મણિપુરમાં ફરી એકવાર હિંસા.

પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. જ્યાં કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી હતી. જો કે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા. મંત્રીના નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષાકર્મીઓ ભીડ કરતા વધારે હતા, પરંતુ તેઓ પણ હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

મણિપુરમાં બે મહિનાથી તણાવ ચાલી રહ્યો છે

પૂર્વોતર રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ જ નથી લઈ રહી ત્યારે ફરી એકવાર હિંસા ફાટી નિકળતા કેન્દ્રિય મંત્રી આરકે રંજનના ઘરને આગ ચાંપી દેવામાં આવી હતી.  ઇમ્ફાલમાં કર્ફ્યુ હોવા છતાં ભીડ મંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચી ગઈ હતી. મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે બે મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. ત્યાં તેણે ઘણી સભાઓ કરી અને લોકોને શાંતિની અપીલ પણ કરી હતી અને તેમણે કહ્યું હતું કે કોર્ટના આદેશને કારણે રાજ્યમાં હિંસા ફાટી નીકળી છે. 

ગયા મહિને પણ મંત્રી પર હુમલો થયો હતો

આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે હજૂ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ સાથે કેન્દ્રીય મંત્રી રાજકુમાર સિંહે કહ્યું છે કે મારા ગૃહ રાજ્યમાં શું થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. હું હજુ પણ શાંતિ માટે અપીલ કરવાનું ચાલુ રાખીશ. જે લોકો આ પ્રકારની હિંસામાં સામેલ છે તેઓ અમાનવીય છે. તેણે કહ્યું કે આ સમયે હું સત્તાવાર કામ માટે કેરળ આવ્યો છું. સદનસીબે ગઈકાલે રાત્રે મારા ઈમ્ફાલના ઘરે કોઈને ઈજા થઈ ન હતી. હિંસક લોકો પેટ્રોલ બોમ્બ લાવ્યા હતા અને મારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળને નુકસાન પહોંચાડ્યું હતું. એક મહિના પહેલા પણ મંત્રી પર આવો જ હુમલો થયો હતો. મે મહિનામાં થયેલા હુમલા દરમિયાન સુરક્ષાકર્મીઓએ ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.