નવા સપ્તાહમાં સેન્સેક્સ 80333 ઉપર બંધ થતાં 81111 જોવાશે

સંવત ૨૦૮૧ની શરૂઆત મૂહુર્ત ટ્રેડીંગમાં મજબૂતીએ થયા બાદ ગત સપ્તાહ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે. અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે. સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે. અહીંથી ગત અઠવાડિયે જ કહ્યું હતું કે, શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે, આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો ખાનાખરાબીનો નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ ઘરભેગો કરવો સલાહભર્યું છે. ગત સપ્તાહના અંતિમ દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ છે. જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. હાલ તુરત નવી ખરીદીની ઉતાવળ કરવી નહીં. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૭૭૭ની ટેકાની સપાટીએ ૨૪૪૪૪ ઉપર બંધ થતાં ૨૪૬૬૬ અને સેન્સેક્સ ૭૮૩૩૩ની ટેકાની સપાટીએ ૮૦૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૧૧૧૧ જોવાઈ શકે છે.

AUTOMOBILE CORPORATION OF GOA LTD.

માત્ર બીએસઈ(૫૦૫૦૩૬) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૪૯.૭૭ ટકા ટાટા મોટર્સ લિમિટેડના પ્રમોટર્સ હોલ્ડિંગની,  ISO 9001:1994, ISO 9001:2000, QS 9000, TS 16949:2002, TS 16949:2002, IATF 16949, TS16949 Secon Edition Certified, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા  લિમિટેડ (AUTOMOBILE CORPORATION OF GOA LTD.), વર્ષ ૧૯૮૦માં અગાઉની ટાટા એન્જિનિયરીંગ એન્ડ લોકોમોટીવ કંપની લિ.(ટાટા મોટર્સ) અને ઈડીસી લિમિટેડ(અગાઉ ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ગોવા, દમણ એન્ડ દિવ લિમિટેડ તરીકે ઓળખાતી) કંપની દ્વારા સંયુક્ત રીતે પ્રમોટ કરાયેલી કંપનીએ પ્રથમ એન્જિનિયરીંગ એકમ ગોવામાં સ્થાપ્યું હતું. કંપનીઅત્યારે શીટ મેટલ કોમ્પોનન્ટસ, એસેમ્બલિઝ અને બસ કોચીઝ, સ્ટાફ ટ્રાન્સપોર્ટ માટેની બસો, ડીફેન્સ માટેની બસો,  લકઝરી બસો, સિટી બસો, સ્કુલ બસો, સ્લિપર બસો, સ્પેશ્યલ ઉપયોગ માટેના વ્હીકલ્સ, શીટ મેટલ પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સક્રિય છે. જે માટે કંપની ભારતમાં હોન્ડા(ગોવા), ભુઈંપાલ(ગોવા), પૂના(મહારાષ્ટ્ર), ધારવડ(કર્ણાટક)માં મેન્યુફેકચરીંગ બેઝ ધરાવે છે. વર્ષ ૧૯૮૨થી કાર્યરત કંપની ટાટા મોટર્સ પૂના ફેકટરીને પ્રેસિંગ્સ અને એસેમ્બિલીઝની મોટી સપ્લાયર છે. તેના ત્રણ એકમો ખાતે શીટ મેટલ ડિવિઝન ૧૭,૬૨૦ ટનથી વધુ હાઈ ટનેજ પ્રેસીઝ ધરાવે છે. વર્ષ ૧૯૮૭માં કંપનીએ સુબારૂ કારની મેન્યુફેકચરર ફયુજી હેવી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ-જાપાન સાથે ચેસીઝ માઉન્ટેડ બસ બોડીઝના વિવિધ મોડલો માટે ટેકનીકલ કોલોબ્રેશન કર્યું હતું અને કંપનીએ સંપૂર્ણ બસ બોડી બિલ્ડિંગ ડિવિઝન સ્થાપ્યું હતું. કંપની આ ઉપરાંત એફએચઆઈ-ફયુજી હેવી ઈન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ ૧૯૯૫માં મોનોકોક્યુ બસોના નિર્માણ માટે પણ કરાર કર્યા હતા.

