ચાલાક દર્શકોએ સામ્યતા હોવાનું પકડી પાડયું. પ્રભાસ અને ક્રિસ હેમ્સવર્થની એક્શન એકસરખી છે, હાઈટેક ફિલ્માંકનમાં પણ ઘણી સમાનતા.
પ્રભાસ, દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચનની ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું ટ્રેલર રિલીઝ થતાં જ લોકોએ તેમાં હોલીવૂડની ‘થોર’ ફ્રેન્ચાઈઝીની સંખ્યાબંધ ફિલ્મોનાં દૃશ્યોની નકલ કરવામાં આવી હોવાનુ પકડી પાડયું છે. હિરો એકસાથે આઠથી દસ લોકોને ઉડાવતો હોય તેવું દૃશ્ય તો લગભગ એકસરખું છે. એક ફેન દ્વારા વીડિયો બનાવાયો છે. જેમાં ‘ કલ્કિ ૨૯૮૯ એડી’નાં કયાં કયાં દૃશ્યો ક્રિસ હેમ્સવર્ષની ‘અવેંજર્સ એન્ડગેમ, થોર રાગ્નારોક અને થોરઃ લવ એન્ડ વંડર’નાં કયાં કયાં દૃશ્યો સાથે સામ્યતા ધરાવે છે તે દર્શાવ્યું છે. ચાહકોએ લખ્યું છે કે પ્રભાસ અને ક્રિસ હેમ્સવર્થની એક્શન લગભગ એકસરખી છે. કેટલાય ચાહકોએ લખ્યું છે કે આ ફિલ્મનું બજેટ ૫૦૦ કરોડથી વધારે હોવાના દાવા થાય છે. પરંતુ, તે પછી તેમને આ ફિલ્મમાં ઓરિજિનલ એક્શન જોવાની ઈચ્છા છે. આશા છે કે ટ્રેલરમાં દર્શાવાયેલાં દૃશ્યો અપવાદ રુપ હશે. ફિલ્મના અન્ય કલાકારોમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દિશા પાટાણીનો સમાવેશ થાય છે.