નાશિકના દિંડોશીમાં 40 લાખની લાંચ લેનારા અધિકારીની ધરપકડ

નાશિકના દિંડોરીમાં એક વેપારી પાસેથી ૪૦ લાખ રૃપિયાની લાંચની રકમ સ્વીકારવાના પ્રયાસમાં મહારાષ્ટ્ર સરકારના એક કલાસ વન અધિકારી એવા સબ ડિવિઝનલ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ રંગેહાથે ધરપકડ કરી હતી. આરોપી ડૉ નિલેશ અપાર (૩૭) દિંડોશીનો સબ ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) તરીકે કાર્યરત હતો.

આ સંદર્ભે એસીબીના અધિકારીઓ મુજબ દિંડોરીમાં ફરિયાદીએ નોનએગ્રિકલ્ચર (એનએ) પરમિશન ન લેતા ફેકટરીનું બાંધકામ હાથ ધરી પ્રોડકશન પણ શરૃ કરી દીધું હતું. તેથી આરોપી અપારે તેને નોટિસ ઇશ્યુ કરી હતી. આ સાથે જ ફરિયાદીને તેની ફેકટરીમાં ઉત્પાદન પણ બંધ કરી દેવા જણાવ્યું હતું. ત્યાર બાદ  લાંચીયા અધિકારીએ જો ફેકટરી ચાલું રાખી અને ઉત્પાદન શરૃ રાખવું હોય તો તે માટે કથિત ૫૦ લાખની રકમની લાંચ માંગી હતી.

અંતે સમજાવટ બાદ આ રકમ ઘટાડી ૪૦ લાખ કરવામાં આવી હતી. દરમ્યાન ફરિયાદીએ આ વાતની જાણ એસીબીમાં કરી હતી. એસીબીએ જાળ બીછાવી લાંચીયા અધિકારીની લાંચ સ્વીકારતા રંગેહાથો ધરપકડ કરી હતી. એસીબીઆ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે.