ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતના પ્રદર્શન પર સતત સવાલ ઉઠી રહ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પોતાના પ્રદર્શનથી આ બેટ્સમેને નિરાશ કર્યા હતા પરંતુ હવે ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર અંજુમ ચોપરાએ કેએસ ભરત પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કેએસ ભરતનો બચાવ કર્યો અને કહ્યું કે, જો આ ખેલાડીને તક મળવી જોઈએ. હમણા તેને ટીમમાંથી બહાર ન કરવો જોઈએ. આ ઉપરાંત અંજુમ ચોપરાએ રિષભ પંત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અંજુમ ચોપરાએ કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમ રિષભ પંતને યાદ કરી છે. પરંતુ મને નથી લાગતું કે કેએસ ભરતને ટીમમાંથી બહાર કરવો યોગ્ય છે. આ ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું છે… તેણે કહ્યું કે, કેએસ ભરતનું મુખ્ય કામ વિકેટકીપિંગ હતું જે તેણે શ્રેષ્ઠ રીતે કર્યું છે. મને નથી લાગતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં કેએસ ભરતની બેટિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનું માનવું છે કે વિકેટકીપિંગ સિવાય કેએસ ભરતનું કામ ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર બેટ્સમેનોને સપોર્ટ કરવાનું છે.
રિષભ પંત ક્વોલિટી પ્લેયર- અંજુમ ચોપરા
અંજુમ ચોપરાએ કહ્યું કે, જો તમે કેએસ ભરતની બેટિંગ પર વાત કરશો તો નિશ્ચિતરૂપે આ ખેલાડીએ એવી બેટિંગ નથી કરી જે પ્રકરની બેટિંગ માટે રિષભ પંત ઓળખાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે, રિષભ પંતત ટૂંક સમયમાં ફીટ થઈને ટીમ ઈન્ડિયા માટે રમતો નજર આવશે. અંજુમ ચોપરાએ આગળ કહ્યું કે, ઋષભ પંત ક્વોલિટી પ્લેયર છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે, તેઓ જલ્દી ટીમ ઈન્ડિયા માટે મેદાન પર નજર આવે. રિષભ પંત ભૂતકાળમાં એક અકસ્માતનો શિકાર બન્યો હતો. બીજી તરફ ટેસ્ટ ફોર્મેટમાં રિષભ પંતતની જગ્યાએ કેએસ ભરતને ટીમ ઈન્ડિયામાં સતત અજમાવવામાં આવી રહ્યો છે પરંતુ અત્યાર સુધી આ ખેલાડીએ નિરાશ કર્યા છે