ઈથેનોલની એન્ટ્રીના પગલે મકાઈ બજારમાં બદલાતા સમીકરણા

 ઊભી બજારે – દિલીપ શાહ ડિસ્ટીલરીઓએ ૪૩૧ કરોડ લીટર્સ ઈથેનોલનું ઉત્પાદન કરવા ૧૧૩ લાખ ટન મકાઈની જરૂર પડશે.

દેશમાં પેટ્રોલિયમ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા રહ્યા છે. આ ક્ષેત્રે હવે ઈથેનોલનું નામ જોડાયું છે તથા વિષય તાજેતરમાં ટોક-ઓફ-ધી-ટાઇન બનતો થયો છે. શેરડી-ખાંડ ઉદ્યોગમાંથી ઈથેનોલની સપ્લાય વધી છે. ત્યારે હવે મકાઈમાંથી પણ ઈથેનોલ બનાવવાની પ્રક્રિયા જોર પકડતી જોવા મળી છે. મકાઈમાંથી ઈથેનોલ બનાવતી વિવિધ ડિસ્ટીલરીઓ હાલ ખાસ્સી કાર્યશિલ બની છે તથા આ ડિસ્ટીલરીઓના સૂત્રોના જણાવ્યા મુજબ તેમને ૪૩૦થી ૪૩૫ કરોડ લીટર ઈથેનોલ પૂરું પાડવાના ઓર્ડરો તાજેતરમાં મળ્યા છે. આ સૂત્રોના જણાવ્યા મુજબ ૪૩૦થી ૪૩૫  કરોડ લીટર ઈથેનોલ બનાવવા માટે આશરે ૧૧૩થી ૧૧૪ લાખ ટન મકાઈની જરૂર પડશે. અનાજ બજારમાં ચર્ચાતી વાતો મુજબ શું આટલા મોટા જથ્થામાં મકાઈનો પુરવઠો ઉપલબ્ધ છે?

આ ક્ષેત્રના ઔદ્યોગિક વર્તુળોના જણાવ્યા મુજબ ૩૦૬ કરોડ લીટર ઈથેનોલ બનાવવા આશરે ૮૦ લાખ ટન મકાઈની જરૂર પડે છે. આ પુરવઠો સરળતાથી મળી શકશે અને આમાં સપ્લાયની કોઈ સમસ્યા સર્જાશે નહિં એવી ગણતરી આ વર્તુળો બતાવી રહ્યા હતા. સપ્ટેમ્બર અંતના મળેલા આંકડાઓ મુજબ મકાઈમાંથી બનેલા ઈથેનોલની સપ્લાય ૨૩૧થી ૨૩૨ કરોડ લીટરજેટલી થઈ છે. દેશમાં ઈથેનોલની સપ્લાયનું વર્ષ (મોસમ) નવેમ્બરથી ઓકટોબરનું ગણાય છે. આ ઈથેનોલ સપ્લાય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૩૧થી ૨૩૨ કરોડ લીટરની સપ્લાય ગણતાં ઉફરોક્ત સપ્લાય વર્ષની કુલ એલોટેડ સપ્લાય પૈકી સપ્ટેમ્બર અંત સુધીમાં આશેર ૭૬ ટકા ઈથેનોલની સપ્લાય થઈ ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ૧૮૮ કરોડ લીટર પૂરું પાડવાની યોજના ડિસ્ટીલરીઓએ નવેમ્બર ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૪ના એપ્રિલના છ મહિનાના ગાળા માટે બનાવી હતી અને આ માટે ૫૦ લાખ ટનથી ઓછી મકાઈની જરૂર પડી હતી.

દરમિયાન, દેશમાં ૨૦૨૩-૨૪ની ખરીફ મોસમમાં મકાઈનું ઉત્પાદન આશરે ૨૨૨થી ૨૨૩ લાખ ટન આસપાસ થયાનો અંદાજ બતાવાયો છે. દેશમાં ૨૦૨૩-૨૪ની ખરીફ મોસમમાં મકાઈના વાવેતર હેઠલનો વિસ્તાર આષરે ૮૩થી ૮૪ લાખ હેકટર્સનો નોંધાયો હતો તતા ૨૦૨૪-૨૫ની ખરીફ મોસમમાં મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર દેશમાં વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું અને તેના પગલે ૨૦૨૪-૨૫ની ખરીફ મોસમમાં મકાઈનું ઇત્પાદન પાછલી  ખરીફ મોસમ કરતાં વધુ થવાની શક્યતા બજારના જાણકારો  બતાવી રહ્યા હતા. 

આમ થશે તો ઘરઆંગણે મકાઈની ઉપલબ્ધતા વધવાની આશા બતાવાઈ રહી છે. દિલ્હીથી મળતા સમાચાર મુજબ કૃષી મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૪-૨૫ની ખરીફ મોસમમાં મકાઈના વાવેતર હેઠલનો વિસ્તાર  પાછલી ખરીફ મોસમ કરતાં ૪થી ૫ ટકા વધ્યો છે તથા આ વિસ્તાર આ વર્ષે આશરે ૮૮થી ૮૯ લાખ હેકટર્સનો મનાઈ રહ્યો છે. આ આંકડા સપ્ટેમ્બર અંત સુધીના મલ્યા છે. 

જો કે અમુક જાણકારોના જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ સારો થતાં અમુક ખેડૂતો મકાઈના બદલે ડાંગર-ચોખાના વાવેતર તરફ પણ વળ્યા છે એ જોતાં મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર જે ૮૮થી ૮૯ લાખ હેકટર્સનો અંદાજાયો છે તેના કરતાં કદાચ મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર ઓછો થવાની શક્યતા પણ બતાવાઈ રહી છે. અને જો આમ થશે તો કદાચ મકાઈનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થવાની ભીતિ પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. 

દેશમાં મકાઈના ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય મહત્ત્વનો ગણાય છે તથા જાણકારોના જણાવ્યા મુજબ કર્ણાટક રાજ્યમાં મકાઈના વાવેતર હેઠળનો વિસ્તાર પાછલી મોસમ કરતાં ઓછો થવાનો અંદાજ મળ્યો છે. ભારતમાં ડિસ્ટીલરીઓમાં એક ટન મકાઈમાંથી આશરે ૩૮૦થી ૩૯૦ લીટર્સ ઈથેનોલનું ઉત્પાદન થાય છે. જ્યાકે એક ટન ચોખામાંથી ૪૫૦થી ૪૬૦ લીટર ઈથેનોલનું ઉત્પાદન થતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *