પોરબંદર તા, ૧૭. જિલ્લા કલેક્ટરશ્રી કે. ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન-૧ સભાખંડમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયમ અને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા લોકપ્રશ્નોનું ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરે તાકિદ કરી સૂચના આપી હતી. આ ઉપરાંત આગામી તારીખ ૨૧ જુનના રોજ યોજનાર વિશ્વ યોગ દિવસ અંતર્ગત જિલ્લાકક્ષાના યોગ કાર્યક્રમમા દરેક કચેરી ભાગ લઈ યોગ પ્રવૃતિમાં જોડાવા અપીલ કરી હતી.
ઉપરાંત પ્રભારી મંત્રીશ્રી દ્વારા રજૂ થયેલા પ્રશ્નો વહેલી તકે નિકાલ કરવો, સંસદ સભ્યશ્રી તથા ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના નિકાલની સમીક્ષા કરવાની સાથે મિટિંગમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ પોરબંદરના પ્રશ્નો અંગે અધિકારીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી. બેઠકમાં આ ઉપરાંત કચેરીમાં પડતર કેસોનો નિકાલ, સરકારી લેણાની વસુલાત, પેન્શન કેસ સહિત જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
આ ઉપરાંત વાવાઝોડા દરમિયાન અધિકારીઓ કર્મચારીઓ તથા જિલ્લાની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી વીજળી સહિત બાકી રહેલા કામો વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને કલેકટરશ્રી તથા ધારાસભ્યશ્રીએ તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર શ્રી મેહુલ જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઇ
વિશ્વ યોગ દિવસ તા.૨૧ જૂનની ઉજવણીના આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા કલેકટર શ્રી કે. ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને પોરબંદર જિલ્લાના યોગસાધકો, યોગ ટ્રેનરો અને યોગકોચની મીટીંગ યોજાઇ હતી. વિશ્વ યોગ દિવસ ની ઉજવણીમાં પોરબંદર જિલ્લાના વધુને વધુ લોકો જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવવાની સાથે લોકો યોગનું મહત્વ સમજી દૈનિક જીવનમાં યોગ કરી સ્વસ્થ અને નીરોગી જીવન જીવે તે માટે જિલ્લાના યોગ કોચ સહિત સંસ્થાઓ વધુ કાર્યશીલ બને તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. આ મિટિંગમાં જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી મનીષભાઈ ઝાપડા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા સંયોજક જીવાભાઇ ખૂટી, યુવા બોર્ડના જિલ્લા સંયોજક રાજાભાઈ જોશી, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઇ કોટિયા સહિત મોટી સંખ્યામાં જિલ્લાની યોગ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૧૮૧ અભયમ પોરબંદરની ટીમે બિપરજોય વાવાઝોડાની આપદામાં સરાહનીય કામગીરી કરી
બિપરજોય વાવાઝોડા દરમિયાન પોરબંદર ૧૮૧ અભયમની ટીમે પોરબંદર માધવપુર હાઇવે પર ભૂલા પડેલા જામનગર જિલ્લાના સિક્કામાં રહેતા માનસિક રીતે દિવ્યાંગ મહિલાને સુરક્ષિત આશ્રય આપીને પરિવારનો સંપર્ક કરાવ્યો હતો. પોરબંદર તાલુકાના એક ગામમાંથી જાગૃત નાગરિકે તા.૧૫ જૂનના રોજ ૧૮૧ નંબર પર ફોન કરી જણાવ્યુ કે, ઓડદર ગામની બહાર રોડ પર એક મહિલા ગઈકાલ રાતના એકલા બેઠેલા છે. તેમનુ નામ, સરનામુ અમોએ જાણવાની કોશિશ કરેલ પરંતુ તેઓ કાંઈ બોલતા નથી તો એમની મદદ કરવા વિનંતી.
કોલ મળતાની સાથે જ પોરબંદર ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનની ટીમ સ્થળ પર પહોંચી મહિલાનુ નામ, સરનામુ વગેરે પૂછપરછ કરી હતી. પરંતુ મહિલા અલગ -અલગ નામ સ્થળ જણાવતા હતા. તેઓ ઘણા સમયથી એકલા ફરતા હોય તેવુ લાગ્યુ તેથી ૧૮૧ ટીમ દ્રારા પ્રોત્સાહન આપી વાવાઝોડાને વરસાદના કારણે મહિલાને સ્થળ પરથી લઈને મહિલા પોલીસ સ્ટેશન પર લઈ ત્યાં અભયમ્ ટીમ દ્રારા ભૂલા પડેલા મહિલાનું કુશળ કાઉન્સિલિંગ કરતા તેઓ સિક્કા જવુ છે તેવુ જણાવ્યું હતું. જેથી સિક્કા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી સિક્કામાં મહિલાના જ્ઞાતિના પટેલનો સંપર્ક કર્યો હતો.
જેથી પટેલ પાસેથી જાણવા મળ્યુ હતુ કે, મહિલા એક મહિના પહેલાથી ઘરેથી નીકળી ગયેલા છે. તેઓ માનસિક દિવ્યાંગ હોવાથી અમોએ તેમની શોધખોળ કરેલ પરંતુ મળેલ ન હતા તેમના ઘરની આથિઁક સ્થીતિ પણ સારી નથી. તેથી અભયમ ટીમે પ્રત્યુતરમાં જણાવ્યુ કે, તે મહિલા હાલ અમારી સાથે સુરક્ષીત છે. અને હાલ વાવાઝોડાની સ્થિતિ હોય મહિલાને રહેવા તથા જમવાની સુવિધા કરવામાં આવી છે અને તેઓ સુરક્ષિત હોય વાવાઝોડા બાદ પોરબંદરથી મહિલાને ઘરે લઈ જવા જણાવ્યું હતું. આમ પોરબંદર ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મીરાબેન માવદીયા, કોન્સ્ટેબલ સેજલ પંપાણીયા,પાયલોટ કુનાલભાઇએ વાવાઝોડાની સ્થિતિમાં માનસિક રીતે દિવ્યાંગ મહિલાને સુરક્ષિત આશ્રય આપી પરિજનોનો સંપર્ક કરાયો હતો.