જૂનમાં EVનું વેચાણ 14 ટકા ઘટીને 106,081 યુનિટ ઉતરી આવ્યું

મેની સરખામણીએ વર્તમાન વર્ષના જૂનમાં દેશમાં વીજ સંચાલિત વાહનોના વેચાણમાં ૧૪ ટકા ઘટાડો જોવા મળ્યો છે. સરકારી નીતિઓમાં ફેરબદલ તથા હાઈબ્રિડ વાહનો માટે લોકોની પસંદગી વધતા વીજ વાહનોના વેચાણમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે. માર્ગ પરિવહન તથા હાઈવેસ મંત્રાલયના વાહન ડેટા પરથી જણાય છે કે ગયા વર્ષના જૂનની સરખામણીએ વર્તમાન વર્ષના જૂનમાં વીજ સંચાલિત વાહનોના વેચાણમાં વીસ ટકા વધારો થયો છે.વાહનના ડેટા પ્રમાણે જૂનમાં વીજ વાહનોના વેચાણમાં ૧૪ ટકાથી વધુ ઘટાડો થઈને ૧૦૬૦૮૧ રહ્યો હતો જે મેમાં ૧૨૩૭૦૪ વાહનો રહ્યો હતો. જૂનનો આંક વર્તમાન વર્ષનો સૌથી નીચો હોવાનું જોવા મળી રહ્યું છે.

વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ ૮૩૯૫૪૫ વીજ વાહનોનું વેચાણ થયું છે, જે વાહનોના એકંદર વેચાણમાં ૬.૬૯ ટકા જેટલું છે. સરકાર દ્વારા વીજ સંચાલિત ટુ વ્હીલર્સ પરની સબ્સિડીસમાં જોરદાર ઘટાડો કરવાને કારણે તેના વેચાણમાં ઘટાડો થયો હોવાનું ઓટો ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.ટુ વ્હીલર્સ પરની સબ્સિડી રૂપિયા ૬૦,૦૦૦થી ઘટાડી રૂપિયા ૨૨૫૦૦ કરાતા ઈ-ટુ વ્હીલર્સની કિંમતમાં વધારો થયો હતો. વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ ૮૩૯૫૪૫ વીજ વાહનોના થયેલા વેચાણમાં ૫૭ ટકા હિસ્સો ઈ-ટુ વ્હીલર્સનો રહ્યો હોવાનું પણ વાહનના ડેટા સૂચવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *