આ દલિતની હત્યા નથી; માણસની હત્યા છે; એ કેમ સ્વીકારી શકતા નથી

‘હથિયારી પોલીસનું રક્ષણ ન મળે; મારી નાખે ત્યારે આવજો !’
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામે 2 માર્ચ 2021ના રોજ શરમજનક ઘટના બની છે. દલિત ખેડૂત અને RTI એક્ટિવિસ્ટ અમરાભાઈ બોરિચાની(50) ગામના 10 માથાભારે ઈસમોએ ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરી નાખી !
દલિતોએ કહ્યું કે સુરક્ષાની માંગણી કરી છતાં રક્ષણ નહીં આપનાર PSI સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમરાભાઈની લાશ નહીં સ્વીકારીએ. છેવટે PSI સોલંકી વિરુધ્ધ IPC કલમ-166 (કાયદાની અવગણના કરવી) 504 (જાણી જોઈને અપમાન કરવું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને તેમની સામે ફરજમોકૂફીનું પગલું પણ ભરવામાં આવ્યું છે.
અમરાભાઈનો વાંક શું હતો? વર્ષ 2013 માં અમરાભાઈએ ગામના વિકાસ અને મનરેગા સ્કીમના ફંડની જાણકારી મેળવવા RTI હેઠળ માહિતી માંગી હતી. એટલે ગામના ભયલુભા/શક્તિસિંહ/જયરાજસિંહ/પદુભા/વિરમદેવસિંહે અમરાભાઈ ઉપર હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. તે કેસની મુદત 8 માર્ચ 2021ના રોજ હતી. તેમાં આરોપીઓને સજા પડે તેમ હતી; એટલે આરોપીઓ અમરાભાઈને સમાધાન કરી લેવા દબાણ કરતા હતા.
અમરાભાઈએ સમાધાન કરવાનો ઇન્કાર કર્યો હતો અને ઘોઘા PSI ને હથિયારી પોલીસનું રક્ષણ આપવા વિનંતિ કરી હતી. પોલીસે અમરાભાઈના રક્ષણ માટે GRD ના બે માણસો 4 જાન્યુઆરીના રોજ ફાળવ્યા હતા. તેમની હાજરીમાં જ ભયલુભા/શક્તિસિંહ/જયરાજસિંહ/કનકસિંહ/પદુભા/મુન્નાસિંહ/મનહરસિંહ/હરપાલસિંહ/વિરમદેવસિંહે અમરાભાઈની હત્યા કરી હતી. અમરાભાઈની પુત્રી નિર્મળા વચ્ચે પડી તો તેના માથામાં આરોપીઓએ તલવાર મારીને ગંભીર ઈજાગ્રસ્ત કરી હતી.
આરોપીઓને આનાથી સંતોષ ન થયો એટલે ઘરવખરીનો સામાન પણ તોડીફોડી નાંખ્યો હતો ! પોલીસે આરોપીઓ સામે IPC કલમ-302/ 307/ 452/ 506(2)/ 324/ 294B અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ PSI સોલંકીએ કહેલ કે ‘હથિયારી પોલીસનું રક્ષણ ન મળે; મારી નાંખે ત્યારે આવજો !’ હત્યાના આગલા દિવસે અમરાભાઈ ઘોઘા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા ત્યારે PSI સોલંકીએ ગાળો દઈને કાઢી મૂક્યા હતા !
થોડાં પ્રશ્નો :
[1] દલિત એક્ટિવિસ્ટ હોય તે બાબત ઉચ્ચ વર્ણના લોકો કેમ સ્વીકારી શકતા નથી? શું દલિતોને RTI હેઠળ માહિતી માંગવાનો અધિકાર નથી?
[2] જો ભ્રષ્ટાચાર કર્યો જ ન હોય તો માહિતી આપવામાં વાંધો શું? કોઈ માહિતી માંગે તો તેમાં હુમલો કરી પગ ભાંગી નાખવાની જરુર શું?
[3] કેસમાં સજા થાય તેમ હોય ત્યારે વિક્ટિમને પૂરતું રક્ષણ આપવાની પોલીસની જવાબદારી હતી; છતાં હથિયારી પોલીસના બદલે GRD ના માણસો મૂકીને પોલીસે સુરક્ષા આપવાનો માત્ર દેખાડો કેમ કર્યો?
[4] PSI સોલંકીએ કહેલ કે ‘હથિયારી પોલીસનું રક્ષણ ન મળે; મારી નાંખે ત્યારે આવજો !’ આ કેવા પ્રકારની પોલીસ સેવા છે?
[5] ગામમાં બીજા દલિતો ઉચ્ચવર્ણની દાદાગીરીના કરણે ગામ છોડીને અગાઉ સ્થળાંતર કરી ગયા હતા. માત્ર અમરાભાઈનો પરિવાર જ ગામમાં રહેતો હતો; આ બાબત PSI કે તેમના ઉપરી અધિકારીઓએ કેમ ધ્યાનમાં લીધી નહીં હોય? પોલીસ સ્ટેશનમાં દરેક ગામની એક ગુપ્ત બૂક હોય છે; જેને વિલેજ ક્રાઈમ નોટબૂક કહે છે. તેનો અભ્યાસ PSIએ કર્યો હોત તો ગામમાં માથાભારે ઈસમો કોણ છે; તેની માહિતી મળી હોત અને તેના આધારે અટકાયતી પગલાં લેવા જોઈએ; તે કામ PSIએ કેમ ન કર્યું?
[6] અમરાભાઈએ પહેલા પગ ગુમાવ્યો; ફરિયાદ કરી તો જીવ ગુમાવ્યો ! આપણું પોલીસતંત્ર/ન્યાયતંત્ર વિક્ટિમને રાહત/સુરક્ષા આપવામાં નિષ્ફળ શામાટે રહે છે?
[7] આ ઘટના આપણી ગ્રામ પંચાયતોની પોલ ખોલતી નથી? પંચાયતોમાં માથાભારે તત્વો દાદાગીરી કરે છે; ભ્રષ્ટાચાર કરે છે. કોઈ વિરોઘ કરે કે તેમની સામે ચૂંટણી લડે તો તેની હત્યા કરવામાં આવે છે. સમાજનો સામાજિક ઢાંચો સામંતવાદી હોય ત્યાં પંચાયત પ્રથામાં કે સહકારી પ્રવૃત્તિઓમાં ઉપલા વર્ગનું જ જોર રહે. નીચેના વર્ણના લોકોને હંમેશા અન્યાય જ થાય; ચૂપ રહેવું પડે ! બોલે તો જીવ ગુમાવવો પડે. ગુજરાતમાં ગોકુળિયા ગામ નથી; સામંતવાદી ગામ છે !
[8] 1994 માં ગોલાણા ગામે SRPનો પોઈન્ટ હતો છતાં ગામના માથાભારે ઈસમોએ ઘરમાં ઘૂસીને ચાર દલિતોની હત્યા કરી નાખી હતી ! 2021 માં પણ એ જ અત્યાચાર ચાલુ રહ્યો છે; આવું કેમ? સમાજ સામંતશાહી પ્રદૂષણથી ગંધાઈ રહ્યો છે ! દલિતોનું ટોળું ઉચ્ચવર્ણના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી નાખે; તેમની પુત્રીને માથામાં તલવાર મારે; એવી કલ્પના થઈ શકે છે? દલિતોની હત્યા તેમના ઘરમાં ઘૂસીને થઈ શકે છે; એટલું જ્ઞાન પણ પોલીસને કેમ હોતું નથી? શામાટે પોલીસ રક્ષણ આપવાનો ઈન્કાર કરે છે? તે દલિત છે; ગરીબ છે એટલે?
[9] ગુજરાતમાં એટ્રોસિટી એક્ટની જરુર નથી; હવે કોઈ ભેદભાવ રહ્યા નથી; કોઈ અન્યાય થતો નથી; એવી દલીલો કરનારાઓ ચૂપ કેમ છે? ‘સમરસતા’નો ઢોંગ કરનારા ચૂપ કેમ છે? દલિત MLA જિગ્નેશ મેવાણીએ જ વિધાનસભામાં અવાજ ઊઠાવ્યો; બાકીના MLA ચૂપ કેમ રહ્યા? આ દલિતની હત્યા નથી; માણસની હત્યા છે; એ કેમ આપણે સ્વીકારી શકતા નથી? – rs Ramesh Savani
source : https://www.facebook.com/jkalavadia/posts/3716964515065164
source : https://www.facebook.com/ramesh.savani.756/posts/1112605979205940