અન્ય ઋષિઓ સાથે દેવલોકની રાજધાની અમરાવતી જવાનો લાભ મળ્યો. અમરાવતીમાં ઇન્દ્રનો વૈભવી દરબાર જોઈને તે દંગ રહી ગયા.
મહર્ષિ અત્રિના પુત્રનું નામ આત્રેય હતું. મહર્ષિ અત્રિ ઉંમરલાયક થતાં વાનપ્રસ્થ આશ્રમમાં જતા રહ્યા. વાનપ્રસ્થ આશ્રમ એટલે ગૃહસ્થજીવન વીતાવ્યા પછીનો ત્રીજો આશ્રમ જેમાં માણસ વનમાં રહી સંન્યાસની તૈયારી કરે છે. પિતાના ગયા પછી આત્રેય પોતાની પત્ની સાથે આશ્રમમાં તપસ્વી જીવન વીતાવવા લાગ્યા.
એકવાર અન્ય ઋષિઓ સાથે દેવલોકની રાજધાની અમરાવતી જવાનો લાભ મળ્યો. અમરાવતીમાં ઇન્દ્રનો વૈભવી દરબાર જોઈને તે દંગ રહી ગયા. આટલું ઐશ્ચર્ય, આટલું સૌંદર્ય, આટલો વૈભવ, આટલી ચમક-દમક, આટલી ધનસંપદા…. આત્રેયનું મન ચકરાવે ચઢી ગયું. સંત હોય કે સાધુ, મુનિ હોય કે માણસ, આવુ સ્વર્ગીય સુખ જોયા પછી ભાગ્યે જ તેમનું મન શાંત રહી શકે. આત્રેયને ઇન્દ્રની સરખામણીમાં પોતાનું આશ્રમી જીવન સાવ સાદું અને સૂકું લાગ્યું. તે વિચારવા લાગ્યા. ‘આ તે કંઈ જીવન છે ! કેટકેટલા અભાવો વચ્ચે જીવન પસાર થઈ રહ્યું છે. ક્યાં ઇન્દ્રનું છલકાતું ઐશ્ચર્ય અને ક્યાં મારૂં ઠાલુંઠમ ખાલી ખાલી જીવન ! શું મને એવો ઠાઠમાઠ ભોગવવાનો હક્ક નથી ? આત્રેયને ઇન્દ્રનું સુખ જોઈને તેના જેવી સુખસાહેબી ભોગવવાની લાલસા જાગી. ત્યાંથી પાછા ફરીને પહેલી વાર તેમણે પોતાની કુટિરમાં તલાશી ભરી નજર નાખી. પિતાશ્રીના સમયનું એક ભિક્ષાપાત્ર, એક-બે કૌપીન, ઉપરણા, ચટાઈ, પાંદડાની પતરાળીઓ, માટીનું જળપાત્ર. બસ..’ જ્યારે ખુદ ખાલીપણાનું દુ:ખ ભોગવી રહ્યા છે પછી પત્નીને શું સુખ આપી શકે ! પિતાશ્રીને તો મહારાજ પૃથુ જ્યારે જોઈએ ત્યારે જરૂર મુજબ ધન આપતા હતા. પણ હવે… હવે ધન મળવાની કોઈ આશા નથી. અમરાવતીના ભભકાએ તેમના તાપસીજીવન ઉપર આકરો પ્રહાર કર્યો હતો. મનમાં ખાલીપણાનું દુ:ખ ઘુમરાવા લાગ્યું. આ વાત પત્નીથી અછતી ન રહી. તેણે આત્રેયને સમજાવ્યા. ‘આપ ઋષિપુત્ર છો. તપ તમારો ધર્મ છે. ધન-વૈભવના મોહમાં કેમ પડો છો ?
