– કોંગ્રેસ પ્રમુખે મોદીના 400ને પારના સૂત્રની મજાક ઉડાવી
– ભાજપ બંધારણને નાબૂદ કરવા માગે છે, ચોથી જૂન પછી મોદી ભારતના વડાપ્રધાન પદે નહીં હોય : રાહુલ ગાંધી
– ‘ઇન્ડિયા’ની સરકાર રચાશે તો ગરીબોને અપાતું અનાજ બમણું કરાશે અને તેની ગુણવત્તા પણ સુધરશે : અખિલેશ
રાયબરેલી : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીના ૪૦૦ પારના સૂત્રની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે સારું છે કે તે ૬૦૦ને પાર કહી રહ્યાં નથી કારણકે લોકસભાની બેઠકો ૫૪૩ જ છે. કોંગ્રેસ પ્રમુખે રાયબરેલી લોકસભા વિસ્તારમાં આવેલા હરચંદપુરાના સરાય ઉમરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા જણાવ્યું હતું કે તેમના પક્ષ દ્વારા જે પણ વચનો આપવામાં આવ્યા છે તે પૂર્ણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વચનો મોદી ગેરંટી જેવા નહીં હોય જે ક્યારેય પૂર્ણ થયા નથી.
આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ બંધારણને નાબૂદ કરવા માગે છે તથા આદિવાસીઓ, દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલ અનામત રદ કરવા માગે છે.ઓડિશાના બોલાનગીરમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો ભાજપની સરકાર આ ચૂંટણી જીતશે તો તે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરશે અને દેશ ૨૨ અબજપતિઓ દ્વારા ચલાવવામાં આવશે.
રાહુલે દેશના બંધારણના પુસ્તકને હાથમાં લઇ જણાવ્યું હતું કે ભાજપ આ પુસ્તકને ફાડવા માગે છે પણ કોંગ્રેસ તથા દેશના લોકો આમ થવા દેશે નહીં. અત્યાર સુધી દેશના ગરીબો, દલિતો, આદિવાસીઓ, લઘુમતિઓ, ખેડૂતો અને મજૂરોને જે કંઇ પણ મળ્યું છે તે બંધારણને કારણે મળ્યું છે. રાહુલ ગાંધીએ વધુ એક દાવો કરતા જણાવ્યું હતું કે ચાર જૂન પછી વડાપ્રધાન મોદી દેશના વડાપ્રધાન રહેશે નહીં. રાહુલે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરેલ થયેલા એક વીડિયો અંગે જણાવ્યું હતું કે આ વીડિયો ફેક છે અને મેં ક્યારેય કહ્યું નથી કે ચાર જુન પછી મોદી વડાપ્રધાન બનશે હું તો કહું છું કે ચાર જૂન પછી વડાપ્રધાન મોદી દેશના વડાપ્રધાન રહેશે નહીં. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર સત્તામાં આવશે તો ગરીબોને આપવામાં આવતું અનાજ બમણું કરી દેવામાં આવશે અને તેની ગુણવત્તા પણ સુધારવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ લખનઉમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.