રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર દ્વારા સરકારી ઓફીસોમાં પક્ષીઓ માટે ખોરાક, પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહનાં નેતૃત્વમાં ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની દૈનિક, કાયમી સબસિડી આપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી. રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકારે પણ તમામ સરકારી સ્થળોએ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. રાઘવજીભાઈએ આ બાબતે ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડને સૂચના આપવાની વાત કરી હતી.
રાઘવજીભાઈએ જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપેલ હતી. સમસ્ત મહાજનની ટીમે રાઘવજીભાઈ પટેલનું પંચગવ્યમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિથી અભિવાદન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજનના ડો.ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.