તમે જે સ્વર્ગીય સુખ જોયું એ સાચું સુખ નથી. (તૃષ્ણાં ક્ષય: સ્વર્ગપદં કિમસ્તિ) તૃષ્ણાનો અંત જ સ્વર્ગ-પદનું ચરમ સુખ છે. કામનાઓના વિચાર છોડો. (તૃષ્ણા હિ સર્વ પાપિષ્ઠા) ખરેખર તૃષ્ણા અત્યંત પાપકારક છે. પણ આત્રેયના મગજ ઉપર અમરાવતીના જોયેલા વિલાસી સુખનું ભૂત સવાર હતું. તે ના સમજ્યા. છેવટે પત્નીએ તેમની ઇચ્છાપૂર્તિ માટે ત્વષ્ઠાઋષિ પાસે મોકલ્યા.ત્વષ્ઠા ઋષિ તપોવૃધ્ધ હતા. આત્મજ્ઞાાની હતા. સાધના-સિધ્ધ હતા. તેમણે તપોબલથી આત્રેયના આશ્રમને ઇન્દ્રલોકમાં ફેરવી દીધો. આત્રેય જપ-તપ, ધ્યાન-સાધના, પાઠ-સ્મરણ, યજ્ઞા-હવન બધું જ ભૂલી ગયા. તેમના મનમાંથી વૈરાગ્ય અને ભક્તિભાવ પીંછાની માફક ખરી પડયો ! હવે સ્વયંને ઇન્દ્ર અને પત્નીને ઇન્દ્રાણી સમજીને ઐશ્ચર્ય ભોગવવા લાગ્યા. આવી ભોગવૃત્તિ કાગળની હોડી બનાવીને દરિયોપાર કરવા જેવી અણસમજુ હોય છે.
રાક્ષસોને આ વાતની જાણ થઈ. તેમણે આત્રેયના ઇન્દ્રલોક પર હુમલો કર્યો. અમરાવતીના ઇન્દ્ર તો દેવશક્તિથી સંપન્ન હતા. તે અસુરોને ભગાડી શકતા. પણ આત્રેય તો આશ્રમવાસી તપસ્વી હતા. તેમનામાં બાહુબળ નહોતું. તે તો રાક્ષસોને જોઈને જ ભાગ્યા. ભાગતા ભાગતા ત્વષ્ઠાઋષિ પાસે આવ્યા. ‘ઋષિવર, અમારા પ્રાણ બચાવો. જો જીવ જ નહિ બચે તો ભોગવિલાસ ક્યાંથી ભોગવીશું? મને આવો જોખમી દેવલોક ના ખપે.’ મારા માટે મારા આશ્રમની કુટિર જ બરાબર છે. ‘ત્વષ્ઠા ઋષિએ કહ્યું- ‘ આત્રેય, આવું જ થવાનું હતું. માણસમાં આવી જ વૃત્તિ હોય છે. તેની પાસે જે હોય છે તેની તેને કદર નથી હોતી. જે છે તેનાથી મન ધરાતું નથી. જે નથી હોતું તેની કામના કરી દુ:ખી થાય છે. બીજાની ભવ્યતા જોઈ અંજાઈ જનારો તેની પાછળનો ભય નથી જોઈ શક્તો. ઇન્દ્ર સુખી દેખાય છે પણ તે શત્રુઓથી કાયમ પરેશાન રહે છે ચિંતામાં રહે છે.લોકોને પોતાના ખાલીપણાનું દુ:ખ દેખાય છે.પણ સાધનોથી ભરેલા લોકો કેટલા ભયમાં કેટલા ડરમાં કેટલી ચિંતામાં જીવે છે તેનો અંદાજ તેમને નથી હોતો. સુખદુ:ખની બન્ને બાજુનો અનુભવ લઈને આત્રેયને જ્ઞાાન થઈ ગયું. સુખની વ્યાખ્યા સમજાઈ ગઇ. તે બાકીનું જીવન આશ્રમમાં રહી તપ કરી જીવવા લાગ્યા.
આપણે સુખ સાહેબીમાં રહેવા માટે જેટલી ચિંતા કરીએ છીએ. એટલી શા માટે અનેક જન્મો પછી માનવ જન્મ મળ્યો છે ? તેની ચિંતા કરતા નથી. આપણા દુ:ખનું મૂળ પકડી શકતા નથી એટલે બીજાને સુખી જોઈને દુ:ખી થઈએ છીએ. આપણે બીજાની નજરમાં મહત્ત્વના બનીએ તે સારૂં છે. જ્યાં સુધી આપણે આપણી રખડું ઇચ્છાને કાનથી પકડીને મનના થાંભલે સંયમની દોરથી બાંધીશું નહિ ત્યાં સુધી શાંતિથી જીવી શકીશું નહિ. જે જીવનનો ઇશ્વર સાથે બ્રહ્મસંબંધ હશે તે કદી અભાવની કે ખાલીપણાના દુ:ખની ફરિયાદ નહિ કરે. તરસ અને પાણી વચ્ચે સંબંધ હશે તે નદીની ફરિયાદ નહિ કરે.