કર્ણાટકની કોંગ્રેસ સરકારે સત્તા પર આવતાં જ રાજ્યમાં ભાજપ સરકારે રજૂ કરેલો ધર્માંતરણ વિરોધી કાયદો રદ કરી દીધો છે. બીજીબાજુ કોંગ્રેસે આરએસએસના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને સાવરકરના પાઠ સ્કૂલના અભ્યાસક્રમમાંથી હટાવી દીધા છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ રાજ્યમાં ગૌ-હત્યા વિરોધી કાયદાની આકરી જોગવાઈઓ પણ હળવી કરે તેવી સંભાવના છે.
કર્ણાટકમાં સત્તા પર આવ્યા પછી સિદ્ધારમૈયા સરકારની ગુરુવારે મળેલી કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી કાયદો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવાર અને સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના પાઠ પણ સ્કૂલના અભ્યાસક્રમમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે બોમ્મઈ સરકારે ગયા વર્ષે જે કાયદાઓમાં ફેરફાર કર્યા હતા તે પાછા ખેંચી લેવાયા છે.
આ સિવાય કેબિનેટે અન્ય એક નિર્ણય એ કર્યો છે કે બધી જ સરકારી, ખાનગી અને ગ્રાન્ટ મેળવતી સ્કૂલો અને કોલેજોમાં બંધારણની પ્રસ્તાવના વાંચવી ફરજિયાત રહેશે.
રાજયના કાયદો અને સંસદીય બાબતોના મંત્રી એચ. કે. પાટિલે જણાવ્યું કે, ધર્માંતરણ વિરોધી કાયદો પાછો ખેંચવા અને હેડગેવાર તથા વીર સાવરકરના પાઠ સ્કૂલના અભ્યાસક્રમમાંથી રદ કરવાનો પ્રસ્તાવ કેબિનેટમાં પાસ થઈ ગયો છે.
આ કાયદો ધર્મની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ પૂરું પાડતો હતો અને ગેરકાયદે ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકાયો હતો. આ કાયદામાં દોષિતને ત્રણથી પાંચ વર્ષની જેલ, રૂ. ૨૫,૦૦૦નો દંડ તથા સગીરો, મહિલાઓ, એસસી-એસટીના સંદર્ભમાં કાયદાના ભંગ બદલ દોષિતને ત્રણથી ૧૦ વર્ષની સજા અને રૂ. ૫૦,૦૦૦ના દંડની જોગવાઈ હતી. આ કાયદામાં ધર્માંતરણ કરાયેલ વ્યક્તિને રૂ. ૫ લાખ સુધીનું વળતર આપવાની પણ જોગવાઈ કરાઈ હતી. ભાજપ સરકારે પહેલાં એક વટહૂકમ મારફત ધર્માંતરણનો કાયદો લાગુ કર્યો હતો.
અને ત્યાર પછી ગૃહમાં તે રજૂ કરાયો હતો. બોમ્મઈ સરકાર તરફથી આ કાયદો ગૃહમાં રજૂ કરાયો ત્યારે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસે આ કાયદાને લઘુમતીઓની હેરાનગતિનું હથિયાર ગણાવ્યો હતો.
કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ : ભાજપનો આક્ષેપ
ભાજપે દાવો કર્યો કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ ‘નવી મુસ્લિમ લીગ’ બની ગઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાસનગૌડા આર. પાટિલે ટ્વીટ કરી હતી કે, શું આ જ છે મહોબ્બત કી દુકાન, રાહુલ ગાંધી? મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો ‘હિન્દુ વિરોધી એજન્ડા’ ખુલ્લો પડી ગયો છે. ધર્માંતરણ માફિયાઓના પ્રભાવ હેઠળ સિદ્ધારમૈયા અને તેમની કેબિનેટે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’ પાછો ખેંચ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિએ કહ્યું કે, કર્ણાટકમાં ધર્માંતરણ માફિયાએ ભાજપની બોમ્મઈ સરકાર દ્વારા લાવવામાં આવેલો ધર્માંતરણ વિરોધી કાયદો પાછો ખેંચવા માટે સિદ્ધારમૈયા સરકાર પર દબાણ કર્યું છે.