દેશના રિટેલ ફુગાવાને ૪ટકાના સ્તર સુધી નીચે લાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સતત પ્રયત્નો કરી રહી છે પરંતુ ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ રિઝર્વ બેન્કના પ્રયાસો સામે અવરોધરૂપ બની રહ્યા છે એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. ફુગાવાને ઘટાડવાની પ્રક્રિયા સામે ખાદ્યપદાર્થોનો ઊંચો ફુગાવો અવરોધરૂપ બની રહ્યો છે. હવામાનની પ્રતિકૂળ સ્થિતિને કારણે અસર પામેલા પૂરવઠા બાજુના પરિબળોને પરિણામે ખાદ્યપદાર્થોનો ફુગાવો ઊંચો રહ્યા કરે છે, એમ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું.માત્ર ભારત જ નહીં પરંતુ કેટલાક વિક્સિત દેશોમાં પણ ફુગાવો ઘટાડવાની છેલ્લા તબક્કાની પ્રક્રિયા જટિલ અને મુશકેલ બની રહી છે. છેલ્લા સાત મહિનામાં ખાદ્યપદાર્થોનો સરેરાશ ફુગાવો આઠ ટકા આસપાસ રહ્યો હોવાનું દાસે જણાવ્યું હતું.મેમાં રિટેલ ફુગાવો ઘટી ૪.૭૫ ટકા રહ્યો હતો. ખાદ્યપદાર્થોમાં મેમાં શાકભાજીનો ફુગાવો ૩૨.૪૨ ટકા, ડુંગળીનો ૫૮.૦૫ ટકા તથા બટાટાનો ૬૪.૦૫ ટકા જોવા મળ્યો હતો. આ ઉપરાંત કઠોળનો ફુગાવો ૨૧.૯૫ ટકા રહ્યો હતો.