દક્ષિણ કોરિયાના 5 કરોડ જેટલા નાગરિકોની વય રાતોરાત એક થી બે વર્ષ ઓછી થઈ ગઈ છે.
આમ તો આ હેરાન કરનારી વાત છે પણ આવુ ખરેખર બન્યુ છે. તેની પાછળનુ કારણ વયની ગણતરી કરવા માટે સરકારે લાગુ કરેલો નવો નિયમ છે. અત્યાર સુધી દેશમાં પંરપરાગત રીતે ઉંમર ગણવામાં આવતી હતી. તેની જગ્યાએ દક્ષિણ કોરિયાની સરકારે વય નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રણાલી અપનાવી છે.
દક્ષિણ કોરિયાની સરકાર આમ તો અન્ય દેશોમાં વપરાતી વય ગણવાની ઈન્ટરનેશનલ પધ્ધતિને 1960થી કાયદા અને મેડિકલના ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ જ રહી છે. આમ છતા ઘણા લોકોએ પોતાના રોજિંદા જીવનમાં દેશની પારંપરિક પધ્ધતિનો ઉપયોગ વય ગણતરી માટે ચાલુ રાખ્યો છે. આ પધ્ધતિ અનુસાર દક્ષિણ કોરિયામાં બાળક જન્મે તે જ દિવસે તેની વય એક વર્ષની ગણવામાં આવતી હતી. ઉપરાંત જાન્યુઆરી મહિનામાં જ વયમાં એક વર્ષનો ઉમેરો કરવામાં આવતો હતો. આમ નવા વર્ષના એક દિવસ પહેલા જન્મેલુ બાળક એક વર્ષનુ ગણાતુ હતુ અને જાન્યુઆરી મહિનો શરૂ થતા જ તેની વય બે વર્ષની થઈ જતી હતી.
સરકારનુ કહેવુ છે કે, તેના કારણે ઘણી ગેરસમજો ઉભી થતી હતી અને તેને દૂર કરવા માટે નવો કાયદો લાવવામાં આવ્યો છે. સરકારના મંત્રી લી વાન ક્યૂએ કહ્યુ હતુ કે, હવે આશા છે કે, વયની ગણતરી કરવાને લઈને ઉભા થતા કાયદાકીય વિવાદો, ફરિયાદો અને સમાજમાં સર્જાયેલી ગેરસમજની સ્થિતિ દુર થઈ જશે.
સરકારે કાયદો લાવતા પહેલા એક સર્વે કરાવ્યો હતો અને તેમાં પણ 86 ટકા નાગરિકોએ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે વયની ગણતરી કરવાના પ્રસ્તાવને યોગ્ય ગણાવ્યો હતો.
સરકારે જોકે સૈન્યમાં ભરતી, સ્કૂલમાં એડમિશન તેમજ ધુમ્રપાન કરવા માટે તથા દારૂ પીવા માટે પારંપરિક વય ગણતરીની પ્રથા ચાલુ રહેશે તેમ કહ્યુ છે. આમ આ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય વય ગણતરી લાગુ નહીં પડે