કર્ણાટક હાઇકોર્ટે પત્ની અને તેના પ્રેમીને છોડી મુક્યા જા મરી જા તેવું પત્ની દ્વારા પતિને બોલવા માત્રથી આત્મહત્યા માટે ઉશ્કેરણી સાબિત નથી થતી.
પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધને કારણે પતિએ આત્મહત્યા કરી લીધી હતી, આ મામલામાં પત્ની અને તેના પ્રેમી બન્નેને આત્મહત્યા માટે દોષી ઠેરવતા નીચલી કોર્ટના ચુકાદાને કર્ણાટક હાઇકોર્ટે રદ કરી દીધો છે. સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે પત્નીએ પતિને માત્ર એટલુ જ કહ્યું હતું કે જા મરી જા, માત્ર આ એક વાક્યના આધારે પત્ની અને તેના સાથીને પતિને આત્મહત્યા માટે પ્રેરવાના દોષીત ના ઠેરવી શકાય.કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ શિવશંકર અમરાન્નવરે નોંધ્યું હતું કે પતિએ પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને કારણે આત્મહત્યા કરી લીધી હતી માત્ર આ આધાર બન્ને આરોપીઓને આઇપીસીની કલમ ૩૦૬ હેઠળ દોષિત ઠેરવવા માટે પુરતા નથી. આત્મહત્યાના થોડા દિવસ પહેલા જ પત્નીએ પતિને કહ્યું હતું કે જા મરી જા, કોઇ પણ પ્રકારના અન્ય ઇરાદા વગર આવુ કહેવુ તે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી ના કહેવાય. પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને કારણે પતિ દુઃખી હોવાથી આત્મહત્યા કરી લીધી હોઇ શકે છે.
પત્ની અને અન્ય આરોપીએ પતિને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોય તેવા પુરાવા નથી. અગાઉ ટ્રાયલ કોર્ટે મહિલા અને તેના સાથી પુરુષ બન્નેને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષીત ઠેરવ્યા હતા જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને કારણે પતિ આત્મહત્યા કરે તો પતિના મૃત્યુ માટે પત્નીને દોષિત ના ઠેરવી શકાય. આ સાથે જ હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પણ રદ કરી દીધો હતો અને પત્ની તેમજ અન્ય આરોપી પુરુષ બન્નેને તમામ આરોપોથી મૂક્ત કર્યા હતા.