AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર પોતાના પર લાગેલા તમામ આરોપોને લઈને વળતો પ્રહાર કર્યો છે. માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મંત્રીઓ પર નિશાન સાધ્યું છે.
AAP નેતાઓના આરોપોને રદિયો આપ્યો
સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં AAP નેતાઓના આરોપોને રદિયો આપતા લખ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ના કહેવા પર, તેમણે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે કારણ કે તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો.’
દિલ્હીના મંત્રીઓ જૂઠ ફેલાવી રહ્યા છે
આ ઉપરાંત સ્વાતિ માલીવાલે લખ્યું છે કે, ‘ગઈકાલથી, દિલ્હીના મંત્રીઓ જૂઠ ફેલાવી રહ્યા છે કે મારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, તેથી મેં આ બધું ભાજપના ઈશારે કર્યું. આ એફઆઈઆર આઠ વર્ષ પહેલા 2016માં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ બંનેએ મને વધુ બે વખત મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આ કેસ સંપૂર્ણપણે નકલી છે જેના પર માનનીય હાઈકોર્ટે તેને 1.5 વર્ષ માટે સ્ટે આપ્યો છે અને સ્વીકાર્યું છે કે પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી.’
પહેલા લેડી સિંઘમ અને હવે ભાજપની એજન્ટ : સ્વાતિ માલીવાલ
માલીવાલે વધુમાં લખ્યું છે કે, ‘જ્યા સુધી મેં બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી હું લેડી સિંઘમ હતી અને આજે હું ભાજપની એજન્ટ બની ગઈ?, આખી ટ્રોલ આર્મી મારી પાછળ તૈનાત કરવામાં આવી હતી કારણ કે હું સાચું બોલી. પાર્ટીના તમામ લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જો સ્વાતિનો કોઈ અંગત વીડિયો હોય તો તેને મોકલો, તેને લીક કરવો પડશે.’