ભારત T20 વર્લ્ડકપ સેમિફાઈનલમાં ક્વોલિફાય થશે તો ‘રિઝર્વ ડે’ નહીં મળે

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જુન મહિનામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં આયોજકોએ ભારતની ટીવી અને ડિજિટલ વ્યૂઅરશિપને ધ્યાનમાં રાખીને સેમિ ફાઈનલનું આયોજન કર્યું છે. આઈસીસીએ જણાવ્યું હતુ કે, ભારત કોઈપણ ક્રમે રહીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે તો તેને બીજી સેમિ ફાઈનલ એટલે કે 27મી જૂને ગયાનામાં રમવું પડશે. 

વળી, ટુર્નામેન્ટના અત્યંત વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આયોજકોએ બીજી સેમિફાઈનલ માટે રિઝર્વ ડેની જોગવાઈ કરી નથી. હવે જો ભારતની સેમિ ફાઈનલમાં વરસાદ પડે અને મેચ શક્ય ન બને તો સુપર એઈટના પોઈન્ટ ટેબલમાં જે ટીમ આગળ હશે તે ફાઈનલમાં પ્રવેશશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

વ્યૂઅરશિપ અને સેમિ ફાઈનલ

ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ 26મી જૂને ટ્રિનિદાદના ટારોઉબામાં રમાવાની છે. જે 26મી જૂને સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. આ સમયે ભારતમાં 29મી જૂનના સવારે 6.00 વાગ્યા હશે. જ્યારે ગયાનામાં રમાનારી બીજી સેમિફાઈનલ સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.30 વાગ્યાથી શરૂ થવાની છે. આ સમયે ભારતમાં 27મી જૂનના સાંજના 8.00 વાગ્યે હશે. જે ભારતમાં ટીવી અને ડિજિટલ વ્યુઅરશિપ માટે અનુકૂળ સમય છે.

બીજી સેમિ ફાઈનલમાં રિઝર્વ ડે નહીં

આઈસીસીએ પ્રથમ સેમિફાઈનલમાં રિઝર્વ ડે રાખ્યો છે. જ્યારે બીજી સેમિ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તેના બદલે મેચ પુરી કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. જો વરસાદનું વિઘ્ન પડે તો ચાર કલાક અને 10 મિનિટ સુધી રાહ જોવામાં આવશે. જો બીજી સેમિફાઈનલમાં વરસાદના કારણે કોઈ નિર્ણય નહીં આવ્યો હોય તો સુપર- એઈટમાં જે ટીમ આગળના ક્રમે હશે તે ફાઈનલમાં પ્રવેશ મેળવશે. 

29મી જૂને ફાઈનલ

ટી-20 વર્લ્ડકપની ફાઈનલતારીખ 29મી જૂને બાર્બાડોસના બ્રિજ ટાઉનમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.00 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ભારતમાં ત્યારે 29મી જૂનના સાંજના 7.30 વાગ્યા હશે. આઈસીસીએ ફાઈનલ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરી છે.

ઓછામાં ઓછી 10-10 ઓવર

સામાન્ય રીતે ટી-20 ઈન્ટરનેશનલમાં બીજુ બેટિંગ કરનારી ટીમને ઓછામાં ઓછી રમવા મળે તો તેના પરિણામ નક્કી થતું હોય છે. જો કે ટી-20 વર્લ્ડકપની નોકઆઉટ મેચીસમાં જો બંને ટીમોને ઓછામાં ઓછી 10-10 ઓવર રમવા મળી હોય તો જ મેચનું પરિણામ જાહેર થશે, નહીંતર મેચ અનિર્ણિત જાહેર થશે.