આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને કરાંચી પોર્ટ ટર્મિનલ યુએઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ચીન તરફથી પાકિસ્તાનને 1 અબજ ડોલરની લોન મળી હતી, જેનાથી તેને આંશિક રાહત મળી ગઈ છે. જોકે વધુ ફંડ એકત્ર કરવા પાકિસ્તાને કરાંચી પોર્ટ ટર્મિનલ સંયુક્ત અરબ અમીરાત (UAE)ને સોંપવાની કવાયત શરૂ કરી દીધી છે. UAEને ટર્મિલન સોંપવા પાકિસ્તાને એક સમજુતી પર અંતિમ નિર્ણય કરવા સમિતિની રચના કરી છે. તે IMF દ્વારા રોકાયેલી લોનને ક્લિયર કરવા માટે ઈમરજન્સી ફંડ એકત્ર કરવામાં લાગી છે.
કરાંચી પોર્ટ ટ્રસ્ટ સોંપવા સમિતિની રચના કરવાનો લેવાયો નિર્ણય
પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે સોમવારે આંતર-સરકારી વાણિજ્યિક વ્યવહારો પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, બેઠકમાં કરાંચી પોર્ટ ટ્રસ્ટ (KPT) અને UAE સરકાર વચ્ચે વાણિજ્યિક કરાર પર વાટાઘાટ કરવા સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.
UAE સાથેના કરારને અંતિમ રૂપ આપવા સમિતિને મંજૂરી અપાઈ
નિર્ણયમાં જણાવ્યું કે, કરાંચી પોર્ટ ટર્મિનલને સોંપવા યુએઈમાં નિયુક્ત એજન્સી સાથે ગર્વમેન્ટ-ટુ-ગર્વમેન્ટ વ્યવસ્થા હેઠળ કરાર તૈયાર કરાશે. આ કરાર હેઠળ ઓપરેશન, મેઈન્ટેનન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને ડેવલપમેન્ટ કરારને અંતિમ રૂપ આપવા માટે સમિતિને પણ મંજૂરી અપાઈ છે. સમિતિના સભ્યોમાં નાણાં અને વિદેશ બાબતોના અધિક સચિવ, પીએમના વિશેષ સહાયક જહાનઝેબ ખાન, કરાંચી પોર્ટ ટર્મિનલ (KPT)ના અધ્યક્ષ અને KPTના જનરલ મેનેજરનો સમાવેશ થાય છે.