પોરબંદર તા.૧૬ બિપરજોય વાવાઝોડાની આગાહી મુજબ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ સરકારના સતત માર્ગદર્શન મુજબ આગમચેતીના પગલા લઈ ટીમ વર્કથી પ્લાનિંગ કરતા મોટી જાન હાની ટળી છે.જોકે ભારે પવનને લીધે પીજીવીસીએલના ૩૪૨ પોલ પડી જતાં વીજ સેવાને અસર થઈ છે. પ્રભાવિત ફિડરોમાં વીજળી ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
પોરબંદરના કલેક્ટર શ્રી કે. ડી. લાખાણીએ વાવાઝોડું દરિયામાંથી પસાર થયા બાદ આજે સવારે જણાવ્યુ હતું કે અગાઉથી આગાહી મુજબ અમારી ટીમ તૈયાર હતી. રેવન્યુ પોલીસ, પંચાયત, નગરપાલિકા, એન ડી આર એફ, એસ ડી આર એફ તેમજ અન્ય લાઈન ડિપાર્ટમેન્ટ એમ બધા જ વિભાગોના સંકલનથી વાવાઝોડાની અસર દરમિયાન જે રજૂઆતો કે કોલ આવ્યા હતા તેનો બહુ ઓછા સમયમાં નિકાલ કરી સેવાઓ શરૂ કરવામાં આવી છે. અત્યારે તમામ માર્ગો ખુલ્લા છે. ૩૪૨ માંથી ૭૫ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે અને જ્યાં વીજળી નથી ત્યાં વહેલાસર વીજળી સ્થાપિત થાય તે માટે પીજીવીસીએલની ટીમો કામગીરી કરી રહી છે. પાણી પુરવઠા બોર્ડના હેન્ડ પંપ પણ જલ્દી શરૂ થઈ જાય તે માટે કામગીરી થઈ રહી છે.તે જ પવનને લીધે નાના મોટા 38 મકાનો ના નુકસાનીના અહેવાલ છે અને 15 બોટને પણ સામાન્ય નુકસાન થયાની વિગતો મળી છે. 117 જગ્યાએ ઝાડ પડી ગયા છે. જિલ્લાના લોકોને સમયસર આગમચેતીની માહિતી મળી જતા અવર-જવર ઘટતા ઝાડ પડવાથી એક પણ વ્યક્તિને ઈજા થયાના અહેવાલ નથી.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નુકસાનીનો પાકો અંદાજ અને સર્વે માટે ૨૭ ટીમો બનાવવામાં આવી છે. જેમાં છ નગરપાલિકા વિસ્તારની અને ૨૧ ગ્રામ્ય માટે પંચાયત દ્વારા બનાવવામાં આવી છે. આ વાવાઝોડામાં કાચા મકાન અને ઝુપડામાં રહેતા લોકોની સલામતી માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પણ આ બાબતે સતત માર્ગદર્શન મળતા વિવિધ ટીમો બનાવી લોકોને આશ્ચયસ્થાનો પર સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. દરિયાકાંઠાથી પાંચ કિલોમીટર વિસ્તારમાં રહેતા ૫૨૦૦લોકોને ૧૩૦ થી વધુ શેલટર હાઉસ પર રાખી સંસ્થાઓની મદદથી તેમને ભોજન અને પ્રાથમિક સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી મામલતદાર તેમજ પંચાયતના કર્મચારીઓ અને સંસ્થાઓ ના સંકલનથી 5000 થી વધુ લોકોને બહુ ટૂંકા ગાળામાં સ્થળાંતરિત કરી તેમને સમયસર ભોજન મળે તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય હતી તેમ જણાવી કલેક્ટરશ્રીએ પોરબંદર શહેર અને જિલ્લાની સંસ્થાઓનો પણ ખૂબ સહયોગ મળ્યો છે તેમ જણાવ્યું હતું.