ઉત્પાદનો : કંપનીના ઉત્પાદનોમાં સ્ટાફ ટ્રાન્સફોર્ટ બસો, લક્ઝરી બસો, સિટી ઉપયોગ માટેની બસો, ડિફેન્સ ક્ષેત્રે  ઉપયોગ માટેની બસો,  એરપોર્ટ ઉપયોગ માટેની બસો, સ્કુલ બસો, સ્લિપર બસો, શીટ મેટલ પ્રોડક્ટસનો સમાવેશ છે.કંપનીના ચેરમેન શ્રીનિવાસ વી. ડેમ્પોએ ૨૭, જૂન ૨૦૨૪ના કરેલા નિવેદન મુજબ વર્ષ ૨૦૨૩-૨૪માં ઓટો ઉદ્યોગમાં મજબૂત બજાર વૃદ્વિની કંપનીની કામગીરી પર પોઝિટીવ અસર જોવાઈ છે.  કંપનીએ ૬૫૧૧ બસોના વેચાણની સિદ્વિ હાંસલ કરી છે.  જેમાં ૩૬ ટકા નિકાસ કરી છે. કંપનીની મેન્યુફેકચરીંગ સવલતોને નવા બસના મોડલો માટે અપગ્રેડ કરવામાં આવી છે. કંપનીની નોન-એક્ઝિક્યુટીવ ડિરેકટર ગિરીશ વાઘે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી માંગને પહોંચી વળવા કંપની ઉત્પાદન વધારવા પર ફોક્સ કરી રહી છે.શેર હોલ્ડિંગ પેટર્ન :  પ્રમોટર્સ ટાટા મોટર્સ હસ્તક ૪૯.૭૭ ટકા,કોર્પોરેટ બોડીઝ ૭.૯૧ ટકા, એચએનઆઈઝ ૧૨.૯૫ ટકા, અન્યો પાસે ૧૦.૨૨ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૧૯.૧૫ ટકા છે.બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧ના રૂ.૨૭૪, માર્ચ ૨૦૨૨ના રૂ.૨૭૭,  માર્ચ ૨૦૨૩ના રૂ.૩૧૮, માર્ચ ૨૦૨૪ની રૂ.૩૬૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૪૪૫ડિવિડન્ડ : માર્ચ ૨૦૨૩માં ૧૭૫ ટકા, માર્ચ ૨૦૨૪માં ૨૦૦ ટકા

શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના રૂ.૨૦.૫૪(કોવિડ સમય), માર્ચ ૨૦૨૨માં રૂ.૫.૬૫ (આંશિક કોવિડ સમય), માર્ચ ૨૦૨૩ના રૂ.૪૫.૭૩, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૩.૦૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૮૫

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક  ૧૬ ટકા વધીને રૂ.૫૯૭  કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૬.૫ ટકા થકી  ચોખ્ખો નફો ૩૮ ટકા વધીને રૂ.૩૮.૩૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૩.૦૨ હાંસલ કરી હતી.

(૨) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક ૫.૫  ટકા વધીને રૂ.૧૩૪ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૪૮ ટકા થકી ચોખ્ખો નફો ૩ ટકા ઘટીને રૂ.૭.૩૪ કરોડ નોંધાવી ત્રિમાસિક શેર દીઠ ત્રિમાસિક આવક-ઈપીએસ રૂ.૧૨.૦૫ હાંસલ કરી છે.

(૩) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક ૨૨ ટકા વધીને રૂ.૩૪૧ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૪૧ ટકા થકી ચોખ્ખો નફો ૪૩ ટકા વધીને રૂ.૨૫.૨૬ કરોડ નોંધાવી શેર દીઠ અર્ધવાર્ષિક  આવક-ઈપીએસ રૂ. ૪૧.૪૮હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૭૨૫ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૧૨ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૫૧.૬૫  કરોડ નોંધાવી શેર દીઠ પૂર્ણ  વર્ષની આવક(ઈપીએસ) રૂ.૮૫ અપેક્ષિત છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૮૫  અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૪૫  સામે ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા લિમિટેડનો શેર  રૂ.૨૩૦૮ના ભાવે ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *