પોરબંદરમાં શ્વાન પકડવાની કામગીરીમાં ક્રૂરતા દાખવતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ

કાયદાના ભંગ અંગે સંસ્થાએ ફરિયાદ અરજી કરી

પોરબંદરના છાયા વિસ્તારમાં શ્વાન પકડવા આવેલ વ્યક્તિઓએ શ્વાન સાથે ક્રૂરતા દાખવી હોવાથી કાયદાના ભંગ થયા અંગે પોલીસને ફરિયાદ અરજી એક સંસ્થાના સભ્યએ કરી છે. પોરબંદરમા પશુ પક્ષીઓ માટે કાર્ય કરતી ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનિમલ સંસ્થાના વાલીબેન હિતેશભાઈ કડેગિયાએ કમલાબાગ પીઆઇને ફરિયાદ અરજી કરી જણાવ્યું હતું કે રવિવારે સવારે 10:30 કલાકે શહેરના છાયા વોર્ડ નં. 10ના પાટા પછીના વિસ્તારમાં શ્વાન પકડવા કેટલાક વ્યક્તિઓ આવ્યા હતા અને વાહન પાલિકાનું હતું જેથી પાલિકાના કર્મીઓ હોવાનું જણાય છે.

આ કર્મીઓએ શ્વાનને ક્રૂરતા પૂર્વક ચિપીએથી પકડી શ્વાનને જીવલેણ ઈંજાઓ થાય તે રીતે નિર્દયતાથી ઢસડી કચરાપેટીના વાહનમાં ડબ્બામાં પુરી દેવામાં આવ્યું હતું. ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ ચિપિયા જેવા સાધનનો ઉપીયોગ કરવો બિન કાયદેસર છે. કચરો ભરવાના વાહન નો ઉપીયોગ કરવામાં આવ્યો છે તેમજ શ્વાનને ચિપયાથી પકડી ઢસડી જવું તે પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુન્હો બને છે. આ અંગે એક વિડિઓ કલીપ પણ પુરાવા રૂપે પોલીસને આપી છે. અને ફરિયાદ અરજીના માધ્યમથી આ કર્મી અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

વિસાવાડાના શખ્સે ખોટા દસ્તાવેજો સરકારી કચેરીમાં રજૂ કર્યાની ફરિયાદ

વારસદાર છતાં હકીકત છૂપાવી, પોરબંદરની ઇ-ધરા કેન્દ્ર સામે ઠગાઇ કરી

પોરબંદર જીલ્લાના વિસાવાડા ગામના એક શખ્સે ખેતીની જમીનના દસ્તાવેજોમાં વારસદાર હોવા છતાં તેની હકીકતને છૂપાવીને સરકારી કચેરીમાં દસ્તાવેજોને ખરા તરીકે રજૂ કરી ઠગાઇ કર્યાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, વિસાવાડા ગામના જીવાભાઇ રામભાઇ મોઢવાડીયા નામના શખ્સે ખાનગી માલીકીના ખેડ ખાતા નં.-૩૯ સ.નં.-૧૪૨/૧ પૈકી ૧, સ.નં.૪૪૮/૨ ,૬૬૩ પૈકી ૧, ૭૦૮/૩ પૈકી ૧ તથા ૭૩૧/૪૫ પી ૧ વાળી જમીન મેર રામભાઇ સાંમતભાઇ વિગેરેના નામે આવેલ ખેતીની જમીનમાં વારસાઇ નોંધમાં વારસદાર હોવા છતા જીવાભાઇ રામભાઇ મોઢવાડીયા નામના શખ્સે વારસદાર તરીકે નામ દાખલ ન કરી વારસદારો અંગેની હકીકત છુપાવી ખોટા આધાર પુરાવાઓ, ખોટુ સોગંધનામુ, ખોટુ રોજકામ તથા ખોટો વારસાઇ આંબો મહેસુલી કચેરી તથા મામલતદાર કચેરી પોરબંદરના ઇ-ધારા કેન્દ્ર સમક્ષ રજુ કરતા પોરબંદરની ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હિતેશભાઇ વિજયભાઇ પિપરોતરે જીવાભાઇ મોઢવાડીયા સામે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર શહેરની શોભા સમાન પેરેડાઈઝ ફુવારાનું જતન કરો

પોરબંદરની શોભા સમાન ગણાતા એવા પેરેડાઈઝ ફુવારાનું જતન કરવા રજુઆત કરાઈ છે. પોરબંદરની શોભા વધારનાર પેરેડાઈઝ ફુવારો જતનના વાંકે ધૂળ ખાઈ રહ્યો છે. આ ફુવારામાં અંદર પ્રવેશવા માટે પગથિયાં નથી જેથી વૃદ્ધો, બાળકો અને મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ ફુવારામા નીચે લોન પાથરેલ હતી જે જતનના અભાવે સુકાઈ ગઈ છે. તેમજ કેટલાક બાકડાઓ પણ તૂટી ગયા છે. હાલ ભારે ગરમી પડી રહી છે જેથી લોકો સાંજના સમયે પોતાના બાળકોને લઈને ફુવારા પાસે બેસવાનો આનંદ માણવા આવે છે.

ત્યારે આ ફુવારો રાત્રે ચાલુ તો હોઈ છે પરંતુ કેટલાક કલરફુલ ફુવારા બંધ છે. આથી આ પોરબંદરના શોભા સમાન ફુવારો ફરીથી ઝળહળતો કરવામાં આવે અને લોન પાથરવામાં આવે તેમજ કલરફુલ ફુવારા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા તંત્રને સામાજિક અગ્રણીએ લેખિતમાં રજુઆત કરી છે.