અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ. એમના દોહાઓ જીવનનો મર્મ બતાવે છે. એમના તત્વજ્ઞાાનના દરિયામાં ડુબો તો બેડો પાર થઈ જાય.
તોકો પીવ મિલેંગે
ઘૂંઘટ કા પટ ખોલ રે.
ઘટઘટ સેં વહ સાંઈ રમતા
કટુક વચન મત બોલ રે.
ધન જોબન કો ગરબ ન કીજૈ
જૂથ પચરંગ ચોલ રે.
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસ સોં મત ડોલ રે.
જોગ જુગત સોં રંગ મહલ મેં
પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ
બાજત અનહદ ઢોલ રે.
રહસ્યનો પડદો ખોલીએ એટલે આપણને પરમતત્વની પહેચાન થાય છે. ઈશ્કે હકીકીની સુગંધ આ રચનામાંથી પ્રગટે છે. કડવાવેણથી સામેવાળાના કાન ખરાબ થાય કે નહીં એ નક્કી નથી પણ તમારી જીભ તો જરૂર ખરાબ થશે. ધનમાં ધન્યતા ન માનતો કે જોબનની જાહોજલાલીમાં ખોવાઈ ન જતો. પચરંગી શરીરને સફેદ થતા વાર નહીં લાગે. શૂન્ય-મહેલમાં જ આત્મસાક્ષાત્કારની ક્ષણ પ્રાપ્ત થશે. ભૌતિકતાની ભરમારથી દૂર થશે તો દિવ્યતાના દરવાજા ખૂલશે. રંગમહલના રજવાડાંમાં રમમાણ રહેવાથી બ્રહ્માંડ પણ સામે દોડતું આવશે. આટલું કરી જો પછી અનહદ આનંદના ઢોલનગારાં ભીતરમાં વાગશે.
હિન્દુસ્તાનની ધરતી પર અનેક મહાપુરુષો અવતરિત થયા છે. એમના અવતારકર્મ દરમિયાન અનેક સમાજોપયોગી કાર્ય થયા છે. સત્યને ઢાંકપિછોડા વગર કહેવામાં કબીરનું નામ પ્રથમ હરોળમાં મુકી શકાય છે. એમના દોહાઓ જીવનનો મર્મ બતાવે છે. એમના તત્વજ્ઞાાનના દરિયામાં ડુબો તો બેડો પાર થઈ જાય. પોતાની જાતને પણ અલગ રાખી શકે એ કબીર છે. પોતે પોતાના ઉત્તમ વિવેચક હતા. પોતાની પ્રસિદ્ધિ બહુ થઈ જાય તો એને બ્રેક લગાવતા પણ એમને આવડે છે. અનેકતામાં એકતાનો આ દેશ છે. જાતિવાદની જડસુ વાડ અને અંધશ્રદ્ધાના અંધકાર સામે કબીર તારસ્વરે બોલતા રહ્યા છે. કોઈ પણ કાર્ય કરતી વખતે પરિણામ કે પરિમાણનું વિચારતા નહીં, માત્ર એટલું જ જોતા હતા કે સત્ય વાત છે ને !
તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આમ તો એ કોઈને ગુરુપદ આપે એવા નથી. ગુરુ કોને બનાવવા એના માટે પણ એમને શોધ આદરી હતી. પોતાનું જીવન ગમે તેના હાથમાં સોંપી દેવા માંગતા ન હતા. મહાન સંત કવિ કબીરના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફી પંથમાં જોવા મળે. નિરૂ નામના મુસલમાન વણકરે તેમનો વારાણસીમાં ઉછેર કર્યો હતો. વિધિવત કોઈ અભ્યાસ ન હતો પણ અનેક સાધુ સંતોના સત્સંગથી અનેક જ્ઞાાન પ્રાપ્ત કર્યું. મહાનતમ કવિઓમાંના એક એવા કબીરની મર્મવિદારક વાણીથી અનેક લોકોના જીવન પરિવર્તિત થયા. કબીરના ઘેર કોઈને કોઈ મહેમાન હોય જ. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ સૌની સેવા કરતા હતા.
ડૉ. શ્યામસુંદરદાસે કબીરની ‘બાનિયા’નું સારું સંકલન કર્યું છે જે ‘કબીર ગ્રંથાવલી’ જૂની હસ્તલિખિત કહેવાય છે. એમના જીવન વિશે અનેક મત પ્રવર્તે છે પણ એમણે ઉત્તમ કામ કર્યું છે એને વિષે સૌ એક મત છે. એમના મૃત્યુની જેમ જન્મ વિશે પણ અલગ અલગ સાલ મળે છે. ફરકદારના પુસ્તક ‘આઉટલાઈન ઑવ ધ રિલિજિયસ લિટરેચર ઑવ ઈન્ડિયા’માં કબીરની જન્મસાલ ૧૪૦૧ દર્શાવી છે.કાપડ વણતા વણતા શ્વાસોને પણ વણ્યા હતા. હિન્દુસ્તાનને જાણવા સમગ્ર દેશની યાત્રા કરી અને વિવિધ લોકોને મળ્યા હતા. રહસ્યવાદી સર્જકોમાં આજે પણ કબીર ગૌરીશિખર બિરાજમાન છે. અવળવાણીના અજવાળાંમાં અનેક તથ્યો અને સત્યોને ઉજાગર કર્યા હતા. કાશીમાં આખું જીવન પસાર કર્યું. પણ મૃત્યુ વખતે મગહરમાં ગયા. જ્યારે કબીર મૃત્યુ પામ્યા એમના અંતિમ સંસ્કાર કરવા માટે હિંદુ અને મુસ્લિમ બંનેએ દાવો કર્યો હતો. મગહરમાં કબીરની સમાધિ છે.જેને હિંદુ અને મુસલમાન બન્ને પૂજે છે. પ્રેમની પરાકાષ્ઠાએ વ્યક્ત કરતા એક દોહા સાથે કબીરકથાને વિરામ આપીએ.
યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઈ ધરૈ તબ પૈઠે ઘર માહિં.
અંતે,
પ્રાચીન કાળમાં વિષકન્યાને જે રીતે નાનપણથી થોડું થોડું ઝેર આપીને ઉછેરવામાં આવતી હતી તેવી જ રીતે આજના બાળકોને નાનપણથી ટાઢ, તડકો, વરસાદ, ભૂખ વગેરે સહન કરતાં શીખવશો તો મોટા થઈને ભારે દુ:ખ સામે હારી નહીં જાય.