કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીત્યો

ભારતની પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઈમેજિન એઝ લાઈટ’ માટે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ  પ્રિક્સ એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. તે આ એવોર્ડ મેળવનારી પહેલી ભારતીય ફિલ્મ સર્જક બની છે. કોઈ ભારતીયની અને તે પણ મહિલા દિગ્દર્શકની ફિલ્મ આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધામાં પહોંચી હોય તેવું ૩૦ વર્ષે પહેલીવાર બન્યું છે.કેન્સમાં પામ  દ ઓર એવોર્ડ પછી ગ્રાન્ડ  પ્રિક્સ બીજો ટોચનો એવોર્ડ ગણાય છે. શનિવારે રાતે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમયે અમેરિકાના દિગ્દર્શક સિએન બેકરને તેમની ફિલ્મ ‘અનોરા’ માટે પામ દ ઓર એવોર્ડ અપાયો હતો. 

પાયલની ફિલ્મનું  સ્ક્રિનિંગ તા. ૨૩મીની રાતે થયું હતું. કોઈ ભારતીય અને તે પણ મહિલા દિગ્દર્શકની ફિલ્મ આ ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધા સુધી પહોંચી હોય તેવું ૩૦ વર્ષ પછી પહેલીવાર બન્યું હતું.  આ પહેલાં છેલ્લે ૧૯૯૪માં શાજી એન. કુરુનની ફિલ્મ ‘સ્વહમ’ આ સ્પર્ધામાં પહોંચી હતી. પાયલને અમેરિકી એક્ટર વીઓલા ડેવિસના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. પાયલે એવોર્ડ સ્વીકારતી વખતે ફિલ્મની ત્રણ મુખ્ય હિરોઈનો કાની કુશ્રુતિ, દિવ્યા પ્રભા તથા છાયા કદમનો આભાર માન્યો હતો. પાયલે કહ્યું હતું કે આ અભિનેત્રીઓની પ્રતિભા  અને મહેનત વિના આ એવોર્ડ મેળવવાનું શક્ય ન હતું. પાયલે આ વખતે એમ પણ કહ્યું હતું કે હવે ભારતની કોઈ ફિલ્મને આ સ્તરે પહોંચતાં બીજાં ૩૦ વર્ષ ન લાગી જાય તેવી તેની અંતરની ઈચ્છા છે. 

પાયલે કહ્યું હતું કે આપણો સામાજિક ઢાંચો એવી રીતનો રચાયો છે કે સ્ત્રીઓ એકબીજાની પ્રતિદ્વંદી બનીને રહી જાય છે. જોકે, આ ફિલ્મમાં એકમેકની સખી એવી સ્ત્રીઓની વાત છે. પાયલે પોતના પ્રવચનમાં ફેસ્ટિવલમાં વધુ સારા વેતન તથા કદર માટે આંદોલન કરી રહેલા ફેસ્ટિવલના કર્મચારીઓને પણ સમર્થન જાહેર કર્યું હતું. ૮ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મેળવનારી ફિલ્મ

ઓલ વી ઈમેજિન એઝ લાઈટ મલયાલમ તથા હિંદી ભાષાની ફિલ્મ છે. તેમાં પ્રભા નામની એક  નર્સની વાર્તા છે. પ્રભાને લાંબા સમયથી તેનાથી વિખૂટા રહેતા પતિ દ્વારા એક અણધારી વસ્તુ મળે છે. તેના કારણે તેની જિંદગીમાં ભારે ઉથલપાથલ આવે છે. બીજી તરફ તેની યુવાન રુમમેટ અનુ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે મોટાં શહેરમાં એક ખાનગી જગ્યા શોધવા પ્રયાસ કરી રહી હોય છે. આ બંને નર્સ એકવાર એક બીચ પર રોડ ટ્રીપમાં જાય છે. ત્યાં તેઓ એક  ગાઢ વનમાં પહોંચે  છે  અહીં તેમને સ્ત્રી તરીકેનું પોતાનું અસ્તિત્વ, મૈત્રી તથા સ્વતંત્રતા અને આકાંક્ષાઓ અને સપનાં સહિતના અનેક મુદ્દાઓ બાબતે સાચો અહેસાસ  થાય છે.આ ફિલ્મને સ્ક્રિનિંગ વખતે સતત આઠ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ત્યારથી જ એ નક્કી થઈ ગયું હતું કે આ ફિલ્મ ટોચના એવોર્ડની સૌથી પ્રબળ દાવેદાર બની ચૂકી છે. 

