ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ‘લવજેહાદ’ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા મહાપંચાયત યોજવા પર મૂકાયેલા પ્રતિબંધક આદેશો લાદવાના વિરોધમાં ગુરુવારે પુરોલા-આજુબાજુના શહેરોમાં બજારો બંધ રહ્યા હતા જ્યારે આ વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણમાં શાંતિ જાળવવા સરકારે ભારે પોલીસ દળ નિયુક્ત કર્યું છે. બીજીબાજુ મહાપંચાયત મુદ્દે ઉત્તરાખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
ઉત્તરાખંડના પુરોલામાં ૨૬ મેના રોજ એક હિન્દુ સગીરાના અપહરણના પ્રયાસના આરોપમાં મુસ્લિમ સમુદાયની એક વ્યક્તિ સહિત બે લોકોની ધરપકડ પછી આ પ્રદેશમાં વાતાવરણ તણાવપૂર્ણ થઈ ગયું છે. પોલીસે સગીરાને છોડાવવાની સાથે આરોપીઓને ન્યાયિક અટકાયતમાં મોકલી દીધા છે. જોકે, આ મુદ્દે એક પખવાડિયાથી વાતાવરણ તણાવભર્યું થઈ ગયું છે.
બીજીબાજુ શહેરમાં તણાવપૂર્ણ વાતાવરણ મુદ્દે થયેલી એક અરજીની સુનાવણી કરતા ઉત્તરાખંડ હાઈકોર્ટે જણાવ્યું કે રાજ્યના બધા જ ભાગમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ. મુસ્લિમોની દુકાનોમાં તોડફોડ કરવાના સંદર્ભમાં હાઈકોર્ટે કહ્યું કે, કોઈપણ વ્યક્તિના જીવન અથવા માલ-સામાનને નુકસાન ન થવું જોઈએ. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, અમે સોશિયલ મીડિયા પર આરોપો અને પ્રત્યારોપો અંગે ઉશ્કેરણી કે ટેલિવિઝન અને સોશિયલ મીડિયા પર ચર્ચા નહીં કરીએ.હાઈકોર્ટને ઉત્તરાખંડ પોલીસે જણાવ્યું કે, ઉત્તરકાશીમાં મહાપંચાયતની મંજૂરી નથી અપાઈ. સાથે જ વિસ્તારમાં કલમ ૧૪૪ પણ લગાવી દેવાઈ છે. ઉત્તરાખંડ સરકારના વરિષ્ઠ વકીલ એસ. એન. બાબુલકરે કહ્યું કે, ઉત્તરકાશીના પુરોલામાં મહાપંચાયત અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ છે. હાઈકોર્ટે આજે સંપૂર્ણ બાબતે સરકારને નોટિસ ફટકારી ૩ સપ્તાહમાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે તેમના આદેશમાં કહ્યું છે કે ધરણાં-પ્રદર્શન રેલી સભાઓ માટે સરકારની મંજૂરી લેવી પડશે. કોર્ટે આ ઘટનાને ગંભીર માનતા ટીવી ડીબેટ અને સોશિયલ મીડિયામાં આ પ્રકારના કેસ પર ચર્ચા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ઉત્તરકાશીના ડીએમને આ ઘટનામાં પગલાં લેવાની સાથે કડકાઈથી વર્તન કરવા પણ આદેશ આપ્યા હતા. સાથે જ કોર્ટે કહ્યું કે વાતાવરણ ખરાબ કરનારા લોકો વિરુદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. હકીકતમાં હિન્દુ સંગઠનોએ ‘લવ જેહાદ’ વિરુદ્ધ મહાપંચાયત યોજવાની વાત કરી હતી.