ગુજરાત અહિંસા અને જીવદયા ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. સનાતન હિન્દુ ધર્મના અનેક સંપ્રદાયોનો પ્રાણીમાત્રની રક્ષા અને કલ્યાણનો ગૌરવશાળી વારસો ગુજરાત માં જોવા મળે છે. પ્રાણી માત્ર પરમેશ્વરની પ્રતિકૃતિ છે. તેમાંય ગૌમાતા – નંદી – વૃષભ સૌથી વધુ પૂજનીય આત્મા છે. ગાય વિશ્વમાતા છે. સર્વ સુખ પ્રદાયીની છે. ગૌ રક્ષા એ આપણો રાષ્ટ્ર ધર્મ છે. ગૌ સેવા આપણા જીવનમાં વણાયેલી છે. ગૌ સંસ્કૃતિ આપણા રાષ્ટ્રની આધારશીલા છે. એટલે જ તો, ભારતવર્ષ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદની સંસ્કૃતિના દેશ તરીકે પ્રખ્યાત છે.
ગૌ સંસ્કૃતિના આવા આધ્યાત્મિક દેશમાં ગૌમાતા, વાછરડી, વાછરડા, ખૂંટીયા, બળદો, નંદી, વૃષભ મળી ને સમગ્ર ગૌ વંશ આજે નિરાધાર પશુની જેમ રસ્તે રઝળે છે. કૂડો – કચરો અને પ્લાસ્ટીક ખાય છે. બીમારી અને અકસ્માતનો ભોગ બને છે. તો ક્યાંક માનવીનો ભોગ લેવાય છે. શેરીઓ- ગલીઓમાં ગંદકી ફેલાય છે. પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ઉભા પાકોને નુકસાન થાય છે. પ્રાણી અને માનવજાતિના રોગો વધવાથી આરોગ્યને હાનિ પહોંચે છે. આ સ્થિતિ આપણા સૌ માટે રાષ્ટ્રીય અને સામાજીક કલંક સમાન છે. આજે નધણિયાતી ગાયો, વાછરડી, વાછરડા, ખૂંટીયા, બળદો, નંદી, વૃષભ જેને આપણે હવે થી ગૌ વંશ તરીકે ઓળખીશું તે નિરાધાર અવસ્થામાં રખડે છે યા તો પાંજરાપોળ – ગૌશાળા – નંદીશાળા માં આશરો લે છે. એ તો આપણી સંસ્કૃતિની જીવદયાની મહાજન અને સંત પરંપરા ને ધન્યવાદ છે કે આવા નિરાધાર પશુઓ નો પાંજરાપોળો – ગૌશાળાઓ – નંદીશાળાઓ દ્વારા નિર્વાહ કરે છે.
પાંજરાપોળ, ગૌશાળા અને નંદીશાળાઓ હોવા છતાં આજે પરિસ્થિતિ વિષમ થતી જાય છે. ઘટતા જતા ગૌચરો અને ખેતીનું યાંત્રિકીકરણ, ખેડૂતો અને ગોપાલકોની આર્થિક સંકળામણ, બદલાતી માનસિકતા, આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે ગૌ વંશને એક પશુમાત્ર અને આહાર નું સાધન સમજવાની વૃતિ જોવા મળે છે. ગૌ સેવાને આપણે ફક્ત ધાર્મિક, ક્રિયાકાંડ બનાવી દીધી છે. ગાયનું ખરું મહત્વ ; આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક ઉપયોગિતા; ગાયનું કૃષિ ,આરોગ્ય અને પર્યાવરણ નું વિજ્ઞાન, વર્તમાન યુગમાં તેની પ્રાસંગિકતા ભુલાઈ ગઈ છે. ગૌશાળા – નંદીશાળા – પાંજરાપોળ માં ડોનેશન આપી કે એક રોટીથી પુણ્ય કમાઈ પાપોને ધોઈ નાખવાની અધુરી શ્રદ્ધાથી ગૌસેવાને ખૂબ જ નુકસાન થયું છે.
❖ સમાજ શ્રેષ્ઠીઓ ગૌ શાળા, પાંજરાપોળ અને નંદીશાળા ની આત્મનિર્ભરતા માટે આગળ આવે :
હવે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ, ગૌ સેવકો, ગૌરક્ષકો, જીવદયાપ્રેમીઓ, ખેડૂતો, ગૌપાલકો અને આમ જનતા એ આગળ આવી ગૌ શાળા ,પાંજરાપોળ અને નંદીશાળા ના સ્વાવલંબન માટેની ચેલેન્જ ઉપાડી લેવાની આવશ્યકતા છે. ગુજરાતની દાનપ્રિય જનતા આ બાબતે પાછીપાની નહીં કરે. જનભાગીદારીના અનેક ઉત્કૃષ્ટ ઉદાહરણો ગુજરાતે પૂરા પાડયા છે. આવી જ ઉત્સુકતા, સેવાભાવના, શ્રમ સાધના અને કર્તવ્યપરાયણતાના દર્શન કરાવી ગૌસેવાને રાષ્ટ્ર ધર્મ સમજી વિશેષ જવાબદારી સાથે નાત – જાત , ધર્મ સંપ્રદાયના ભેદ ભૂલી, આ દૈવી કાર્યમાં સાથ આપી, પુણ્ય કમાવાની તક ઝડપી લેવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. ગુજરાત આ દ્રષ્ટિએ દેશમાં ગૌ સ્વાવલંબનનું રોલ મોડેલ રાજ્ય બની શકે તેવી ઉચ્ચ સંભાવના આ ધરતીમાં પડેલી છે.
સામાજીક સંસ્થાઓ, ધાર્મિક સંપ્રદાયો, રાજનૈતિક આગેવાનો આગળ આવે અને બાકી રહેતા નિરાધાર પશુધનને સાચવશે તો સરકાર તેમને પણ એ જ ધોરણે જમીન અને આર્થિક સહાય ફાળવશે. સંસ્થાઓએ નિયમાનુસાર વહીવટી પારદર્શીતાના દર્શન કરાવવા પડે. ક્ષમતા મુજબ વધારાના નિરાધાર ગૌવંશને સમાવવાની તૈયારી રાખવી પડશે.
❖ ગૌશાળા, પાંજરાપોળ અને નંદીશાળા પ્રત્યે સામાજીક સંસ્થાઓનું કર્તવ્ય :
ભારત સરકારે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેતીમાટે ગાયનું ગોબર અને ગૌ-મૂત્ર મુખ્ય ઘટક છે. સ્વસ્થ નીરોગી સમાજ માટે, કોરોના, કેન્સર જેવી જીવલેણ બીમારીઓમાંથી બચવા માટે ઝેરમુક્ત ખોરાકની આવશ્યકતા સમજાતી જાય છે, ત્યારે દરેક ગૌશાળા, પાંજરાપોળ અને નંદીશાળા નાની કે મોટી, આર્થિક ક્ષમતાના આધારે બાયોફર્ટીલાઇઝર અને બાયોપેસ્ટીસાઈડના સાદા સરળ પ્લાન્ટ પોતાની ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળાના કેમ્પસમાં જ ઉભા કરી શકશે. આ માટે જરૂરી મશીનરી વસાવવાની રહેશે. સ્વસહાય મહિલા જૂથો અને સામાજિક રચનાત્મક સંસ્થાઓ ને જોડી મહિલાઓ અને યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રો, ATMA, RKVY દ્વારા ટ્રેનીગ આપી “મેઇક ઇન ઇન્ડિયા” કન્સેપ્ટ હેઠળ ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળા ના મોડેલ તૈયાર કરવાના છે. આ ખાતર ગામમાં જ ઉપયોગમાં લેવાઈ જાય. ઇકો ફ્રેન્ડલી ઉત્પાદો દ્વારા “ગ્રીન ઇન્ડીયા” અભિયાનને પુષ્ટિ મળશે.
મોટા પાયે રોકાણ કરી શકે તેવી સંસ્થાઓ ગોબર ગૌમૂત્રમાંથી બાયોગેસ, સીએનજી પ્લાન્ટ, ફાર્માસ્યુટીકલ પ્રોડક્ટ બનાવી શકશે. નાના પાયે ગૌમુત્રમાંથી ફિનાઇલ, ગૌમૂત્ર અર્ક, સાબુ, કીટનિયંત્રક અને ગોબરમાંથી ઉબટન,ઈંટો, ટાઇલ્સ,ગૌમય પ્રોડક્ટસ જેવી કે ગૌ કાષ્ઠ, કાગળ , કલર, પેઇન્ટ,દેવ – દેવતાઓની મૂર્તિઓ, ટેબલ પીસ,નેઇમ પ્લેટ, ફોટો ફ્રેમ, માળા, રાખડી, ધુપબતી, દીપ,હવન સામગ્રી, નર્સરીના કુંડા – ગમલા, ધડીયાળ, કી-ચેઇન જેવી અનેક ઘર ઉપયોગી આઈટમો બનાવી મોટા પાયે નવી રોજગારીનું સર્જન કરી શકશે.
❖ સરકાર દ્વારા અન્ય આવશ્યકતાઓની પૂર્તિ :
જે હયાત ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળા ખરાબામાં પેશકદમી રૂપે ચાલી રહે છે, તેને કાયમી ધોરણે ૯૯ વર્ષના લીઝ પેટે આપવાની આવશ્યકતા છે. આમ પણ આવી ગૌશાળાઓ, પાંજરાપોળ અને નંદીશાળા વર્ષોથી ગૌસેવકો અને દાતાઓ દ્વારા સ્વૈચ્છિક ધોરણે ચાલે છે. આ દબાણ ખાલી કરાવી શકાય તેવી શક્યતાઓ છે નહીં. આમેય તેઓ તો સરકારની જવાબદારી નિભાવી રહ્યા છે. પરોપકારનું કાર્ય નિસ્વાર્થ સેવા ભાવે કરી રહ્યા છે. ત્યારે માનવીય અભિગમ અપનાવ્યો જ રહ્યો ! ગ્રામ્ય સ્તરે ઢોરવાડા માટે ભાડા પટે જગ્યા આપવાની મહેસૂલ અધિનિયમ ૩૮ માં જોગવાઈ છે. ગૌચર, જંગલ અને ખરાબાની પર્યાપ્ત જમીન પણ ઉપલ્બધ છે.
આ ઉપરાંત ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળામાં અન્ય સુવિધાઓ જેવી કે ગૌવંશ માટે શેડ, ઘાસ ગોડાઉન, પાણી માટેના બોર, કુવા, હવાડા, ટાંકા, ગમાણ, સ્ટાફ ક્વાર્ટર્સ, ફેન્સીંગ, દિવાલ વગેરે માટે સરકારના લગભગ બધા જ વિભાગોમાંથી અલગ-અલગ ગ્રાન્ટમાંથી શક્ય તેટલી વધુમાં વધુ ગ્રાન્ટ; M.P., MLA ગ્રાન્ટ અને અન્ય ડોનેશન, કોર્પોરેટ અને ઉદ્યોગ ગૃહોઓના CSR, શ્રમદાન, ઘાસ દાન, ગૌચર વિકાસ અને ગૌ ઉત્પાદોની આવક માંથી ઊભી કરી શકાશે. જન-ભાગીદારીના અનેક ઉદાહરણો મોજૂદ છે લોકોના દાનની સરવાણી ખૂટતી જ નથી. દરેક ગૌશાળા, ગ્રામ સમિતિ અને તાલુકા જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ ના સમન્વયથી આ કામ સુપેરે પાર પાડી શકાય તેમ છે.
❖ ગ્રામ્ય વિસ્તાર માટે આયોજન :
ગ્રામ્ય સ્તરે નાની-નાની ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળા કાર્યરત છે. તેની જમીન કાયદેસર કરી વધારાની સુવિધાઓ ઉપર જણાવ્યા મુજબ પૂરી કરવી. નવી ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળા માટે ગામડા તૈયાર થાય તો તેમને પણ એ જ રીતે જમીન ફાળવી, સામાજિક સંસ્થા સાથે જોડી શકાશે.
તાલુકા કે જિલ્લા સ્તરે મોટી ૧૦૦ થી ૧૦૦૦ ગૌવંશ સુધીની ગૌશાળા, પાંજરાપોળ અને નંદીશાળા SPCA/AWBI ની જિલ્લા કમિટીના માધ્યમથી કલેકટરશ્રીની દેખરેખ નીચે ઉભી કરી, સામાજિક સંસ્થાઓને સંચાલન માટે જોડી PPP મોડેલ ઊભું કરી શકાય.
૧૦૦૦ થી વધુ ૫૦૦૦ સુધીના ગૌવંશ માટે કોઈ મોટા ઉદ્યોગ ગૃહો, સામાજિક-ધાર્મિક, રચનાત્મક સંસ્થાઓ તૈયાર થાય તો બન્નીના રણ, જંગલ સિવાયની જંગલ ખાતાની જમીનો, વીડી, સરકારી ખરાબાઓ, સરકારી ફાર્મ વગેરે PPP ધોરણે ફાળવી શકાય. આમ બહુ આયામી વિકલ્પો ખુલ્લા રાખી સ્વાવલંબી, આત્મનિર્ભર મોડેલ ઉભા કરવા માટે જરૂરી વ્યવસ્થા સરકાર ગોઠવે તો “રખડતા પશુ મુક્ત ગુજરાત” ની કલ્પના સાકાર કરવી જરા પણ અઘરી નથી.
ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળા રખડતા ગૌવંશના ગોબર-ગૌમુત્રમાંથી વિવિધ ઉત્પાદનોના માઈક્રો, મીડીયમ અને કોર્પોરેટ લેવલના સ્ટાર્ટ અપ અને ગૌ ઉદ્યોગ ગૃહો સ્થાપી અત્યાર સુધી વણખેડાયેલા ક્ષેત્ર દ્વારા આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી શકાય તેમ છે. સરકારની વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેનું સંકલન કરી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય. રખડતો ગૌવંશ વિનામૂલ્યે મળી શકશે. ગોબર – ગૌમુત્ર નું વેલ્યુ એડીશન કરી “ગોબર થી ડોલર” કમાવાની ક્ષમતાને સાકાર કરી શકાય તેમ છે. આ માટે મોટા ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંપ્રદાયો, પંચાયતીરાજ સંસ્થાઓ,સહકારી સંઘો, માર્કેટીંગ યાર્ડ, ડેરી જેવી સંસ્થાઓ એ જવાબદારી લેવા આગળ આવવું પડશે. બનાસ અને સુમુલ ડેરી તેના ઉદાહરણો છે.
સરકારી વિવિધ યોજનાઓમાં ગૌ ઉત્પાદનોનો સમાવેશ કરવાનો રહેશે. MSME, KVIC, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, ઇફકો, કૃભકો, ગુજકોમાસોલ જેવી સંસ્થાઓને માર્કેટીંગમાં જોડી, સરકારના “જેમ” પોર્ટલ માં ઉમેરો કરાવી વેચાણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
ગ્રામ્ય, તાલુકા, શહેર અને રાજ્ય સ્તરીય કમિટિઓ બનાવી સંપૂર્ણ યોજના સુચારૂ રીતે ચાલે તે માટે સામાજીક, ધાર્મિક, રાજનૈતિક આગેવાનો , સ્વયં સેવકો, દાતાઓ, શ્રેષ્ઠીઓ અને સરકારી અધિકારીઓનો સમાવેશ કરવો જરૂરી છે.
❖ શહેરી વિસ્તાર માટે આયોજન :
શહેરી સતા મંડળ વિસ્તારમાં સમાવિષ્ટ ગૌચર, ખરાબાની જમીનનો ઉપયોગ કરી, ક્લીન સીટી, ગ્રીન સીટી, હેલ્ધી સીટીની વિવિધ પર્યાવરણ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગ ની ગ્રાન્ટ, દાતાઓ અને ઉદ્યોગગૃહોના દાન દ્વારા આદર્શ સ્વાવલંબી ગૌશાળા,પાંજરાપોળ અને નંદીશાળા મોડેલ જન ભાગીદારી થી સ્થાપી શકાય.
શહેરના રાજ માર્ગો – રોડ – શેરીઓમાં ઘૂમતા ભટકતા વાછરડી, વાછરડા, ખૂંટીયા, બળદો, નંદી, વૃષભ ને તાત્કાલિક ધોરણે પકડી, આશ્રય સ્થાન આપી, ખસીકરણ કરવાનું કાર્ય નગરપાલિકા કે કોર્પોરેશને કરવું જરૂરી છે. માલિકીના પશુઓ માટે ફરજિયાત ટેગીંગ કરવું, અને જો રખડતા જણાય તો દંડની જોગવાઈ છે જ. માલધારીઓને ચોક્કસ જગ્યા ફાળવી “એનિમલ હોસ્ટેલ” ના કન્સેપ્ટને આગળ વધારવો પડશે. યા તો માલધારી વસાહત ઉભી કરવી જરૂરી બને. શહેરી વિસ્તાર માં ગામડાઓ ભળી જતાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને જે તે ગામડાના ગૌચર, ખરાબા મળ્યા છે, જેનો ઉપયોગ કરવો જોઈએ. સામાજિક સંસ્થાને જનભાગીદારી માં જોડવી જોઈએ.
❖ “આત્મનિર્ભર ભારત” તરફ નો પ્રયાસ :
આ બધા કાર્યો માટે સરકારી વિભાગોમાં વિવિધ ક્ષેત્રે કાર્યની શરૂઆત થઈ છે. એકંદરે સરકારના વિવિધ વિભાગોના સંકલન અને જન ભાગીદારી દ્વારા “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ” સૂત્ર સાર્થક થશે
અંતમાં, ગાયને આર્થિક ઉપાર્જન સાથે જોડી ગૌશાળા, પાંજરાપોળ અને નંદીશાળા ને ગૌ કૃષિ અને ઉદ્યોગ સાહસિકતાના મોડ્યુલમાં રૂપાંતરિત કરી આત્મનિર્ભર, સમર્થ, સશક્ત, સ્વસ્થ, સ્વદેશી, સમૃદ્ધ, સુખી, સ્વાવલંબી અને સંસ્કારી રાષ્ટ્રના નિર્માણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સૌ નિમિત્ત બનીએ. સૌ આ તકને પોત પોતાના સ્તરે ઝીલી લઈને ગૌ સેવાના પુણ્ય કાર્યમાં સહભાગી થવાનો સંકલ્પ કરીએ. “ઝાઝા હાથ રળિયામણા” કહેવતને સાર્થક કરીએ.