્યું હતું કે પોતાને હાલ તત્કાળ ફી ચૂકવવાની કોઈ જરુર નથી. પહેલાં અન્ય લોકોના પૈસા ચૂકવી દેવામાં આવે. આ રીતે અક્ષયે અણીના સમયે અમારી મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે ૩૫૦ કરોડના બજેટમાં ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ બનાવાઈ હતી. પરંતુ, ફિલ્મની કુલ આવક ૬૦ કરોડે પણ માંડ પહોંચી હોવાનું કહેવાય છે. તે પછી આ કંપની ભારે મોટાં દેવાંના બોજ હેઠળ આવી ગઈ હોવાની ચર્ચા છે. ફિલ્મના ટાઈગર શ્રોફ સહિતના કલાકારો તથા અન્ય ફિલ્મના ક્રૂ મેમ્બર્સને પેમેન્ટ મહિનાઓથી બાકી છે તે ઉપરાંત કંપનીએ ૮૦ ટકા સ્ટાફની છટણી કરી દીધી છે.