છેલ્લા 10 મહિનાથી ફરાર થયેલો 35 ગુનાનો આરોપી ભૂપત બહારવટીયો ઝડપાયો

મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ભુપત બહારવટીયાને સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવ્યો છે. ભૂપત આહિર સામે હત્યા,લૂંટ સહિત 35થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં હીરા વેપારીની હત્યા બાદ ભૂપત છેલ્લા 10 મહિનાથી ફરાર હતો.ભૂપત આહિર અગાઉ પણ પોલીસ પર પણ ફાયરિંગ કરી ચૂક્યો છે. ત્યારે તેને પકડવા પોલીસે ખૂબ જ સાવધાની રાખવી પડી હતી. ભૂપત જ્યારે સામે આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પહેલા તો આ ભૂપત છે કે નહીં તે ઓળખી શકી ન હતી. કારણ કે ભુપતે પોતાનું 10 કિલો વજન ઓછું કરી દેતા અને સફેદ વાળને બદલે કાળા વાળ કરી દીધા હતાં. 

પોલીસે 4 દિવસ સુધી એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું
ત્યારબાદ તે ભૂપત જ હોવાનું કન્ફર્મ થતાં જ બોરીવલી ખાતે ભૂપતને હાથ અને પગમાં હાથકડી પહેરાવી પીએસઆઇ વિશાલ ધનગરે તેને દબોચી લીધો હતો. ભૂપત આહિર પણ પોલીસના આવા ઓપરેશનથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, ભૂપત મુંબઈમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી. જેથી પોલીસે 4 દિવસ સુધી એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ભૂપત આહીરને પકડવા સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા અગાઉ રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોમાં રાત-દિવસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તે હાથ લાગ્યો ન હતો. 

ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી ભૂપતને ઝડપ્યો
આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે,આરોપી 1979ની સાલમાં બાર વર્ષનો હતો ત્યારથી જ ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. હાલમાં તેની ઉંમર 56 વર્ષ છે અને આરોપી ચોરી, લૂંટ, ધાડ, અપહરણ, આર્મ્સ એક્ટ, મારામારી, ખંડણી, ધમકી જેવા ગંભીર ગુના આચરી ચૂક્યો છે. ભૂતકાળમાં તે 35થી વધુ ગંભીર ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.આરોપી અલગ અલગ વેશ ધારણ કરતો હતો. કોઈ એક જગ્યાએ 10થી 15 દિવસથી વધુ સમય રોકાતો ન હતો. આ ઉપરાંત પોલીસ પકડવા જાય ત્યારે તે હુમલો કરતા પણ ખચકાતો ન હતો.