મુંબઈ-પુણેમાં અભ્યાસ, કેન્સમાં બીજો એવોર્ડ પાયલ કાપડિયા મૂળ મુંબઈની છે. તેણે અહીં  ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કર્યું હતું. તેમની માતા નલિની ભારતનાં ફર્સ્ટ જનરેશન વીડિયો આર્ટિસ્ટ છે અને તેમને પગલે  પાયલને પણ ફિલ્મ મેકિંગમાં રસ પડયો હતો. આથી પાયલે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટમાં પ્રશિક્ષણ મેળવ્યું હતું. પાયલે પોતાની કારકિર્દી શોર્ટ ફિલ્મોથી શરુ કરી હતી. તેમણે સૌ પહેલાં ‘વોટરમેલન , ફિશ એન્ડ ઘોસ્ટ’ ફિલ્મ બનાવી હતી. બાદમાં ‘આફટરનૂન ક્લાઉડસ’ અને ‘લાસ્ટ મેંગો બીફોર મોનસૂન’ જેવી ફિલ્મોથી નામના મેળવી હતી. 

પાયલને આ પહેલાં પણ ૨૦૨૧મા કેન્સ ફેસ્ટિવલમાં ં તેની ડોક્યુમેન્ટ્રી ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ માટે ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. નેતાઓ,  ફિલ્મી હસ્તીઓનાં અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયલને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે ૭૭માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવવા બદલ પાયલ માટે ભારત ગર્વ અનુભવે છે. એફટીટીઆઈની ભૂતપૂર્વ વિદ્યાર્થિની પાયલ  વૈશ્વિક મંચ પર ઝળકતી રહેશે અને ભારતની સમૃદ્ધ સર્જનાત્મકતાની ઝાંખી કરાવતી રહેશે.આ પ્રતિષ્ઠિત સન્માનથી  તેની અજોડ ક્ષમતાઓની કદર થઈ છે એટલુ ં જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ સર્જકોની નવી પેઢીને પ્રેરણા પણ મળી છે.  કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પાયલની સિદ્ધિને વધાવી હતી. આલિયા ભટ્ટ, કિયારા અડવાણી, અદિતી રાવ હૈદરી, ફરહા ઉપરાંત મોહનલાલ અને મામુટી સહિતની હસ્તીઓએ પાયલની આ સિદ્ધિને વધાવી તેને અભિનંદન પાઠવ્યાં હતાં. 

આ વખતે કેન્સમાં ભારતનો જયજયકાર આ વખતે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનો જયજયકાર થયો છે. પાયલ કાપડિયાએ ગ્રાન્ડ પ્રિક્સ મેળવ્યું છે. તેની સાથે કોલકત્તાની અનુસૂયા સેનગુપ્તાએ બલ્ગેરિયન ડાયરેક્ટર કોન્સ્ટેન્ટિન બોજાનોવની ફિલ્મ ‘ધી શેમલેસ’ માટે અન સર્ટેઈન રિગાર્ડ કેટેગરીમાં બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ મેળવ્યો છે.  પહેલીવાર કોઈ ભારતીય અભિનેત્રી કેન્સમાં આ એવોર્ડ જીતી છે. આ ઉપરાંત એફટીટીઆઈની વિદ્યાર્થિની ચિદાનંદા એસ. નાઈકને ‘સન  ફલાવર્સ વર ધી ફર્સ્ટ   વન્સ ટૂ નો’ માટે લા સિનેફનું પહેલું ઈનામ મળ્યું છે. 

ભારતમાંથી આ પહેલાં મુખ્ય સ્પર્ધામાં પહોંચી ચૂકેલી ફિલ્મોમાં મૃણાલ સેનની ‘ખારીજ’ (૧૯૮૩), એમ. એસ. સથ્યુની ‘ગર્મ હવા’  (૧૯૭૪) , સત્યજીત રાયની ‘પરશ પાથાર’ (૧૯૫૮), રાજ કપૂરની ‘આવારા’ ( ૧૯૫૩), વી શાંતારામની ‘અમર ભૂપાલી’ (૧૯૫૨) અને ચેતન આનંદની ‘નીચા નગર’ (૧૯૪૬’)નો સમાવેશ થાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *