અમદાવાદમાં રાહદારી વૃદ્ધને છરીના ઘા મારી નાંખી

શહેરમાં રહેતાં એક વૃદ્ધ ઘરેથી તેમના ગ્રાહકને ટીફિન આપવા નીકળ્યા હતાં અને ઘરે પરત નહીં આવતાં તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ પરિવારને રસ્તામાં લોકોનું ટોળુ દેખાયું અને ત્યાંથી માહિતી મળી કે કોઈ વૃદ્ધને તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પરિવારે સિવિલ હોસ્પિટલ પહોંચીને જોયું તો આ વૃદ્ધને કોઈ અજાણ્યા માણસે રહેંસી નાંખ્યા હતાં. હવે આ વૃદ્ધની હત્યા કરનારને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. તેમજ તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આરોપી મનોજ પટણી ગત 25 જૂનના રોજ રાત્રે નિકોલમાં ભંગારનું પીઠુ ચલાવતા તેના મિત્ર હિતેષને મળવા ગયો હતો. તેણે હિતેષને કહ્યું હતું કે મારે બહારગામ ફરવા જવું છે મને પાંચ હજાર રૂપિયા આપ. પરંતુ હિતેષે તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેથી આરોપીએ ગુસ્સામાં આવી જઈને હિતેષ તથા અન્ય લોકો પર ધાક જમાવવા નજીકમાં એક ઉમર લાયક રાહદારી જતા હતાં તેમને પાછળથી છરીથી રહેંસી નાંખ્યા હતાં. વૃદ્ધ ગંભીર ઈજાગ્રસ્ત થતાં આસપાસના લોકોએ બુમાબુમ કરતાં આરોપી ત્યાંથી નાસી છુટ્યો હતો.