ગ્રીસના દરિયાકાંઠે સેંકડો પરપ્રાંતીયોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગઈકાલે બની હતી. બચાવાયેલા લોકોને કલામાતા શહેરમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઘટનામાં હજૂ ઘણા લોકો લાપતા છે
હજૂ બે દિવસ પહેલા જ નાઈજીરિયામાં એક બોટ પલટી ગઈ હતી જેમા 100 લોકોના મોત થયા હતા ત્યારે આજે આવી જ એક ઘટના ગ્રીસમાં બની છે જેમા પ્રરપ્રાંતીયોને લઈને જઈ રહેલી એક બોટ મોડી રાત્રે દક્ષિણ પેલોપોનીસ પ્રદેશના લગભગ 75 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં ડૂબી જતા લગભગ 79 લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે ઘણા લોકો લાપતા થયા છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડના છ જહાજો, નેવીનું એક જહાજ, એક આર્મી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને એરફોર્સના એક હેલિકોપ્ટર સહિત ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે અંધારાને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી પરંતુ આજે વહેલી સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 104 લોકોને બચાવી લેવાયા
આ ઘટનામાં બચાવાયેલા પરપ્રાંતિયોને એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર માટે કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 104 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 30 ઈજિપ્તના, 10 પાકિસ્તાનના, 35 સીરિયાના અને બે પેલેસ્ટાઈનનો સમાવેશ થાય છે. ગ્રીક કોસ્ટ ગાર્ડે કહ્યું કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે બોટમાં કેટલા મુસાફરો સવાર હતા અને કેટલા લોકો ગુમ છે. એવું માનવામાં આવે છે કે ઇટાલી જતી આ બોટ પૂર્વી લિબિયાના ટોબ્રુક વિસ્તારમાંથી નીકળી હતી.
UNએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
ગ્રીસના મેયરે જણાવ્યું કે તમામ લોકોની ઉંમર 16-41 વર્ષની વચ્ચે છે. બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બોટ ડૂબવાની ઘટનાને ભયાનક ગણાવી છે. UNએ ટ્વીટ કર્યું છે કે પ્રારંભિક માહિતી અનુસાર બોટમાં અંદાજે 400 લોકો સવાર થયા હતા.
નાઈજીરિયામાં બોટ પલટી જવાથી લોકો 100ના મોત થયા હતા.
હજૂ બે દિવસ પહેલા જ મંગળવારે નાઈજીરિયામાં એક બોટ પલટી જવાથી 100 લોકોના મોત થયા હતા. બોટમાં સવાર લોકો નાઈજર રાજ્યના અગબોટી ગામમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા. અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં 100થી વધુ લોકો સવાર હતા અને આ અકસ્માત સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો, જેથી અકસ્માત સમયે લોકો સુધી મદદ પહોંચી શકી ન હતી.