રશિયામાં પ્રાઇવેટ આર્મી વેગનર ગ્રુપ દ્વારા બળવો કરવામાં આવતા રાષ્ટ્રપતિ પુતિનની આબરુનું ધોવાણ થયું છે. વેગનરના પ્રમુખ યેવગેની પ્રિગોઝિન પર ધૂંવાપૂવા જોવા મળે છે. યુક્રેનમાં ધારી સફળતા નથી મળી રહી પરંતુ વેગનરનો બળવો નિષ્ફળ જવાથી રાહતનો શ્વાસ લઇ રહયા છે. એક સનસનીખેજ માહિતી મુજબ રશિયાની વાયુસેનના પ્રમુખ અને ટોચના જનરલ સર્ગેઇ સુરોવિકિનને બળવા મામલે અરેસ્ટ કરવામાં આવ્યા છે.
સુરોવિકિન વેગનર પ્રમુખ બળવાખોર યેવગેની સાથે સારા સંબંધો ધરાવતા હતા. એવો દાવો કરવામાં આવી રહયો છે કે સર્ગેઇ સુરોવિકિનને વેગનર ગ્રુપ વિદ્વોહ કરશે તેને લગતી જાણકારી પહેલાથી જ હતી. આ માહિતી તેમને રુસી સંઘ સાથે શેર કરી ન હતી. જો કે રશિયાના વાયુસેનાના પ્રમુખ સુરોવિકિનને વિદ્રોહ બાબતે અરેસ્ટ કરવામાં આવ્યા છે કે ખાલી પૂછપરછ કરવામાં આવી રહી છે તે જાણવા મળતું નથી. આ બાબતે રશિયામાં બીજા વધુ લોકોની અટકાયત કરવામાં આવે તેવી શકયતા છે.
જનરલ સર્ગેઇ સુરોવિકનને ગત વર્ષ ઓકટોબર માસમાં રશિયાની વાયુસેનાની કમાન સોંપવામાં આવી હતી. જનરલ સુરોવિકિનને સીરિયામાં ક્રુર બોંબમારો કરવાની રણનીતિ માટે જનરલ આર્મગેડન તરીકે ઓળખવામાં આવે છે. અર્માગેડૉન બાઇબલના ન્યુ ટેસ્ટામેન્ટ અનુસાર જજમેંટ ડે પહેલા નેગેટિવ અને પોઝિટીવ વચ્ચેનું નિર્ણાયક યુધ્ધ છે. પુતિને ૨૦૧૭માં સુરોવિકિનને રશિયાના સર્વોચ્ચ સન્માન હરો ઓફ રશિયા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે પુતિને રશિયાની આર્મીના ટોચના પદોમાં ફેરફારો અને હકાલપટ્ટી સુધીની કાર્યવાહી કરે તેવી શકયતા છે. છેલ્લા ૩૦ વર્ષથી રશિયાના રાજકીય પુષ્ઠભૂમિમાં સર્વેસર્વા તરીકે છવાયેલા પુતિન માટે વર્તમાન સમય સૌથી નાજૂક રહયો છે. તખ્તાપલટના પ્રયાસથી તેમની આબરુને બટ્ટો લાગ્યો છે અને ટીકાકારોને મોકો મળી રહયો છે આથી પુતિન એવા પગલા ભરી રહયા છે જેનાથી પોતાનો મોભો જળવાઇ રહે. રશિયાના સંરક્ષણમંત્રી સર્ગેઇ શોઇગુ પણ એક પછી બેઠકો લઇ રહયા છે તેના આધારે કોઇ નકકર પગલા ભરવામાં આવશે એવું ચિત્ર ઉપસી રહયું છે.