મુંબઈઃ ભારતીય કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી વર્ષોથી ખૂબજ નજીકથી સંકળાયેલા છે. મુંબઈ ખાતેના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બનારસી વણાટનું રામજી અને મોહમ્મદ હારૂન નામના કલાકારોએ પ્રદર્શન કર્યું હતું.
નીતા અંબાણીએ કળાકારોની પ્રશંસા કરી
ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ અને વારસાને સાચવી રાખનારા કળાકારો સ્વદેશ પ્રદર્શનમાં મુલાકાતીઓને સીધા જ મળી શક્યા અને કળાપ્રેમીઓ કળાકારોને તેમનું કામ કરતાં લાઇવ નિહાળવાનો ઉત્કૃષ્ટ અનુભવ મેળવવાના સાક્ષી બન્યા હતા.રામજી અને મોહમ્મદ હારુન સહિતના સ્વદેશી કળાકારોને નીતા અંબાણી મળ્યા અને તેમની પ્રતિભા તથા કળા પ્રત્યેના તેમના સમર્પણની ભરપૂર પ્રશંસા કરી હતી.
કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન 31 માર્ચે કરવામાં આવ્યું હતું.પરંપરાગત કુશળ કારીગરોને કામ કરતાં જોવાની તક આપનારા રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રદર્શન સ્વદેશ એક એવી જગ્યા છે જ્યાં મુલાકાતીઓને પિછવાઈ, તાંજોર, પટ્ટચિત્ર, પટોળા, વેંકટગીરી, બનારસ, પૈઠણ અને કાશ્મીરના વણાટ તથા જયપુરના બ્લુ પોટરી જેવા પ્રખ્યાત પરંપરાગત કળા સ્વરૂપોના કુશળ નિષ્ણાત કારીગરોને કામ કરતાં જોવાની અને તેમની સાથે વાર્તાલાપ કરવાનો અનન્ય અનુભવ પૂરો પાડે છે. કામ કરતાં કારીગરો – પરંપરાગત લૂમ્સ પર કાર્પેટ અને સાડીઓ બનાવતા, વેજીટેબલ શાહી અને સોયનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ બનાવતા કારીગરો – પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરી શકે છે. અહીં આવતાં મુલાકાતીઓ માટે આ એક અનન્ય અને અત્યંત પ્રશંસાપાત્ર અનુભવ બની રહ્યો છે.