તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમેરિકાની ઘણી કંપનીઓએ ભારત પ્રત્યે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો. તો બીજી તરફ ભારત અને અમેરિકાની મિત્રતાએ તેમજ અમેરિકી કંપનીઓના ભારત પ્રત્યેના ઉત્સાહે ચીનની ચિંતા વધારી દીધી છે. ભારતે અમેરિકા સાથે ડિફેન્સથી લઈને ચિપ ટેકનોલોજી સુધીના ઘણા સમજુતી કરારો કરતા ચીનની માથાનો દુઃખાવો સતત વધી રહ્યો છે. તો PM મોદીએ પણ વિપક્ષને પણ જવાબ આપી દીધો છે કે, તેઓ ચીનને લઈ સંપૂર્ણ રીતે સતર્ક છે અને તેઓ પોતાની રીતે સતત કાર્યવાહી કરી રહ્યા છે. આમ તો અમેરિકા અને ભારત વચ્ચે ઘણા કરારો થયા છે, પરંતુ બંને દેશો વચ્ચે સૌથી મહત્વની ડીલ ટેલિકોમ સેક્ટરની થઈ છે અને તેના કારણે જ ચીનનો હોશ ઉડી ગયા છે. અમેરિકા અને ભારત વચ્ચે જે ટેલિકોમ ટેકનોલોજી પર સમજુતી થઈ છે, તેમાં ચીનને ગ્લોબલ લેવલ પર મહારથી મનાય છે. તો જાણીએ આખરે ભારત-અમેરિકાની ટેલિકોમ સેક્ટરની ડીલ ચીનને કેવી રીતે પછાળી શકે છે…
ટેલિકોમ સેક્ટરમાં ચીનના દબદબાને ધરાશાયી કરવાની તૈયારી
ટેલિકોમ સેક્ટરમાં ચીનના દબદબાને ધરાશાયી કરવા ભારત અને અમેરિકાએ પ્લાન બનાવ્યો છે. આ પ્લાન હેઠળ બંને દેશોએ ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક પર ડીલ કરી છે. આ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય મોબાઇલ નેટવર્કમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર અને હાર્ડવેરને ઈન્ટરઓપરેટ સુવિધા પૂરી પાડવાનો છે. આમાં ખાસ વાત એ છે કે, વેન્ડર કોઈપણ હોઈ શકે છે. વિશ્વના ઘણા દેશો આના પર કામ કરી રહ્યા છે. આ ડીલથી અમેરિકા અને ભારત જેવા દેશોમાં મલ્ટી-વેન્ડર નેક્સ્ટ જનરેશન ટેલિકોમ સોલ્યૂશન ડેવલપ કરવામાં મદદ મળી શકે છે અને બંને દેશોની કંપનીઓને આનાથી ફાયદો થશે. જે 4G, 5G અને 6G ટેકનોલોજીમાં ચીન અને કેટલાય યુરોપીયન દેશોનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યાં સુધી ભારતની પણ પહોંચ વધી થશે અને ચીન સાથે સ્પર્ધા કરવામાં ઘણી મદદ મલશે.
ચીનની ટેલિકોમ કંપનીઓ નેશનલ સિક્યોરિટી માટે ખતરો
વિશ્વભરના દેશો એ વાત માની ચુક્યા છે કે, તેમના દેશની નેશનલ સિક્યોરિટી માટે ચીનની ટેલિકોમ કંપનીઓ ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં તેમણે પોતાના સ્તરે વસ્તુઓ સુધારવાની જરૂર છે. ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક મોડલ હેઠળ ટેલિકોમ સોલ્યુશન્સ પર ભારત અને અમેરિકા વચ્ચે સત્તાવાર સ્તરે ઘણી બેઠકો યોજાઈ છે. ક્વાડમાં પણ સભ્ય દેશો વચ્ચે આ અંગે વાતચીત થઈ છે. આવી સ્થિતિમાં ચીનના દબદબાને તોડી પાડવા ઘણા દેશોએ આના પર સક્રિયતા દર્શાવી છે. હવે ભારત અને અમેરિકા તેના વિશે માત્ર વિચારી રહ્યાં નથી પરંતુ તેના પર કામ પણ શરૂ કરી રહ્યાં છે.
કયા પ્લાનીંગ પર થઈ રહ્યું છે કામ ?
સિસ્કો જેવી ઘણી અમેરિકન કંપનીઓએ 4G, 5G ઉપરાંત 6Gના ડેવલપમેન્ટ માટે ભારતીય કંપનીઓ સાથે કામ કરવાનું મન બનાવી લીધું છે. જાન્યુઆરીમાં ભારત અને અમેરિકા વચ્ચે લોન્ચ કરાયેલી ક્રિટિકલ અને ઈમર્જિંગ ટેક્નોલોજીની પ્રાયોરિટી લિસ્ટમાં પણ સિસ્કોને સ્થાન મળ્યું છે. તેનો હેતુ એઆઈ, ટેલિકોમ, ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક, સ્પેસ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો છે. ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક હેઠળ ભારતને થોડો ફાયદો મળ્યો છે. સ્થાનિક કંપનીઓએ એક કન્સોર્ટિયમ તૈયાર કર્યું છે. આ ગ્રૂપે 4G અને 5G સોલ્યુશન્સને ડેવલપ કરવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. ઉપરાંત દેશમાં પોતાનો ટેલિકોમ સ્ટેક બનાવવાના પ્રયાસો થઈ રહ્યો છે, જેનાથી ભારતને હુવાવે, ઝેડટીઈ, નોકિયા અને એરિક્સન જેવી કંપનીઓના નેક્સેસ તોડવામાં મદદ મળશે.