ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત 14 પાકોના ટેકાના ભાવમાં વધારો

  મોદી સરકાર 3.0ની કેબિનેટ દ્વારા મોટા નિર્ણયો. કપાસમાં 501, ડાંગરમાં 117, જુવારમાં 191, બાજરામાં 125, તુવેરમાં 550, મગફળીમાં 406, તલમાં 632 રૂપિયાનો વધારો. ઓફશોર પવન ઉર્જા પ્રોજેક્ટ્સ માટેની વીજીએફ યોજનાને મંજૂરી, 7453 કરોડનો ખર્ચ કરવામાં આવશે.ગુજરાત-તામિલનાડુમાં 500 મેગાવોટ વિન્ડ એનર્જી પ્રોજેક્ટને પણ મંજૂરી, વારાણસીનું એરપોર્ટ વિકસાવાશે.

વિવિધ કૃષિ પાકોના ટેકાના ભાવને લઇને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય કેબિનેટ દ્વારા ૧૪ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૮ના બજેટમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે પાકોના ટેકાના ભાવ કુલ ઉત્પાદન ખર્ચના ૧.૫  ગણા વધુ હોવા જોઇએ. તે નિર્ણયને ધ્યાનમાં રાખીને ૧૪ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તેલીબિયાં અને કઠોળના ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. 

કેબિનેટ દ્વારા જે ૧૪ પાકોના ભાવમાં વધારો કરવામાં આવ્યા છે તેના પર નજર કરીએ તો ધાનનો ટેકાનો નવો ભાવ પ્રતિ ક્વિંટલ ૨૩૦૦ રૂપિયા નક્કી કરાયો છે જે અગાઉ કરતા ૧૧૭ રૂપિયા વધુ માનવામાં આવે છે. તેવી જ રીતે ડાંગરનો ભાવ ૨૧૮૩ હતો તે વધારીને ૨૩૦૦ રૂપિયા કરાયો છે. જુવારનો ભાવ ૩૧૮૦ રૂપિયા હતો તે વધારીને ૩૩૭૧ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે તુવેરની દાળના ભાવ ૭૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તલના ભાવ ૮૬૩૫ રૂપિયાથી વધારીને ૯૨૬૭ રૂપિયા કરવામાં આવ્યા છે. 

જ્યારે મગફળીના ભાવ ૬૭૮૩ રૂપિયા કરવામાં આવ્યા છે. જે અગાઉ ૬૩૭૭ રૂપિયા હતા, એટલે કે ૪૦૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સનફ્લાવર બીજના ભાવ ૭૨૮૦ રૂપિયા કરાયા છે જે અગાઉ ૬૭૬૦ રૂપિયા હતા, તેમાં ૫૨૦નો વધારો કરાયો છે. સોયાબીન (પિળા)નો ભાવ ૪૮૯૨ રૂપિયા નક્કી કરાયો છે જે ૪૬૦૦ હતો તેથી તેમાં ૨૯૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે કપાસ (મધ્ય રેસા) માટે ૭૧૨૧ રૂપિયા નક્કી કરાયો છે જે અગાઉ ૬૬૨૦ રૂપિયા હતો, એટલે કે આશરે ૫૦૧નો વધારો થયો છે. જ્યારે લાંબા રેસાવાળા કપાસનો ભાવ ૭૫૨૧ રૂપિયા રાખવામાં આવ્યો છે અને તેમાં પણ ૫૦૧ રૂપિયાનો વધારો કરાયો છે. મગમાં ૧૨૪ રૂપિયા, અડદમાં ૪૫૦, બાજરામાં ૧૨૫, રાગીમાં ૪૪૪, મકાઇમાં  ૧૩૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તમામ પાકોનો ભાવ વર્ષ ૨૦૨૪થી ૨૦૨૫ના વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે. 

કેબિનેટમાં કૃષિ પાકોના ટેકાના ભાવમાં વધારો ઉપરાંત વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ) યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અપતટીય પવન ઉર્જા પ્રોજેક્ટ્સના માટે મંજૂર કરવામાં આવી છે. જેની પાછળ આશરે ૭૪૫૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.    જેમાં ગુજરાત અને તામિલનાડુમાં ૫૦૦-૫૦૦ મેગાવોટ ઉર્જા ઉત્પાદન ક્ષમતાવાળા પ્રોજેક્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત બે પોર્ટના સુધારા માટે ૬૦૦ કરોડ રૂપિયા પણ મંજૂર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૫માં નોટિફાઇ કરાયેલી નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી માટે આ વીજીએફ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત કેબિનેટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વિકસાવવા માટેના એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં નવી ટર્મિનલ બિલ્ડિંગ બનાવવી, એપ્રોનનો વધારો, રનવે વધારવો વગેરેનો પણ સમાવેશ થાય છે. જેની પાછળ આશરે ૨૮૬૯ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *