શ્રીરામ ચરિત માનસપાઠનો પ્રારંભ :
પ્રતિ વર્ષના ક્રમાનુસાર આ વર્ષે પણ પૂજ્ય ભાઈશ્રીએ નવરાત્રિના પ્રથમ દિવસે મા ભગવતીના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી તરીકે કુમારિકા પૂજન કર્યુ હતુ. ત્યારબાન શ્રીરામ ચરિતમાનસ પાઠનો મંગલાચરણ પૂર્વક વિધિવત પ્રારંભ કર્યો હતો. ૩૯મા નવરાત્રિ અનુષ્ઠાનમાં શ્રીરામચરિત માનસપાઠનો પ્રારંભ કરતા પહેલા પૂજ્ય ભાઈશ્રીએ કહ્યુ હતું કે સામાન્ય રીતે નવરાત્રિના સમયમાં સભાગૃહ ભરેલુ હોય છે. પરંતુ આપ સૌ અહીંયા નથી છતાં સભાગૃહ ભરાયેલું લાગે છે. આપ સૌ એ હ દિવ્યતા અને ભાવથી ઓનલાઇન જોડાયા છો. આપણે સૌ પાઠનો આનંદ લઈશુ. પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતુ કે શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન મા ભગવતીની દિવ્ય ઝાંખીઓ સજાવવામાં આવશે. જેના દર્શનનો લાભ આપ સૌ ઓનલાઇન લઈ શકશો. દર વર્ષની જેમ આપણે દેવસ્થાપન કરીને સવારે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી અને મા ને પ્રસન્ન કરવા માટે એની સમક્ષ શ્રીરામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે. દુર્ગાષ્ટમીના રોજ પણ નવકુંડી હોમાત્મક યગ્ય થશે. આ રીતે કહીને પૂજ્યા ભાઈશ્રીએ કોવિડ-૧૯ ના સમયને આરાધના પર્વ તરીકે ઓળખાવ્યુ હતુ. નવરાત્રિના મહત્વ વિશે વાત કરતા પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યુ હતુ કે જેવી રીતે વૈષ્ણવો માટે દર ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમમાસનું મહત્વ છે, શૈવો માટે શ્રાવણ માસનું એવી જ રીતે શાક્તો માટે નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. વર્ષમાં ચાર નવરત્રિ આવે છે. તેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં દરવર્ષે મેડીકલ કેમ્પની સેવાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદાઓને કારણે મેડીકલ કેમ્પનુ આયોજન થઈ શક્યુ નથી. બાકીનો અનુષ્ઠાન અને સત્સંગ્નો ઉપક્રમ યથાવત રાખેલો છે. આ વર્ષે કોઇ એક જ મુખ્ય મનોરથીના બદલે ચાર મુખ્ય મનોરથી સેવા આપી રહ્યા છે. શ્રી હિતેશભાઈ તથા નીલમબેન જયસ્વાલ-અમેરિકા, શ્રી ગીતા આહુજા, મુંબઈ, શ્રી અજયભાઈ તથા નિશાબહેન રાઠી, પુના અને શ્રી નરેશભાઈ તથા વીણાબહેન નાગ્રેચા, મુંબઈ આ ચાર મુખ્ય મનોરથીઓનું સ્મરણ કર્યુ હતુ અને અન્ય સેવકો પણ અન્ય સેવાઓમાં જોડાશે તેમ કહ્યુ હતુ.
સાયં સત્રમાં શ્રીમદ્ દેવીભાગવત કથા
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં સાયં સત્રમાં સત્સંગનું આયોજન થતુ હોય છે એ મુજબ આ વર્ષે પણ શ્રીમદ્ દેવીભાગવત કથાનું આયોજન થયેલું છે. પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં શ્રી શ્યામભાઈ ઠાકર દ્વારા આજે સાંજે ૪:૦૦ વાગ્યે શ્રીમદ્ દેવીભાગવત કથાનો વિધિવત્ પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભ પૂર્વે સાંદીપનિ સ્થિત શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી બિપિનભાઇ જોશી દ્વારા “પ્રથમં શૈલપુત્રી” ની કથા અને મહાત્મ્ય વિશે પ્રવચન આપવામાં હતુ. તેઓએ શૈલપુત્રી આ નામ વિશે જે શાસ્ત્રોમાં કથા કહેલી છે તેનું ટૂંકમાં વર્ણન કરીને દેવ અને દેવી વચ્ચે કોઈ ભેદ નથી એમ સમજાવીને દેવી શબ્દોના વિશિષ્ટ અર્થોમાં જ સંસારના સમસ્ત વ્યવહારો સમાય જાય છે એમ કહ્યુ હતુ. દક્ષ પ્રજાપતિએ શિવજીના અપમાન માટે જ યજ્ઞનુ આયોજન કરેલુ હતુ એ કથા કહીને અહંકાર અને અહંકારીના ભેદ સમજાવ્યા હતા. અંતે સંસ્કૃત વ્યાકરણમાં જે વિભકિતઓ છે એની આધાર લઈને મા ભગવતીનું ચરિત્ર વર્ણન કર્યુ હતુ. આજથી પ્રારંભ થયેલા શ્રીરામચરિત માનસપાઠ અનુષ્ઠાન અને શ્રીમદ્ દેવીભાગવત કથાનું પ્રતિદિન sandipani.tv, sandipani/facebook અને GTPL ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.