પોરબંદર તા.૧૪, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામના આંગણવાડી કેન્દ્રનં-૭નાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનની વિશિષ્ટ કામગીરી બદલ જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા છે. કોરોના મહામારીના કારણે આંગણવાડીની બહેનો ઘરે ઘરે જઇને સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા બાળકોને નિયમિત પોષણયુક્ત આહાર વિતરણ કરે છે. કોરોના મહામારીના કારણે લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્ર સુધી આવવું ન પડે તે માટે આંગણવાડીની બહેનો ઘર ઘરની રૂબરૂ મુલાકાત લઇને લાભાર્થીઓને બાલ શક્તિ, પુર્ણા શક્તિ, માતૃ શક્તિના પોષણયુક્ત પેકેટ વિતરણ કરે છે.કોવીડ-૧૯નુ સંક્રમણ ન ફેલાઇ તે માટે સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ઘરે ઘરે જઇને લોક જાગૃતિ કરવામાં આવે છે. રાણાકંડોરણા આંગણવાડી કેન્દ્ર નં-૭નાં વર્કર કારાવદરા ભીનીબેન તથા હેલ્પર ઝાલા કુંદનબેન પણ વિશિષ્ટ કામગીરી કરીને કોરોના વોરીયર્સ બન્યા છે. તેમના કામની કદર કરીને સરકાર દ્રારા જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ અર્પણ કરાયો છે.
આંગણવાડી કેન્દ્ર નં-૭માં અભ્યાસ કરતા ૪ વર્ષિય કાનગડ દીર્ધના માતા શાંતિબહેને કહ્યુ કે, મારો પુત્ર એક વર્ષથી નિયમિત આંગણવાડીમાં ભણવા જતો, હાલ કોરોનાના કારણે કેન્દ્ર બંધ હોવાથી વર્કર અને હેલ્પર બહેન નિયમિત મારા ઘરે આવીને સુખડી વિતરણ કરે છે. અન્ય લાભાર્થી ૧૫ વર્ષિય કિશોરી રાતીયા નેહાબહેને કહ્યુ કે, કોરોના મહામારીના સમયે પણ મને નિયમિત પુર્ણા શક્તિના પેકેટ મળી રહે છે. વર્કર ભીનીબહેન તથા હેલ્પર કુંદનબેને કહ્યુ કે, અમારા કેન્દ્રનાં બાળકો, સગર્ભાઓ, ધાત્રીમાતાઓ, કિશોરીઓને મળવાપાત્ર પોષણયુક્ત આહાર ઘરે ઘરે જઇને વિતરણ કરવામાં આવે છે. તથા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ ઘર મુલાકાત દરમિયાન લોકોને કોરોનાની ગંભીરતાથી વાકેફ કરવાની સાથે માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા, વારંવાર સાબુથી હાથ ધોવા સલાહ આપીએ છીએ. માતા યશોદા એવોર્ડ અંતર્ગત વર્કરને રૂા.૩૧ હજાર તથા હેલ્પરને રૂા.૨૧ હજારની રકમનો પુરસ્કાર એનાયત કરાયો છે. બન્ને બહેનોએ કહ્યુ કે, સરકારે અમારા કામની કદર કરી એ બદલ આભાર, અમે અમારું કામ નિયમીત કરતા રહીશુ.